(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૯

કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલ અત્યંત મહત્ત્વાકાંક્ષી ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાયદાનો તા.૧લી જુલાઈથી સમગ્ર દેશમાં અમલ કરવાનું નિર્ધારિત કરાયું છે ત્યારે રાજ્યોની વિધાનસભામાં પણ તે અંગેનું બિલ પસાર કરવું જરૂરી હોઈ તે માટે ગુજરાત વિધાનસભાનું આજે એક દિવસીય વિશેષ સત્ર બોલાવી આ જીએસટી બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. જો કે આ બિલ પરની ચર્ચા દરમિયાન શાસક ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસે હંમેશની જેમ પોત-પોતાના પક્ષે રાજકીય યશ લેવાનો પ્રયાસ પણ કરાયો હતો. કોંગ્રેસે મૂળ જીએસટી બિલનો વિચાર અમારા પક્ષનો હતો અને તે વખતે જ્યારે બિલ રજૂ કરાયું ત્યારે મુખ્ય વિરોધ કરનારો ભાજપ જ હતો. જો તેમ ના કર્યું હોત તો ૧૦થી ૧ર વર્ષ પહેલા જ આ બિલ પસાર થઈ ગયું હોત. જ્યારે આની સામે શાસક ભાજપ તરફથી જવાબમાં જણાવાયું હતું કે બિલની અમુક ઋટિઓ સામે વિરોધ હતો અને તેમાં એકલો ભાજપ જ નહીં અન્ય બધા વિરોધપક્ષો પણ સામેલ હતા ત્યારે કોંગ્રેસ બધાને સમજાવી ના શક્યું ને અમારા વડાપ્રધાન બધાને સમજાવીને બિલ સર્વાનુમતે પસાર કરાવી શક્યા તે મોટી સિદ્ધી કહેવાય.  તેનો યશ ખારવાનો ભાજપએ પ્રયાસ કર્યો હતો. વિધાનસભાના આજે એક દિવસીય સત્રમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જીએસટી બિલ રજૂ કરતાં જણાવ્યું હતું કે દેશના ગરીબોને મદદરૂપ થવા અને અર્થતંત્રને મજબૂત બનાવવા, વિદેશમાંથી રોકાણો મોટાપાયે આવે અને વિદેશી હૂંડિયામણ વધુ મળી રહે, રોજગારી વધે તે સહિતના લાભો માટે કેન્દ્ર સરકારે આ મહત્ત્વપૂર્ણ કાયદો પસાર કરાવ્યો છે. આ સાથે જીએસટી માટે કાઉન્સિલની રચના પણ કરાઈ છે. તા.૧લી જુલાઈથી આ કાયદો અમલમાં લાવવાનો નિર્ણય કરાયો છે. ત્યારે દેશની કાયાપલટ કરનારા આ કાયદો પસાર કરવામાં આપણે બધા પણ સહભાગી બનીએ. વિવિધ રાજ્યો વચ્ચે ચીજવસ્તુઓના ભાવોને લઈને ટેક્ષની બાબતે સ્પર્ધા રહેતી હતી. પોતાનો ધંધો-વેપાર આવક વધારવા ટેક્ષ ઘટાડો કરાતો અને તેનાથી અન્ય રાજ્યોને નુકસાન થયું. તે બધુ દૂર થાય અને સમગ્ર દેશમાં એક જ ટેક્ષ અમલમાં આવે તે માટે આ જીએસટીનો કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદો ગ્રાહકલક્ષી છે. દેશમાં ક્યાંયથી પણ ચીજવસ્તુ ખરીદો એક જ ભાવે મળી રહેશે. અત્યારસુધી વિવિધ રાજ્યોના ટેક્ષને કારણે ભાવોમાં વધ-ઘટ જોવા મળતી હતી તે બંધ થશે. બીજો મુદ્દો આનાથી વેપાર-ઉદ્યોગને પણ લાભ થવાનો છે. આ ઉપરાંત સરકારી કચેરીઓ વગેરેમાં ધરમ-ધક્કા ખાવાના બંધ થશે. ઘેર બેઠા કે ઓફિસમાં બેઠા-બેઠા ઓનલાઈન-વધુ સરળ બની જશે. રિફંડ ઓડિટ વગેરેના પ્રશ્નો તુમારશાહી બંધ થશે. ના.મુખ્યમંત્રી નીતિન પટેલે અંતમાં જવાબ આપતી વખતે વડાપ્રધાન મોદીને બિલ માટે યશ આપી થોડાક રાજકીય અવલોકનો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેમાં ગુજરાતને વર્ષે ૮૦૦૦ કરોડનું નુકસાન જીએસટીને કારણે થવાની વાત જે કોંગ્રેસ કરે છે તેની પાછળ કોંગ્રેસની રાજ્યોને વધારાનો એક ટકા ટેક્ષ ન લેવાદેવાની જીદ કારણભૂત હોવાનું તેમણે જણાવ્યું હતું. જીએસટી બિલ લાંબી ચર્ચા બાદ વિપક્ષના ટેકાથી સર્વાનુમતે વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે. વિધાનસભામાં પસાર થયેલું રર૩ પેજનું જીએસટી બિલ સેકન્ડ હાઈએસ્ટ છે. જ્યારે ૧૯૯૩માં ચીમનભાઈ પટેલની સરકારમાં સૌથી લાંબુ ૩૯ર પેજનું ગુજરાત પંચાયત અધિનિયમ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. તે સમયે ૯૦થી વધુ ધારાસભ્યોએ બિલમાં સુધારા રજૂ કર્યા હતા. આ બેઠકમાં જીએસટી બિલ પસાર કરવાની સાથે ગુજરાતમાં અલગથી લેવામાં આવતા મનોરંજન અને સુખ સુવિધા કર જીએસટીમાં ભેળવી દેવાશે. જેના કારણે આ ટેક્સ ગુજરાત સરકારના બદલે જીએસટીમાં લાગુ થશે. લોકસભા અને રાજ્યસભામાં જીએસટી સુધારા વિધેયક પસાર થઈ ગયું છે. જે એક્ટ પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સહી કરી દીધી છે. હવે જીએસટી પહેલી જુલાઈથી દેશભરમાં અમલી બની રહ્યો છે પણ તે અગાઉ ર૮ જેટલા રાજ્યોની વિધાનસભામાં પસાર કરવો જરૂરી છે. તેમાં આજે ગુજરાત બિલ પસાર કરી દીધું છે.

