(એજન્સી) કાનપુર, તા.ર૦
કાનપુરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરમાં નિવાસી અલી શાહબાઝએ ઓનલાઈન કંપની ફ્લિપકાર્ડ પાસેથી ગોળ ડબ્બાઓ મગાવ્યા હતા જે તૂટેલા નીકળ્યા હતા, જે અંગે ફરિયાદ કરવા બોક્સમાં લખેલ નંબર પર ફોન કરતા એસએમએસ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, તમે બીજેપીના સભ્ય બની ગયા છો. ત્યારે બીજીવાર નંબર જોડ્યો તો ફરીથી લખીને આવ્યું કે, તમે પહેલાંથી જ બીજેપીના સભ્ય છો. વન ઈન્ડિયા ન્યૂઝ પોર્ટલ અનુસાર શાહબાઝએ જણાવ્યું કે, આ એક ખરાબ પ્રકાર છે. આ સંદર્ભમાં શહેરની અન્ય પાર્ટીઓના નેતાઓએ પણ ભારતીય જનતા પાર્ટી પર નિશાન તાક્યું. કોંગ્રેસના હરપ્રકાશ અગ્નિહોત્રી અને જિલ્લા અધ્યક્ષ સમાજવાદી પાર્ટી કાનપુરના ફઝલ મહેમૂદએ આની પર ટીકા કરતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ હવે માત્ર જૂઠ્ઠાણા પર નિર્ભર છે. ટોલ ફ્રી નંબર સંપૂર્ણપણે નકલી છે અને આ મામલો સામે આવ્યો છે તે બહુ ગંભીર છે. એને ચૂંટણી પંચ સમક્ષ મૂકવાનું કામ કરીશું. બંને નેતાઓએ આને ગેરબંધારણીય ગણાવ્યો હતો. કાનપુર જિલ્લા અધ્યક્ષ ભાજપના સુરેન્દ્ર મૈથાનીએ જણાવ્યું કે, એની સદસ્યતામાં કોઈ બનાવટ નથી. પાર્ટીનું સોફ્ટવેર સંપૂર્ણપણે તંદુરસ્ત છે. જે કંઈ ભૂલ થઈ છે તે ફ્લિપકાર્ડ તરફથી થઈ છે.