જકાર્તા,તા.૩
ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પેલેસ નજીક બગીચામાં એક ગ્રેનેડ બ્લાસ્ટ થયો છે જેમાં બે મિલિટરી જવાન ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જકાર્તા પોલીસના જણાવ્યા મુજબ મંગળવારે રાષ્ટ્રપતિ પેલેસ બહાર સ્મોગ ગ્રેનેડ હુમલો કરાયો હોવાની આશંકા છે. બ્લાસ્ટ વખતે રાષ્ટ્રપતિ જોકો વિડો પેલેસમાં હાજર નહતા તેમ રાષ્ટ્રપતિના પ્રવક્તાએ જણાવ્યું હતું.
વિશ્વના સૌથી વધુ મુસ્લિમ બહુમિત ધરાવતા દેશ ઈન્ડોનેશિયામાં કરાયેલો આ હુમલો સાંપ્રદાયિક હતો કે કેમ તે તાત્કાલિક જાણી શકાયું નથી. જો કે આ બ્લાસ્ટને પગલે ફરી એક વખત દેશમાં ઉગ્રવાદે માથું ઉંચક્યુ હોવાની વાતને નકારી શકાય નહીં.
પોલીસના જણાવ્યા મુજબ સવારે ૭.૧૫ કલાકે રાષ્ટ્રપતિ પેલેના ઉત્તર તરફ આવેલા બગીચામાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ સ્મોક ગ્રેનેડથી કરાયો હોવાની આશંકા સેવાઈ રહી છે. જકાર્તા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હોવાનું પોલીસ વડા ગેટેટ એડી પ્રમોનોએ જણાવ્યું હતું.
સત્તાધીશોએ બ્લાસ્ટના ત્રણ જ કલાકમાં પાર્ક સામાન્ય લોકો માટે પુનઃ ખુલ્લો મૂક્યો હતો. જો કે જે સ્થળે બ્લાસ્ટ થયો હતો તેને કોર્ડન કરી દેવાયો છે.