• રૂા.૧૦ હજાર કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ રચી ૩૦૦ કરોડની ટેક્સ ક્રેડિટ મેળવી હોવાની આશંકા
• મુખ્ય આરોપી ન્યુ રાણીપના ભરત સોનીની જામીન અરજી ફગાવતાં સાબરમતી જેલ હવાલે
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૬
અમદાવાદમાં સેન્ટ્રલ જીએસટીની એન્ટી ઈવેઝન વિંગે દેશનું સૌથી મોટું જીએસટી ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ન્યુ રાણીપમાં શુકન સ્માર્ટ સિટીમાં રહેતા ભરતભાઈ ભગવાનદાસ સોનીનું બોગસ બિલિંગથી સોના-ચાંદી અને હીરાની ખરીદીના ખોટા જીએસટી ઈન્વોઈસ ઈશ્યુ કરીને રૂા.૨૪૩૫.૯૬ કરોડનું મોટું કૌભાંડ પકડી પાડી ધરપકડ કરી છે.
અમદાવાદની એડિશનલ ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટની કોર્ટમાં ભરત સોનીને રજૂ કરાયો હતો. જેમણે ભરત સોનીને ૧૪ દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ પર સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો છે. આરોપી ભરત સોનીએ કરેલી જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી છે. જીએસટી વિભાગના અંદાજ મુજબ, રૂા.૧૦ હજાર કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ રચીને રૂા.૩૦૦ કરોડની બનાવટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હોવાની શક્યતા છે.
આ કૌભાંડમાં અમદાવાદ ખાતેના સીજીએસટીના નોર્થ કમિશનરેટને મળેલી બાતમીના આધારે ભરત ભગવાનદાસ સોનીની તમામ વિગતો એકત્ર કરીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓને ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી કે, જુદા-જુદા બુલિયન ટ્રેડરના નામે સોના-ચાંદી અને હીરાના બોગસ બિલો ઊભા કર્યા હતા અને આવી ખરીદી પર બોગસ ઈનપુટ ક્રેડિટ લીધી હતી. આ માટે તેણે પોતાના નામે પુત્ર, પુત્રી, જમાઈ વગેરેના નામે ફર્મ બનાવી હતી અને જીએસટી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સાથે-સાથે ફર્મની જેમ અલગ-અલગ બેનામી બેંક એકાઉન્ટ પણ ખોલાવ્યા હતા.
આ બધા એકાઉન્ટની ચેક બૂકમાં તેમના કુટુંબીજનોની અગાઉથી સહીઓ કરાવીને તે પોતાની પાસે રાખતો હતો. આ છ એ છ બોગસ કંપનીઓ માત્ર કાગળ પર જ હતી. આ ફર્મ ઊભી કર્યા પછી એ બોગસ ટેક્સ ઈન્વોઈસ ઊભા કરતો હતો. આ ઈન્વોઈસ શહેરના બુલિયન અને ડાયમંડના ટ્રેડર સુધી પહોંચતા હતા. છ કંપનીઓ દ્વારા આવા બોગસ ઈન્વોઈસની રકમ રૂા.૨૪૩૫.૯૬ કરોડની છે જેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ૭૨.૨૫ કરોડની થવા જાય છે. જીએસટી વિભાગની તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, આ આખા કૌભાંડની ચેઈન ઘણી મોટી છે અને બીજા ઘણાં મોટા માથાઓ અને શહેરના નામી જ્વેલર્સ આ કૌભાંડમાં સંડોવાયેલા હોઈ શકે છે. આ તમામ લોકોએ એક સિન્ડિકેટ રચીને સોના-ચાંદી, હીરા તથા જ્વેલરીની ખરીદીના અંદરો અંદરના વ્યવહારો દર્શાવી કરોડોના બોગસ બિલ ઊભા કર્યા હતા. જીએસટી વિભાગનો અંદાજ છે કે, ભરત સોની અને આ ટોળકીએ મળીને રૂા.૧૦ હજાર કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ રચીને રૂા.૩૦૦ કરોડની બનાવટી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવેલી હોય શકે છે. આ બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલા બધા મોટા માથાઓ અમદાવાદ શહેરના બુલિયન ટ્રેડર્સ જ છે. આ બધાએ અંદરો અંદર સિન્ડિકેટ (ટોળકી) રચીને એક બીજાને સોના-ચાંદી તેમજ ડાયમંડનો માલ વેચ્યાના બોગસ બિલ જનરેટ કર્યા હતા. વાસ્તવમાં આવી લેણ-દેણના કોઈ ફિઝિકલ વ્યવહાર કે ડિલિવરી થઈ જ નહોતી. બીજી તરફ આ બોગસ બિલ રજૂ કરીને સરકાર પાસેથી તેના પ્રમાણમાં બોગસ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવાતી હતી.
Recent Comments