(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૪
શહેરના તમામ પોલીસ મથકોમાં જીઆરડી (ગ્રામ્ય રક્ષક દળના) જવાન તરીકે પોલીસને મદદરૂપ થવા ફરજ બજાવનાર ૬૦૦ જેટલા જવાનોને ગત સાંજે અચાનક છુટા કરી દેવાતા આજે સી.પી.ઓફિસે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા આઠેક વર્ષ અગાઉ શહેર પોલીસના ઓછા મહેકમના વિકલ્પ તરીકે ટ્રાફિક બ્રિગેડ, લોક રક્ષક દળ અને ગ્રામ્ય રક્ષક દળ (જીઆરડી)ના જવાનોની ભરતી કરી હતી. શહેરનાં તમામ પોલીસ મથકમાં આશરે ૬૦૦ જેટલા જીઆરડી જવાનો (મહિલા-પુરુષો) ફરજ બજાવે છે. તે તમામને ગત સાંજે અચાનક છુટા કરી હોમગાર્ડમાં જોડાઇ જવાની સૂચના આપવામાં આવી હતી. છુટા કરાયેલ તમામ જીઆરડી જવાનો આજે સવારે સી.પી.ઓફિસ ખાતે પોલીસ ટ્રેનિંગ સેન્ટર નજીક ભેગા થયા હતા. જીઆરડી જવાનોએ સરકાર સમક્ષ ભારે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું. રાજ્ય સરકાર બેકારોને રોજગાર આપવાની વાતો કરે છે. પરંતુ રાતોરાત અમોને છુટા કરીને બેરોજગાર બનાવી દીધા છે. ગ્રામ્ય રક્ષક દળની જા શહેરમાં જરૂર ન હતી તો આઠ વર્ષ અગાઉ અમારી ભર્તી શા માટે કરી આજે અમારી ઉંમર ૩૫ વર્ષથી વધુ થઈ ગઈ હોવાથી અમો બીજી અન્ય કોઈ ભર્તી કે પ્રાઈવેટ સેક્ટરની ભર્તીમાં વય મર્યાદા વટાવી દીધી છે. જીઆરડી જવાનો ભેગા થઈને આગળની રણનીતિ નક્કી કરી હતી. પોલીસ કમિશનર, ગૃહમંત્રી, ગૃહ સચિવને આ અંગે રજૂઆત કરવા માટે આગામી દિવસોમાં બેઠક યોજાનાર હોવાનું જાણવા મળે છે.