(એજન્સી) એથેન્સ,તા.૨૪
ગ્રીસની રાજધાની એથેન્સ નજીકના જંગલ વિસ્તારમાં ભીષણ આગની ઘટના બની છે. જેમાં ૫૦ લોકોના મોત થયા છે અને ૧૫૪થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં ૧૬થી વધુ બાળકોનો સમાવેશ થાય છે. યુનાનના સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે એથેન્સથી ૪૦ કિમી ઉત્તરી પૂર્વમાં સ્થિત માતીના રિસોર્ટ પાસે આ ઘટના બની છે. મોટા ભાગના મૃતદેહોને મકાનો અને કારમાંથી કઢાયા. ૧૬માંથી ૧૧ બાળકો વધુ ગંભીર છે. ગ્રીસે મદદ માટે પાડોશી દેશોને મદદ માટે જાણ કરી છે.
ગ્રીસના કોસ્ટગાર્ડ જણાવ્યું કે આર્ટેમિડાના દરિયા કિનારા પાસેથી અન્ચ ૪ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા જેથી મૃત્યુઆંક વધીને ૫૦ થયો. ૭૦ જેટલા લોકોને સારવારઅર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગ્રીસ સરકારે એથેન્સના પૂર્વી અને પશ્ચિમના વિસ્તારોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી, કારણ કે દરિયાકાંઠે સ્થિત ગામોમાં પવનથી આગ વધુ ન ફેલાય.
આ આગની ઘટનામાં ઘાયલ પૈકી એક ૬ મહિનાના એક બાળકનું ધુમાડાના કારણે મૃત્યુ થયું છે. આગ એટલી ગંભીર છે કે દૂર-દૂર સુધી આકાશમાં ધુમાડા દેખાઈ રહ્યાં છે. એથેન્સના આસપાસના ગામ આગની ઝપેટમાં આવી ગયા છે. હાલ ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરાઈ છે. માતી આ એથેન્સનું એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. અહિંયા હોટલ્સ અને કેફે, બાર, નાઈટ ક્લબ, અને દરિયા કિનારો છે, જે પર્યટકોને આકર્ષે છે.