અમદાવાદ, તા.ર૯
GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન)ની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. કુલ પ૬૯૪ ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા આપી હતી તે પૈકી ૧૦૪પ ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરી લીધી છે. જેમના ઈન્ટરવ્યુ ૧રથી ૧૮ ફેબ્રુઆરી દરમ્યાન ગોઠવાશે. તા.૨૯/૧/૧૮ના ગુજરાત જાહેર સેવા આયોગ(GPSC) દ્વારા વર્ગ-૧ અને ૨ની મુખ્ય લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ કલેક્ટરની કુલ ૪૦, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ ૨૮ જિલ્લા રજિસ્ટ્રારની કુલ ૭, નશાબંધી અને આબકારીના અધિક્ષકની કુલ ૨; તેમજ મદદનીશ કમિશનર આદિજાતિ, વર્ગ-૧ની કુલ ૬ એમ સંયુક્ત રીતે વર્ગ-૧ની ૮૩ જગ્યાઓ તથા મામલતદારની કુલ ૬૯; સેક્શન અધિકારી (સચિવાલય)ની કુલ ૯૬; સેક્શન અધિકારી (વિધાનસભા)ની કુલ ૩, સેક્શન અધિકારી (જી.પી.એસ.સી.)ની કુલ ૩; તાલુકા વિકાસ અધિકારીની કુલ ૮; સરકારી શ્રમ અધિકારીની કુલ ૭; મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કુલ ૨૨; જિલ્લા નિરીક્ષક, જમીન દફ્તરની કુલ ૮; અન્ન અને નાગરિક પુરવઠાના મદદનીશ નિયામકની કુલ ૧૫; તેમજ આદિજાતિ વિકાસ અધિકારીની કુલ ૨૧ એમ સંયુક્ત રીતે વર્ગ-૨ની ૨૫૨ જગ્યાઓ એમ સંકલિત કુલ ૩૩૫ જગ્યાઓ માટે તારીખ : ૧૫/૦૩/૨૦૧૭ના રોજ જાહેરાત ક્રમાંક ૧૨૧/૨૦૧૬-૧૭ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. જે માટે રાજ્યભરમાંથી ૨.૯૪ લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારોની પ્રાથમિક કસોટી તારીખ : ૦૪/૦૬/૨૦૧૭ના રોજ રાજ્યના ૩૨ જિલ્લામાં યોજવામાં આવેલ હતી. કુલ ૧.૭૧ લાખ ઉમેદવારો પ્રાથમિક કસોટીમાં ઉપસ્થિત રહ્યા હતા. જેનું પરિણામ તા.૧૪/૦૭/૨૦૧૭ના રોજ રેકોર્ડ ૪૦ દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું. જે મુજબ ભરવાની થતી કુલ જગ્યાના આશરે ૧૫ ગણા અને સમાન ગુણને અનુસાર કુલ ૬૦૫૬ ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષા માટે પાત્ર જાહેર કરવામાં આવેલ હતા.GPSCની મુખ્ય પરીક્ષામાં ૧૦૪પ ઉમેદવારો પાસ થયા છે. જ્યારે આગામી ૧૪ માર્ચ ર૦૧૮ના રોજ અંતિમ પરિણામ જાહેર કરાશે. ખાસ કરીને આવતા મહિને એટલે કે ૧રથી ૧૮ ફેબ્રુઆરી દરમ્યાન પાસ થયેલા ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામાં આવશે.