રમઝાન મહિનામાં ભરવાડો ઘાતક હથિયારો સાથે તૂટી પડ્યા !

(તસવીર : ફારૂક ચૌહાણ, વઢવાણ)  (સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર,તા.ર૧

ધ્રાંગધ્રામાં મુસ્લિમ અને ભરવાડના બે જૂથો વચ્ચે જૂથ અથડામણનો બનાવ બાદ શહેરની શાંતિમાં પલિતો ચાપ્યો છે. કોમી અથડામણને પગલે ધ્રાંગધ્રાની તેમજ સુરેન્દ્રનગર પોલીસ બોલાવી હાલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ જૂથ અથડામણમાં પાંચ જેટલા શખ્સોને ઈજા થવા પામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે સવારે પણ પથ્થરમારો કરી બજારો બંધ કરાતાં ભયનો માહોલ સર્જાયો છે. રમઝાન મહિનામાં શાંતિને હણવાના આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ધ્રાંગધ્રામાં ગત મોડી સાંજના સમયે ભરવાડ અને મુસ્લિમ સમાજના યુવકના બાઈકો સામસામા અથડાવવાનો બનાવ બનતાં પલવારમાં ભરવાડના જૂથો એકઠા થઈ અને મુસ્લિમ શખ્સો ઉપર ધોકા,પાઈપ વડે તૂટી પડ્યા હતા. આમ ભરવાડ સમાજ દ્વારા કરાયેલ હુમલાના પ્રકરણમાં પાંચ મુસ્લિમ યુવાનો ઘાયલ થયા છે. તેઓને સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. તમામની હાલત અતિ નાજુક જણાતાં અમદાવાદ રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ રીફર કરાયેલા ઈજાગ્રસ્તોમાં રહીમશા મહંમદશા ફકીર (ઉ.વ.રપ), સલીમભાઈ મકરાણી (ઉ.વ.રપ), અમજદ ફતેહખાન મકરાણી (ઉ.વ.૩૦), સોયબ રસુલ અન્સારી (ઉ.વ.રપ), જહાંગીર અમીરભાઈ (ઉ.વ.રપ) સહિત પાંચને અમદાવાદ ખસેડાયા છે. ધ્રાંગધ્રા ખાતે ભરવાડ અને મુસ્લિમ વચ્ચે સર્જાયેલ જૂથ અથડામણ બાદ મુસ્લિમ વિસ્તારમાં રોષ સર્જાવા પામ્યો છે. ભરવાડના જૂથો એકત્રિત થઈ અને મુસ્લિમ યુવકો ઉપર ઘાતક હથિયારો સાથે જીવલેણ હુમલા કરાયા હતા. ત્યારે હાલમાં મુસ્લિમ સમાજ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે મુસ્લિમ સમાજના પાંચ યુવકો ઉપર હુમલા કરવામાં આવ્યા છે. ધ્રાંગધ્રા શહેરની શાંતિને પલિતો ચાંપવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે. ધ્રાંગધ્રા ખાતે લોકોમાં રોષ છવાતા ધ્રાંગધ્રા આજે સવારથી જ જડેબસલાક બંધ રહ્યું છે અને આરોપીઓને ઝડપી લેવા મુસ્લિમ સમાજમાં માગ ઉઠી છે. ધ્રાંગધ્રામાં જૂથ અથડામણ સર્જાતા પત્રકારોએ ધ્રાંગધ્રા પોલીસ તંત્ર પાસે વિગતો મેળવવા માટે વિભાગીય પોલીસ અધિકારી-ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન, સી.પી. આઈ. ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન મળી ચાર ચાર કચેરીઓ હોવા  છતાં પણ ટેલિફોન સંપર્ક બંધ હાલતમાં હતા. પત્રકારોને માહિતી મેળવવા માટે ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે પોલીસ બંદોબસ્તમાં જરૂર હોય છતાં કચેરી ખાતે પણ ફરજમાં કોઈક તો રોકાયેલા રહ્યા હોવા જોઈએ ને ! પણ હાલમાં સંપર્ક થઈ શકે તેમ નથી. તેવું તેમના ટેલિફોન રણક્યા બાદ જણાવે છે. ધ્રાંગધ્રામાં ભરવાડ શખ્સો દ્વારા નજીવી બાબતમાં મુસ્લિમોના પાંચ યુવકોને જીવલેણ હુમલો કરાયા બાદ ધ્રાંગધ્રાની શાંતિમાં રાત્રિથી જ માહોલ ડોહળાયેલો રહ્યો છે. ધ્રાંગધ્રા સવારના બજારો ખૂલતા બજારોમાં ભયનો માહોલ સર્જી અને ટોળાએ પથ્થરમારો ચલાવી દુકાનો બંધ કરાવવામાં આવેલ હતી ત્યારે ૧૦ જેટલા ખાનગી વાહનોના કાચ ફોડવામાં આવ્યા છે અને ધ્રાંગધ્રા એસટી બસના કાચ પણ ફોડવાની ઘટના બનવા પામેલ છે. ત્યારે હાલમાં ધ્રાંગધ્રા તોફાનીઓના ટોળા વચ્ચે એસટી બસો બંધ કરવામાં આવેલ જે અડધી કલાક બાદ ધીમે ધીમે ચાલુ કરાવાઈ છે.