અમદાવાદ, તા.ર૭
ગુજરાતમાં હૃદય સંબંધિત રોગોની સ્થિતિ અતિ ચિંતાજનક છે અને રર ટકા વસ્તી તેના એક યા બીજા સ્વરૂપથી પીડિત છે તેમજ હૃદય સંબંધિત બીમારીઓ શહેરી વસ્તીને અસર કરે છે તેવી માન્યતા અવળી પડી છે. અમદાવાદની નારાયણી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં ૩૦થી ૪૦ વર્ષની ઉંમરના લોકોમાં હૃદય સાથે સંબંધિત રોગોમાં ૮ ટકાનો વધારો થયો છે. ૯૦ ટકા હૃદય સાથે સંબંધિત બીમારીઓનું કારણ તમાકુંનું અતિ સેવન છે. વિશ્વ હૃદય દિવસ માટેની કેટલીક પહેલ ઉપર નારાયણના ડોક્ટર અતુલ આનંદ માસ્તેકરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે છેલ્લા ૬ મહિનામાં ૪૦ વર્ષથી ઓછી વયના આશરે ૧પ દર્દીઓની બાયપાસ સર્જરી કરી છે. આ દર્દીઓ અમદાવાદની આસપાસના ગ્રામ્ય વિસ્તારોના છે. સર્જરી કરાવનારા દર્દીઓમાંથી ૯૦ ટકા દર્દીઓ અતિ ધુમ્રપાન કરતા હતા. જો કે ગ્રામ્ય વિસ્તારમાં યુવાનોની સક્રિય જીવનશૈલી હોવાથી તેમનામાં હૃદય રોગથી સંબંધિત રોગો ઓછા થતા હોવાની માન્યતા છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોના યુવાનોમાં પણ હૃદય સાથે જોડતા રોગો વધી રહ્યા છે ત્યારે યંગ ઈન્ડિયા ક્યાં જઈ રહ્યું છે ???