(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.રપ
રાજયના ધો.૧ર પાસ થયેલા યુવાનો માટે હવે આગામી દિવસોમાં સરકારી નોકરી મેળવવાનું લગભગ બંધ થઈ જશે. પટાવાળા કે સેવક જેવી સરકારી નોકરી જ હવે તેમના માટે રહેશે. સરકાર વધુ એક ફેરફાર કરી હવેથી સરકારમાં વર્ગ-૩માં નોકરી મેળવવા માટે ગ્રેજ્યુએશનની ડિગ્રી ફરજિયાત કરવાનો નિર્ણય લેવાયો હોવાની વિગતો ખાસ સરકારી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે.
ગુજરાત સરકાર તરફથી એક નોટિફિકેશન બહાર પાડી મોટી જાહેરાત કરવામાં આવી છે જે મુજબ હવે વર્ગ-૩ની નોકરી માટે ગ્રેજયુએશનની ડિગ્રી ફરજિયાત કરવામાં આવી છે. અગાઉ સરકાર દ્વારા તા.૧૭ નવેમ્બરમાં બિનસચિવાલયની પરીક્ષા માટે આ સ્નાતક અંગેનો નિર્ણય કરાયો હતો પરંતુ વિરોધ થવાના લીધે સરકારે નિર્ણય પરત ખેંચ્યો હતો.
દરમ્યાન હવે રાજય સરકારે મોટો ફેરફાર કર્યો છે. સરકારી તંત્રમાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે. હવેથી વર્ગ-૩ની ભરતીમાં સ્નાતક પાસની લઘુત્તમ લાયકાત નક્કી કરવામાં આવી છે જેથી ધોરણ-૧ર પાસ વિદ્યાર્થી વર્ગ-૩ પરીક્ષા આપી શકશે નહીં. તેમજ રાજય સરકાર દ્વારા તેમની મહત્વ વયમર્યાદા ૩પ વર્ષ કરી દીધી છે. આ સાથે પટાવાળાથી પ્રમોશન આપીને નિમણૂક કરવાની પ્રથાને પણ માન્ય ગણાઈ નથી. આ સિવાય વર્ગ-૩ (કલાર્ક) તરીકેની નિમણૂક ડાયરેકટ રહેશે. તેવું પણ જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત ગુજરાત સિવિલ સર્વિસીઝ કલાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ (જનરલ) રૂલ્સ, ૧૯૬૭ પ્રમાણે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ આવશ્યક છે. ગુજરાત અને અંગ્રેજીમાં ડેટા એન્ટ્રી દર કલાકે પ હજાર અક્ષર ટાઈપ કરી શકે તેવી સ્પીડ પણ હોવી આવશ્યક કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.