(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૮
અમેરિકાની ફેડરલ સરકાર શુક્રવારથી આંશિક શટડાઉન કરશે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મેક્સિકો બોર્ડર પર સિક્યોરિટી વૉલ તૈયાર કરવાનું બિલ હજુ પેન્ડિંગ છે. જેથી ટ્રમ્પે અગાઉ અવાર-નવાર દિવાલ નહીં તો શટડાઉન થશે તેવી ધમકી આપી હતી. આ શટડાઉન દરમિયાન ત્રણ ચતુર્થાંશ સરકારી ઓફિસો આગામી નાણાકીય વર્ષ એટલે કે, સપ્ટેમ્બર સુધી ખુલ્લી રહેશે. ટ્રમ્પે દિવાલ માટે હોમલેન્ડ સિક્યોરીટ ડિપાર્ટમેન્ટને ઇમિગ્રેશન, ન્યાય અને આતંરિક મુદ્દાઓને પહોંચી વળવા ૫ બિલિયન યુએસ ડોલર (અંદાજિત ૩૫૬ કરોડ)નું બિલ મુક્યું છે. આ બિલને મંજૂર કરવાની અંતિમ મર્યાદા શુક્રવાર સુધીની છે. પ્રેસિડન્ટ ટ્રમ્પે પોતાના ઇલેક્શન કેમ્પેઇન દરમિયાન ગેરકાયદે ઇમિગ્રેશનને અટકાવવાની જાહેરાત કરી હતી. પ્રેસિડન્ટ બન્યા બાદ ટ્રમ્પ સતત આ મુદ્દે દબાણ હેઠળ છે.
અમેરિકન કોંગ્રેસ આ મુદ્દે બિલ મંજૂર કરવા તૈયાર છે, પરંતુ તેની રકમ ખૂબ જ ઓછી છે. વળી ટ્રમ્પે ઇમિગ્રેશન મુદ્દે હજુ સુધી કોઇ નક્કર પગલાં ઉઠાવવામાં પોતાની જ પાર્ટીની બે ચેમ્બરને નિયંત્રિત રાખવામાં અસક્ષમ છે.
જો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ બિલ પસાર કરી દે છે તો પણ સેનેટમાં ડેમોક્રેટ્‌સના સહયોગ વગર બિલ પાસ નહીં થાય. ડેમોક્રેટ્‌સ શરૂઆતથી જ આ બિલનો વિરોધ કરતું આવ્યું છે. ડેમોક્રેટ્‌સે એવી જાહેરાત પણ કરી છે કે, તેઓ બોર્ડર વૉલના ટ્રમ્પના નિર્ણયને સ્વીકારવા માટે તૈયાર નથી.
વ્હાઇટ હાઉસમાં ગત અઠવાડિયે મળેલી બેઠકમાં ટ્રમ્પે ડેમોક્રેટ્‌સ લીડર નેન્સી પેલોસી અને ચક શુમરને કહ્યું હતું કે, જો બોર્ડર વૉલ માટે ફંડ નહીં મળે તો અમેરિકામાં વધુ એક વખત શટડાઉન થશે. ટ્રમ્પે કહ્યું કે, મને બોર્ડર સિક્યોરિટી માટે ગવર્મેન્ટ શટડાઉન કરવાનો મને ગર્વ છે.