(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૭
સુરતની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની ઉત્રાણમાં બનેલી નવી શાળામાં શિક્ષણનું સ્તર સુધારવા માટેના પ્રયાસના કારણે સ્કુલના વિદ્યાર્થીઓ અહીં પ્રવેશ મેળવવા લાઈન લગાવી રહ્યા છે. જે બાબત સમિતિ માટે ગૌરવ લેવા જેવી છે. આ સ્કુલનું ઉદાહરણ લઈ અન્ય સ્કુલમાં પણ શિક્ષણનું સ્તર સુધારવામાં આવે તેવી માંગણી પણ થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ઉત્રાણની શાળા ક્રમાંક ૩૩૪ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રાથમિક શાળામાં એડમીશન માટે કોર્પોરેટર, શિક્ષણ સમિતિના શાસક-વિપક્ષી સભ્યો ભલામણ ચીઠ્ઠી લખીને એડમીશન આપવા માટેની ભલામણ કરે છે. એક જ વર્ષમાં ઉત્રાણની સ્કુલના શિક્ષણના સ્તરની વાત બહાર જતાં આસપાસની ખાનગી સ્કુલમાંથી કેટલાક વિદ્યાર્થીઓ એડમીશન મ્યુનિસિપલ સંચાલિત સ્કુલમાં લઈ રહ્યાં છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અન્ય સ્કુલોમાં પણ ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાભર્યું શિક્ષણ મળે તેવી કામગીરી કરવા માંગ ઉઠી છે. સ્કુલમાં સર અને ટીચરનું સંબોધન વિદ્યાર્થીઓ કરતાં જ નથી તેના બદલે ગુરૂજી અને દીદીનું સંબોધન કરે છે. આવા પ્રકારના સંબોધનના કારણે આત્મિયતા વધતાં ગુરૂ અને વિદ્યાર્થી વચ્ચેનું અંતર ઘટી જતાં તેઓની સમસ્યા ઘણી સરળતાથી દૂર થઈ શકે અને તેના કારણે જ શિક્ષણનું સ્તર વધુને વધુ ઉંચુ લાવવાના પ્રયાસમાં સફળતા મળી રહી છે. એમ શાળાના આચાર્યએ જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉત્રાણમાં ગત વર્ષે ૩૦૦ વિદ્યાર્થીની સંખ્યા સાથે સ્કુલ શરૂ કરવામાં આવી હતી, પરંતુ એક જ વર્ષમાં આઠ વર્ગના બદલે ૧૮ વર્ગ કરી દેવાની શિક્ષણ સમિતિને ફરજ પડી છે. આ પાછળનું કારણ એ છે કે, સ્કુલમાં ૭૫૦ જેટલા વિદ્યાર્થીની સંખ્યા થઈ ગઈ છે. આટલા વિદ્યાર્થીના સમાવેશ બાદ પણ હાલ નવા એડમીશન માટે વિદ્યાર્થીઓનો ઘસારો જોવા મળ્યો હતો.