વડાપ્રધાન મોદીનું એક પણ નિવેદન ગંભીરતાથી લઈ શકાય તેવું નથી : ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે જ

(સંવાદદાતા દ્વારા)                            અમદાવાદ, તા.૧૦

ગૌરક્ષાના નામે અત્યાચાર, સર્જિકલ સ્ટ્રાઈક, લઘુમતી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં સરકારની ઉદાસીનતા, ગુજરાતની આગામી ચૂંટણીઓ સહિત દેશની હાલની રાજકીય સ્થિતિ અંગે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ માયનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ખુરશીદ સૈયદ સાથે ‘ગુજરાત ટુડે’ એ વાતચીત કરી હતી. જેમાં તેમણે કેન્દ્ર સરકાર માટે કહ્યું છે કે સરકાર જુમલાઓથી નહીં પરંતુ નીતિ અને નિયતથી ચાલે છે.

ગુજરાત ટુડે સાથેની ખુરશીદ સૈયદની વાતચીત અત્રે રજૂ કરીએ છીએ.

  • દેશમાં ગૌરક્ષાના નામે થતા અત્યાચાર ઉપર શું કહેશો ?

– દેશના વડાપ્રધાન મોદીને જો સાચા માનતા હોય તો તંત્ર દ્વારા ગૌરક્ષાના નામે અત્યાચાર કરતા લોકોને સબક મળે તેવો દાખલો બેસાડવો જોઈએ. કોઈપણ ગૌરક્ષાના નામે રસ્તા ઉપર ન્યાય ના કરે અને જો ગૌરક્ષાના નામે અત્યાચાર થયો હોય તો તેના પરિવારને રક્ષણ પૂરૂં પાડવાની જવાબદારી સરકારની છે તે તેમણે નિભાવવી જોઈએ.

  • સર્જિકલ સ્ટ્રાઈક વિશે શું કહેશો ?

– સર્જિકલ સ્ટ્રાઈક તો થઈ ખરી પરંતુ તેને રાજકીય રૂપ આપી વડાપ્રધાન મોદી જશ ખાટી રહ્યા છે જે નિંદનીય છે. કારણ કે ખરેખરમાં તેનો જશ  ભારતીય સેનાને જ જાય છે. કોંગ્રેસ પક્ષ કે કોંગ્રેસની સરકારે ક્યારેય દેશની સુરક્ષાની બાબતમાં કે તેના નિર્ણયો ઉપર ચર્ચા કે ડિબેટ કરી નથી.

  • ગુજરાતને આંદોલનનું ગ્રહણ લાગ્યું છે ત્યારે આગામી ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને કેટલો ફાયદો થશે ?

– ગુજરાતમાં પાટીદાર આંદોલન, દલિતોનું આંદોલન, મોંઘવારી, કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિથી પ્રજા વાકેફ છે. એટલે ચૂંટણીમાં કોનો પરચમ લહેરાવવો તે તો પ્રજાએ નક્કી કરી જ લીધું હશે ત્યારે રાજ્યમાં શાસકપક્ષની સરકાર સામે વિરોધનો વંટોળ ઊઠ્યો એટલે તેનો સીધો ફાયદો વિપક્ષને જ થશે અને ગુજરાતમાં ૧૦૦ ટકા કોંગ્રેસ સરકાર બનાવવાની સ્થિતિમાં છે.

  • કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી વિદ્યાર્થીઓને અપાતી સ્કોલરશીપ અંગે શું માનો છો ?

– એનડીએ સરકારની લઘુમતી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાની દાનત જ નથી. તેમને લઘુમતીઓ સાથે સહાનુભૂતિવાળી લાગણી પણ નથી અને તેઓ મુસ્લિમોમાં પણ ભાગલા કેવી રીતે પડે તેની રાજનીતિ કરે છે.

  • વડાપ્રધાન મોદીના જુદા જુદા નિવેદનો અંગે આપનું શું કહેવું છે ?

– આજ સુધી વડાપ્રધાને એવું એક પણ નિવેદન આપ્યું નથી કે જેને ગંભીરતાથી લઈ શકાય. એટલે તેમના એક પણ નિવેદનને ગંભીરતાથી લેવાતું નથી. ખુદ તેમની જ પાર્ટીના સાંસદ, ધારાસભ્ય મોદીના નિવેદનોથી વિરૂદ્ધ ગેરબંધારણીય નિવેદનો કરે છે. દેશની પ્રજા પણ તેમના નિવેદનોને સમજી ગઈ છે. એટલે તેઓ ઈમાનદારીથી કામ કરે. સરકાર નીતિ અને નિયતથી ચાલે છે જુમલાઓથી ચાલતી નથી.

  • ‘ગુજરાત ટુડે’ અખબાર વિશે શું કહેશો ?

સમાજમાં દબાયેલા, કચડાયેલા લોકોના અવાજને સરકાર સુધી પહોંચાડવાનું કામ  ‘ગુજરાત ટુડે’ અખબાર કરી રહ્યું છે. તેમાંય લઘુમતી સમાજના પ્રશ્નોને વાચા આપતા ‘ગુજરાત ટુડે’ વધુને વધુ લોકોએ વાંચવું જોઈએ.  ગુજરાત ટુડે એ અખબાર નહીં પણ એક મિશન છે.