(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧પ
વિધાનસભાના બજેટ સત્રમાં આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બે-બે મુદ્દા ઉપર વિપક્ષ કોંગ્રેસને બરોબરની ઘેરી હતી. વિપક્ષ શાસકોને ઘેરે તેના બદલે શાસક પક્ષ દ્વારા વિપક્ષને સાણસામાં લેવાનો બનાવ આજે ગૃહમાં બનતા ભારે હોબાળો થયો હતો. ગુજરાતના સંત મોરારીબાપુના નામે બોગસ રીતે રેશનીંગ લઈ જવાનો મુદ્દો કોંગ્રેસે ઉઠાવતા તેને નીતિન પટેલે ટવીસ્ટ કરીને ગૃહમાં પ્રશ્ન ઉછાળ્યો હતો તો બીજી વખતે તેમણે નર્મદા સિંચાઈ વિસ્તાર અંગે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ અગાઉ ગૃહમાં મુકેલ વિગતોનો મુદ્દો ઉપસ્થિત કરી કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને બંને પક્ષો વચ્ચે સામસામા આક્ષેપો અને સૂત્રો સાથે ધાંધલ મચી હતી. વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીએ રાજયમાં બોગસ રેશનકાર્ડનો મુદ્દો ઉઠાવતા સંત મોરારીબાપુ સહિતનાઓના નામે આ રીતે બોગસ રેશનકાર્ડ થકી બારોબાર રેશનીંગનું અનાજ વગેરે લઈ જવાતું હોઈ આવા કેટલા બોગસ રેશનકાર્ડ છે ? અને તેની સામે સરકાર શું પગલાં લેવા માગે છે ? તેવો પ્રશ્ન પૂછતા જ નાયબ મુખ્યમંત્રીએ સીધી રીતે સ્પષ્ટ પૂછાયેલા પ્રશ્નને ટવીસ્ટ કરીને ગુજરાતના સંતનું આ રીતે નામ લઈ શકાય નહીં. તેનાથી લાગણીને ઠેસ પહોંચે માટે જો તેના પુરાવા હોય તો રજૂ કરે નહીં તો ગૃહની માફી માગે તેમ કહેતા ભારે હોબાળો મચ્યો હતો. બંને પક્ષોના સભ્યો ઉભા થઈ ગયા હતા અને સુત્રો સાથે હોહા મચાવી મુકી હતી. આ વખતે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, મોરારીબાપુના નામે તથા ભાજપના જ સાંસદ દર્શના જરદોશના નામે બોગસ રેશનકાર્ડ થકી ઈલેકટ્રોનિક થમ્બ વડે બારોબાર રેશનીંગ અનાજ લીધાના બનાવ બન્યા હતા. દર્શનાબેને તો ફરિયાદ પણ કરી હતી. આ અંગે અમે સરકારમાં રજૂઆત પણ કરી હતી. પણ તે અંગે તપાસ કરી કાળા બજારિયા કે ગેરરીતિ કરનારાઓને પકડવાને બદલ વિપક્ષને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. ફરી પાછા નીતિન પટેલે ઉભા થઈ એ જ વાત આક્રમક રીતે રજુ કરી પુરાવા આપે અથવા રાજીનામાની વાત કરી અને તે પછી મુખ્યમંત્રી રૂપાણીએ પણ પુરાવા રજૂ કરે અથવા કોંગ્રેસ માફી માગે તેમ જણાવતા કોંગ્રેસે બધા પુરાવા આપવાની તૈયારી બતાવી હતી. અધ્યક્ષે આ અંગે હવે પછી નિર્ણય જાહેર કરવાની વાત કરી હતી.
પ્રશ્નોત્તરી કાળ પછી ના.મુખ્યમંત્રી નીતિન પટેલે કલેરીફિકેશન પોઈન્ટનો મુદ્દો ઉભો કરી વિપક્ષ કોંગ્રેસના નેતાએ અગાઉ ગૃહમાં નર્મદા યોજનાના સિંચાઈ વિસ્તાર અંગે મુકેલ વિગતો સામે વાંધો ઉઠાવી, વિપક્ષ નેતા પાસે ખુલાસો માગવા અથવા ગૃહને ગેરમાર્ગે દોરવા બદલ તેઓ માફી માગે તેવી વાત રજૂ કરતા ફરી પાછી ગૃહમાં બબાલ થઈ હતી. સામે પક્ષે વિપક્ષના નેતાએ પણ પોતાનો પક્ષ રજૂ કરી સિંચાઈ વિસ્તાર અંગે સ્પષ્ટતા કરી હતી. ના.મુખ્યમંત્રીએ સરકારના આર્થિક સર્વેક્ષણ અહેવાલમાં પણ નર્મદા યોજનાનો સિંચાઈ વિસ્તાર ૧૬.૩૮ લાખ હેકટર હોવાનું જણાવ્યું હતું. તો પછી વિપક્ષના નેતા આ અહેવાલમાં ૬ લાખ હેકટર સિંચાઈ વિસ્તાર કયાંથી લાવ્યા તેનો જવાબ આપે તેવો મુદ્દો તેમણે ઉપસ્થિત કર્યો હતો. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જવાબમાં જણાવ્યું હતું કે સરકારના સર્વેક્ષણ અહેવાલમાં જણાવ્યા અનુસાર સરકારે નર્મદા યોજનાના સિંચાઈ વિસ્તારમાં ૬૬.૦૮ ટકા ક્ષમતા ઉભી કરી છે. પરંતુ મારી રજૂઆત તે સમયે પણ હતી અને આજે પણ છે કે, સરકાર જે જણાવે છે તે ૧૬.૩૮ લાખ હેકટર સિંચાઈ વિસ્તાર પ્રાપ્તી સામે ખરેખર રાજયના કેટલા વિસ્તાર સુધી નર્મદાનું પાણી પહોંચ્યુ તેનો જવાબ પૂછુ છું. મારા પર ખોટી માહિતીના અને ગૃહને ગેરમાર્ગે દોરવાના આક્ષેપો છે તો તેના માટે વિગતો રજૂ કરવા મને સમય આપો. બાકી મેં કહ્યું તેમાં સરકાર સાચી હોય તો સાબિત કરો. જવાબ આપે નહિતર ના.મુખ્યમંત્રીને પણ ગૃહને ગેરમાર્ગે દોરવા બદલ ઠપકો આપો તેમ વધુમાં નેતાએ જણાવ્યું હતું. અંતે ગૃહના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વિપક્ષના નેતાને સમય આપ્યો હતો.