(એજન્સી) જમ્મુ, તા. ૭
કાશ્મીરના જમ્મુ શહેરના હાર્દસમા વિસ્તારમાં આવેલા જાહેર બસ સ્ટેન્ડ પર ભીડભાડવાળી જગ્યાએ ગ્રેનેડ હુમલો કરાતા એક કિશોરનું મોત થયું છે જ્યારે ૩૨ લોકો ઘાયલ થયા છે. ગયા વર્ષે મે માસથી જમ્મુના બસ સ્ટેન્ડ પર આ ત્રીજો ગ્રેનેડ હુમલો છે જેને શહેરમાં કોમી સૌહાર્દ અને શાંતિ ડહોળવાના પ્રયાસરૂપે જોવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડના હરિદ્વારમાં રહેતો ૧૭ મોહંમદ શારીક સહિત ૩૩ લોકોને ગંભીર ઇજાઓ થઇ હતી જેમાં છાતીના ભાગે ઇજાઓ થવાને કારણે શારીકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઉપરાંત અન્ય ચાર લોકોની સ્થિતિ પણ ગંભીર જણાવવામાં આવી છે અને ડોક્ટરોએ તેમના જીવ બચાવવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું. દરમિયાન ડીજીપી દિલબાગસિંહે દાવો કર્યો હતો કે, જમ્મુ પોલીસે બપોરે બસ સ્ટેન્ડ પર ગ્રેનેડ ફેંકનારા વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.
ઇજા પામેલાઓમાં ૧૧ કાશ્મીરીઓ, બે બિહારના અને છત્તીસગઢ તથા હરિયાણાના એક એક વ્યક્તિનો સમાવેશ થાય છે. જમ્મુના આઇજીપી એમકે સિંહાએ કહ્યું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે કે, બપોરે બસ સ્ટેન્ડ વિસ્તારમાં કોઇએ બોમ્બ મુક્યો હતો જે ફાટતા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સ્થિતિનો તાગ મેળવવા માટે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયેલા સિંહાએ પત્રકારોને જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા બ્લાસ્ટના સ્થળ બીસી રોડને સંપૂર્ણ રીતે કોર્ડન કરી લેવાયો છે અને ગ્રેનેડ ફેંકનારની સઘન શોધખોળ ચાલુ છે. રાજ્ય પરિવહનની પાર્ક કરાયેલી બસને વિસ્ફોટને કારણે ભારે નુકસાન થયું છે જેણે પોલીસમાં પણ ઉચાટ ઉભો કર્યો છે. આઇજીપીએ કહ્યું કે, રાજ્યમાં હાઇએલર્ટ હોય અને તમામ સ્થળો પર ચેકિંગ થતી હોય ત્યારે કોઇ જગ્યાએ ચૂક થઇ હોય તેવી શક્યતા છે. અધિકારીએ કહ્યું કે, શહેરમાં આવા હુમલાના કોઇ ગુપ્તચર રિપોર્ટ ન હતા. સામાન્ય ગુપ્તચર રિપોર્ટ આવે છે અને બંદોબસ્ત પણ અપાય છે. આ તમામ બાબતો પર અમે કાર્યવાહી કરીએ છીએ પરંતુ આ હુમલાના કોઇ રિપોર્ટ ન હતા. તેમણે કહ્યું કે, ચોક્કસપણે કોમી સૌહાર્દ અને શાંતિ ડહોળવાનો પ્રયાસ થતો હોય છે. તેમણે આ સાથે જ લોકોને શાંતિ જાળવવા કહ્યું છે. પોલીસ પુરાવા મેળવી રહી છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે, હુમલાખોર પકડાઇ જશે. વિસ્ફોટ બાદ લોકો સુરક્ષિત સ્થળે દોડવા લાગ્યા હતા અને બાદમાં સામાન્ય ઇજા પામેલા લોકોને હોસ્પિટલ લઇ જવાયા હતા. વિસ્ફોટ બાદ પોલીસ સ્નીફર ડોગ તથા નિષ્ણાતો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને હુમલાખોરની તપાસ શરૂ કરી હતી.