(એજન્સી) ગ્રેટર નોયડા,તા.૧૮
ગ્રેટર નોયડા વેસ્ટના શાહબેરીમાં મંગળવારે રાતે ચારમાળ અને છ માળની ઇમારત ધ્વસ્ત થઈ ગઈ છે. અહેવાલો અનુસાર એક નિર્માણધારી ઇમારતમાં ઘણા મજદૂરો રહેતા હતા. જ્યારે બીજા અહેવાલો અનુસાર એક અન્ય ઇમારતમાં દસ જેટલા પરિવારો રહેતા હતા. બંને ઇમારતોમાં ઘણા લોકો દબાયેલા હોવાની આશંકા છે. ઘટના બાદ પોલીસ અને પ્રશાસનની ટીમ રાહત અને બચાવકાર્ય માટે પહોંચી ગઇ છે.મોડી રાતે મળતા અહેવાલો મુજબ એનડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગી ગઇ છે. ઘણા લોકોના મોત થયા હોવાની આશંકા છે. નોંધીનીય છે કે, શાહબેરીની જમીનની ફાળવણી ગ્રેટર નોયડા ઓથોરિટીએ કરી હતી. આના વિરોધમાં ગામના લોકો કોર્ટ પહોંચી ગયા હતા. સુપ્રીમ કોર્ટમાં સુનવણી બાદ શાહબેરીની જમીન ફાળવણી રદ કરી દીધી હતી. આના લીધે બિલ્ડરોએ પોતાના પ્રોજેક્ટને શિફ્ટ કરવા પડ્યા હતા. ગ્રેટર નોયડા ઓથોરિટીએ આ વિસ્તારમાં નિર્માણ કાર્ય પર રોક લગાવી છે. આમ છતાં અહીંયા ગેરકાયદે નિર્માણ થઈ રહ્યું હતું. અહીંયા ખેડૂતો પાસે થી જમીનો લઈને ઘણામાળનો ઇમારતો બનાવી દેવામાં આવી છે. આ સાથે બિલ્ડીંગ નિર્માણોમાં છેતરપિંડીની ઘટનાઓ બહાર આવી રહી છે.