(સંવાદદાતા દ્વારા)
વડોદરા તા.૨૮
કરજણના પિંગલવાડા ગામે ગઇકાલે રાતે યુવકનું મોત નિપજતા તેનું દારૂનાં સેવનનાં કારણે મોત નિપજ્યું હોવાનાં આક્ષાપે સાથે ગ્રામજનોએ ગામની સીમમાં અને ઢાઢર નદીનાં કોતરમાં ચાલતી દારૂની ત્રણ ભઠ્ઠીઓ પર રેડ કરી હજારો લીટર વોશ અને ગોળનાં જથ્થાનો નાશ કર્યો હતો. રાજ્યમાં દારૂબંધી છે અને તેના અમલ માટે સરકાર કટીબદ્ધ છે. પરંતુ તેમ છતાં રાજયમાં દેશી અને વિદેશી દારૂનું વેચાણ થાય છે તે ચોક્કસ બાબત છે. વડોદરામાં જિલ્લામાં પોલીસનાં ઉપરી અધિકારીઓ દારૂનાં વેચાણ અને હેરાફેરી સામે કડક હાથે પગલા ભરવાની સૂચના આપી છે. જોકે તેમ છતાં દારૂનું વેચાણ થતું હોવાનાં અનેક કિસ્સા સામે આવે છે. કરજણ તાલુકાનાં પિંગલવાડા ગામે ગઇકાલે એક ૩૫ વર્ષનાં યુવકનું મોત નિપજ્યું હતું. યુવકનું મોત દારૂનાં સેવનને કારણે થયું હોવાનાં આક્ષેપ સાથે ગામનાં યુવાનોમાં ભારે રોષ ફેલાયો હતો. જેનાં પગલે આજે સવારે ગ્રામજનોએ પિંગલવાડા ગામની સીમમાં અને ઢાઢર નદીનાં કોતરમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર જનતા રેડ કરી હતી. ગ્રામજનોએ ત્રણ સ્થળોએ જનતા રેડ કરી દારૂની ભઠ્ઠીઓ પર તોડફોડ કરી હતી. ગ્રામજનોએ સ્થળ પરથી હજારો લીટર વોસ, ગોળનો જથ્થો તથા ફટકડીના જથ્થાનો નાશ કર્યો હતો. ગ્રામજનોનાં જણાવ્યા અનુસાર અગાઉ પણ ગામનાં ૮ થી ૧૦ જટેલા યુવકો દારૂનાં કારણે મોતને ભેટયા છે. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસની કાર્યવાહી બાદ ૬ થી ૮ દિવસમાં પુનઃ ભઠ્ઠીઓ ધમધમે છે. ત્યારે આજે વિફરેલા યુવકોએ ત્રણેય દારૂની ભઠ્ઠીઓને નેસ્તનાબુદ કરી હતી. ઘટનાની જાણ થતા કરજણ પોલીસ પિંગલવાડા ગામે આવી પહોંચી હતી અને દારૂની ભઠ્ઠી ચલાવનારાઓની શોધખોળ આરંભી છે.