(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૪
ખંભાત તાલુકાનાં ધુવારણ ગામે ગત બુધવારની રાત્રે થયેલા ઝઘડામાં યુવકનાં શંકાસ્પદ મોતની ઘટનામાં પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવાની માંગ સાથે આજે આણંદ ખાતે પોલીસ અધિક્ષક અને કલેકટરને આવેદનપત્ર આપી પોલીસની કામગીરી સામે અસંતોષ વ્યકત કર્યો હતો.
મળતી વિગતો અનુસાર ધુવારણ ગામે વલ્લભપુરામાં રહેતા ઉર્મિલાબેન રણજીતસિંહ સિંધાએ આણંદનાં પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણ અને કલેકટર દિલિપ રાણાને આપેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર રણજીતસિંહ કેસરીસિંહ સિંધાની પત્ની ઉર્મિલા પોતાનાં ધરમાં એકલી હતી ત્યારે બાજુમાં રહેતા ભગવાનસિંહ ભારતસિંહ સિંધાએ દારુનાં નશામાં ધુત થઈને ઉર્મિલા સાથે છેડછાડ કરતા જે બાબતે ઉર્મિલાએ પોતાનાં પતિ રણજીતસિંહને જઁણાવતા ગત બુધવારની રાત્રીનાં સાડા આઠ વાગ્યાનાં સુમારે બજારમાંથી પસાર થતી વખતે રણજીતસિંહએ ભારતસિંહને પોતાની પત્ની સાથે છેડછાડ કરવા બાબતે ઠપકો આપ્યો હતો,જેને લઈને ઉસ્કેરાઈ ગયેલા ભારતસિંહએ રણજીતસિંહ સાથે ઝપાઝપી કરી રણજીતસિંહનું ગળુ દબાવી દેતા આસપાસનાં લોકો દોડી આવ્યા હતા અને રણજીતસિંહને ત્વરીત સારવાર માટે ખંભાતની હોસ્પીટલમાં ખસેડયો હતો જયાં તબીબોને તેને તપાસી મૃત જાહેર કર્યો હતો,ત્યારબાદ આ બાબતે ઉર્મિલાબેનનાં કાકા ભગવાનસિંહ જીણાબાબા પઢીયાર અને પાડોસી સુરસિંહ રતનસિંહ સિંધા ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે રજુઆત કરવા ગયા હતા,તેમજ હત્યાની ધટના નજરે જોનારા શાક્ષીઓ રઈજીભાઈ ભીખાભાઈ સિંધા અને સંજયભાઈ ભીખાભાઈ સિંધાએ પણ પોલીસને જણાવવા છતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો ન હતો તેમજ અરજીમાં ફરીયાદી તેમજ સાક્ષીઓની સહી પણ લેવામાં આવી ન હતી,તેમજ અરજી કે ફરિયાદ નોંધ્યા સિવાય પોલીસે બુધવારની રાત્રે પોણા અગીયાર વાગ્યે આરોપી ભગવાનસિંહની અટકાયત કરી હતી અને બીજા દિવસે કોઈ પણ કારણોસર આરોપીને મુકત કરી દીધો હતો.તેમજ મૃતકનાં મૃતદેહનું કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં પેનલ ડોકટરો દ્વારા પી.એમ કરાવવા લઈ જવા કેનેડી હોસ્પીટલનાં તબીબોએ જણાવવા છતાં પોલીસ દ્વારા સ્થાનિક હોસ્પીટલમાં સીંગલ તબીબ પાસે પોષ્ટમોર્ટમ કરાવ્યું હતું.
જેથી ઉર્મિલાએ પોતાનાં પતિનું ગળુ દબાવીને હત્યા કરી હોવા છતાં પોલીસ દ્વારા હત્યાનો ગુનો નહી નોંધી આરોપીને છાવરવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો હતો.
આજે યુવકની શંકાસ્પદ હત્યાની ધટનાને લઈને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ પોલીસ અધિક્ષક અને કલેકટર કચેરી ખાતે ઉમટી પડયા હતા અને હત્યાનો ગુનો નહી નોંધવા સામે વિરોધ નોંધાવ્યો હતો.