(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૬
ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણ ક્ષેત્રે હરણફાળ પ્રગતિની અને વૈશ્વિક સ્પર્ધા મુજબનું શિક્ષણ ઉપલબ્ધ બનાવવાની મોટી વાતો કરે છે, પરંતુ વર્ષો જૂના સરકારી માળખાને ધ્વસ્ત કરી ખાનગીકરણ તરફ હરણફાળ પ્રગતિ કરી રહી હોય, તેમ જણાય છે. સરકારી આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજોમાં શિક્ષણ મજબૂત બનાવી ગરીબ-મધ્યમ વર્ગને ધ્યાને રાખી વધુ સરકારી કોલેજો શરૂ કરવાને બદલે ખાનગી કોલેજોને મોટાપાયે મંજૂરી આપી લોકોને વધુ ફી આપી લૂંટાવાની સ્થિતિ ઊભી કરી હોય, તેમ જણાય છે. રાજ્યમાં સરકારી કોલેજો વસ્તીની દૃષ્ટિએ ઓછી છે અને હજુ જરૂર છે, ત્યારે છેલ્લા બે વર્ષમાં સરકાર માત્ર એક નવી સરકારી કોલેજ મંજૂરી કરી છે, તો તેની સામે ચાલીસગણી એટલે કે, ૪૦ ખાનગી કોલેજોને મંજૂરી આપી છે. સરકારની શિક્ષણ ક્ષેત્રે વિકાસની વાતોના ફુગ્ગાની હવા નીકાળી દેતી વિગતો ખુદ સરકારના દફતરેથી જ બહાર આવી છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નો અંગે સરકારના મંત્રીએ આપેલ જવાબમાં જ સરકારી કોલેજોની સ્થિતિની વિગતો છતી કરી છે. રાજ્યમાં હાલમાં આર્ટસ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની સરકારી ૧૦૦ કોલેજો માત્ર કાર્યરત છે, તેની સામે ખાનગી કોલેજો પાંચથી આઠ ગણી છે, જેમાં ૩૦૯ ગ્રાન્ટેડ અને ૪પપ ખાનગી નોન-ગ્રાન્ટેડ કોલેજો કાર્યરત છે. આમ, કુલ મળીને રાજ્યભરમાં સરકારી-બિન સરકારી ૮૬૪ કોલેજો શિક્ષણ આપી રહી છે. શિક્ષણની દૃષ્ટિએ અને વસ્તી વિસ્તારની દૃષ્ટિએ જોઈએ તો હજુ વધુ કોલેજોની આવશ્યકતા હોઈ સરકાર દ્વારા ગરીબ-મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખી વધુને વધુ સરકારી કોલેજો શરૂ કરવી જોઈએ, તેની સામે છેલ્લા બે વર્ષ માત્રને માત્ર નવી એક જ સરકારી કોલેજ મંજૂર કરી છે, એ પણ ખેડા જિલ્લામાં મંજૂર કરાઈ છે, જ્યારે બિનસરકારી ખાનગી નવી ૪૦ કોલેજો શરૂ કરવા સરકારે મંજૂરી આપી હોવાનું સરકારના મંત્રી તરફથી જવાબમાં જણાવાયું છે. રાજ્યમાં સૌથી વધુ ખાનગી કોલેજો ભાવનગર જિલ્લામાં ૪પ કોલેજો કાર્યરત છે, તે પછી રાજકોટ જિલ્લામાં ૪૩ કોલેજો આવેલી છે. રાજ્યના કેટલાક જિલ્લા તો એવા છે કે, જ્યાં એક પણ સરકારી કોલેજ નથી. મોરબી, વડોદરા, મહિસાગર એવા જિલ્લા છે કે, જ્યાં એક પણ સમ ખાવા પૂરતીય સરકારી કોલેજ નથી. આ ત્રણ જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓ કે જ્યાં કોલેજો બહુ ઓછી છે અને ત્યાં આવશ્યકતા છે, તેમાં બોટાદ, પોરબંદર, તાપી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, મહિસાગર, અરવલ્લી અને જામનગરમાં સમાવેશ થાય છે. ખાનગી કોલેજોમાં મસમોટી ફી ભરી વાલીઓ લૂંટાય તેવી સ્થિતિનું નિર્માણ કરી રહ્યું હોય તેમ હાલ તો જણાઈ રહ્યું છે.