(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
ગૂગલ-ડૂડલ ગૌહરજાનના ૧૪પમા જન્મદિવસની ઉજવણી કરી રહ્યું છે. ગૂગલે ગૌહરજાનનું ડૂડલ બનાવ્યું છે. ગૌહરના વર્ષ ૧૯૦રથી ૧૯ર૦ દરમ્યાન દસથી વધુ ભાષામાં ૬૦૦ ગીતો રેકોર્ડ થયા છે. જેમાં બંગાળી, ગુજરાતી, તામિલ, મરાઠી, અરેબિક, પર્શિયન પુશ્તો, ફ્રેન્ચ અને અંગ્રેજીનો સમાવેશ થાય છે.
ભારતીય સંગીતના ઈતિહાસમાં રેકોર્ડિંગમાંથી ગુમ ૧૯મી સદીની ગૌહરજાનએ મહાન વ્યક્તિ છે જેમણે ભારતીય સંગીત ઈતિહાસમાં પ્રથમવાર રેકોર્ડિંગ કરાવ્યું હતું. જેને માટે ગૌહર ભારતની પ્રથમ રેકોર્ડિંગ સુપરસ્ટાર તરીકે પ્રખ્યાત થઈ હતી. ગૌહરના પિતા વિલિયમ રોબર્ટ યોવર્ડ અમેરિકન હતા. માતા વિકટોરિયા સાથે લગ્નવિચ્છેદ થતાં વિકટોરિયાએ કોલકાતાના મલક જાન નામના શખ્સ સાથે નિકાહ કર્યા હતા. ત્યારબાદ માતાએ તેનું નામ એન્જલિના યોવર્ડમાંથી બદલી ગૌહર જાન રાખ્યું. ગૌહરની માતા સારા નૃંત્યાગના હતા. ગૌહરે રામપુરના ઉસ્તાદ વજીરખાન, લખનૌના બિંદાદીન અને કોલકાતાના પ્યારે સાહિબ પાસેથી ગાયનની તાલિમ મેળવી. ચરણદાસના નિર્દેશનમાં દ્રુપદ, ખ્યાલ, ઠુમરી અને બંગાલી કિર્તનમાં નિપુણતા પ્રાપ્ત કરી.
ગ્રામોફોન કંપનીએ ભારતમાં પ્રથમવાર વર્ષ ૧૯૦રમાં ગૌહરના ગાયેલ ગીતોનું રેકોર્ડિંગ કરાવ્યું. ૧૯૦રથી ૧૯ર૦ સુધી દસ ભાષાઓમાં ગૌહરના કંઠે ગવાયેલ ૬૦૦ ગીતોની ડિસ્ક બહાર પડી. ગૌહર તેમના સમયની સૌથી વિખ્યાત અને અમીર ગાયિકા હતા. આખા દેશમાં એમની કલા અને શાહી જીવનશૈલી માટે જાણીતા હતા. વર્ષ ૧૯૧૧માં દિલ્હી દરબારમાં જ્યોર્જ પંચમના રાજ્યાભિષેકમાં ગૌહરની ગાયકીના અંગ્રેજો અને અન્ય વિદેશી મહેમાનો પ્રશંસક બન્યા. ગૌહરે જમીનદાર નિમાઈ સેન સાથે લગ્ન કર્યા હતા પરંતુ આંતરિક મેળ ન થતાં લગ્નવિચ્છેદમાં પરિણમ્યા. એમને વૈવાહિક સુખ મળ્યું નહીં. મૈસૂરના રાજા કૃષ્ણરાજા વડિયાર-ચતુર્થે ૧ ઓગસ્ટ ૧૯ર૮ના રોજ ગૌહરને દરબારી સંગીતકાર તરીકે નિયુક્ત કરીને સન્માનિત કર્યા. દેશના અનેક રાજ દરબારોમાંથી પસાર થઈને ગૌહર જીવનના અંતિમશ્વાસ સુધી ગાતા રહ્યા.
ર૬ જૂન ૧૮૭૩માં જન્મેલ ગૌહરનો જીવન પરિચય એ સમયમાં રાજાશાહી માહોલ અને આત્મનિર્ભર ડેરેદાર તવાયફોના શોષણની દુઃખદ કથા છે. એ સમયનો રસિક સમાજ આ ગાયિકાઓ પર ભરપૂર રૂપિયા વરસાવાતો હતો પરંતુ તેમને પરિણીત અથવા વૈવાહિક દરજ્જો મળતો નહતો. ગૌહરના ગીતો અને રેકોર્ડિંગ ઉદ્યોગના શરૂઆતી દિવસોમાંથી પ્રાપ્ત કરેલ મૂડીમાંથી તેમણે કોલકાતામાં અનેક-કોઠીઓ ખરીદી હતી. આ રીતે ભારતીય સંગીતના રેકોર્ડ ઈતિહાસમાં પ્રથમ રેકોર્ડ અવાજની મલ્લિકા, ગૌહરે ભારતીય સંગીતને એક નવા મુકામે પહોંચાડ્યું હતું. દુર્ભાગ્યવશ આપણો ઈતિહાસ આવી મહાન હસ્તીના પાનાઓને સંગ્રહી શક્યું નથી. ૧૭ જાન્યુઆરી ૧૯૩૦ના રોજ ગૌહર જાન કાયમ માટે દુનિયાને અલવિદા કર્યું.