ગોરખપુર, તા. ૬
ઓગસ્ટ મહિનામાં ૩૦૦ બાળકોના ઓક્સિજનના અભાવે મોત બાદ દેશમાં પ્રકાશમાં આવેલી ગોરખપુરની હોસ્પિટલ ફરી પ્રકાશમાં આવી છે. અહીં છેલ્લા ૪૮ કલાકમા વધુ ૩૦ બાળકો મોતને ભેટ્યા છે. આ મોત અંગે સ્પષ્ટતા કરતા કમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રમુખ પ્રોફેસર ડો. ડીકે શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આમાંથી ૧૫ બાળકો એવા છે જેઓ એક મહિનાથી પણ ઓછી ઉંમરના હતા અને બાકીના બાળકો એક મહિના કરતા મોટા હતા. તેમણે કહ્યું કે, આ તમામ બાળકો એન્સીફિલેટાઇસને કારણે મોતને ભેટ્યા છે. જ્યારે કેટલાક બાળકો અન્ય વિવિધ કારણોસર મૃત્યુ પામ્યા છે. ગોરખપુર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું ગૃહનગર છે અને તેમણે ઓગસ્ટમાં એવું નિવેદન આપી વિવાદ જગાવ્યો હતો કે, ઓગસ્ટમાં તો બાળકો મરે જ છે.