જીએસટી કાયદા માટે વિધાનસભામાં આજે સાડા ત્રણ કલાક સુધી વિશદ વિચાર વિમર્શ થયો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને અન્ય સભ્યોએ કરેલ સૂચનોને આવકારતા જણાવ્યું હતું કે દેશમાં જીએસટી કાઉન્સિલને લોકસભા અને રાજયસભા કરતા પણ વધુ મહત્વ આપીને  વિશેષ દરજજો આપ્યો છે.  જીએસટી કાઉન્સિલે હજુ ચીજવસ્તુઓ કે સેવાઓ પરના ટેક્ષના દર નકકી નથી કર્યા. ગુજરાતે અગાઉ જીએસટીના કાયદાનો વિરોધ કર્યો હતો અને આજે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે કરેલા જીએસટીના  કાયદાનો અમલ કરવાની માનસિકતા બનાવી છે એવા આક્ષેપનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે  અગાઉ જીએસટીના કાયદામાં અનેક  જોગવાઈ એવી હતી. જેનાથી ગુજરાતને નુકસાન થતું હતું. આજે પરિસ્થિતિ સુધરી છે કેન્દ્રે જરૂરી ફેરફારો કર્યા છે. જે ગુજરાતને આવકાર્ય છે.  તેમણે જણાવ્યું હતું કે પેટ્રોલ ક્રૂડ ઓઈલ ગેસ સહિતની પેટ્રોલિયમ પ્રોડકટસની સેસ પેટેની પ૦ ટકા રકમ કેન્દ્ર સરકાર જતી કરે એવી માગણી કરી અને મેન્યુફેકચરીંગ સ્ટેટ તરીકેની વિશેષ માગણીઓ રાખી જેનો સ્વીકાર થયો પરિણામે માત્ર ગુજરાત જ નહીં. તમામ  રાજયોએ જીએસટીનો સહર્ષ સ્વીકાર કર્યો છે. જીએસટી કાયદામાં શિક્ષાની જોગવાઈઓ વધારે પડતી કડક છે. એવી રજૂઆતોનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે જે લોકો વ્યાપારી પેઢી અસ્તિત્વમાં જ ન હોય અને છતાં પણ નકલી બિલો, નકલી ફોર્મ, નકલી ચલણો બનાવીને મોટા પ્રમાણમાં ચોરી કરે છે. આવા કેસોમાં જો રૂા.પ૦ લાખથી વધુ રકમની કર ચોરી ધ્યાને આવશે તો જીએસટી કાયદામાં પોલીસ કેસ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

 

 

કરોડો રૂપિયાના ગોટાળામાં માલ્યા, સુબ્રતોને જામીન મળતા  હોય ત્યારે

GST‌માં ચોરી કરનારાને ‘બિન

જામીનપાત્ર’વાળો શબ્દ કાઢી નાખવો જોઈએ

અમદાવાદ,તા.૯

કોઈપણ વસ્તુનો વિરોધ કરાય પણ જો એ વિરોધ સમજણ વગરનો હોય, ટૂંકી દૃષ્ટિ અને ટૂંકા સ્વાર્થ માટેનો વિરોધ  હોય તો ફરી એ  આપણા આગળ આવીને ઊભું રહેવું હોય છે. આજે ફરી અંદાજે ૧૦ વર્ષ મોડા એ જ નેતાગીરી કે પાર્ટીથી ઉપર  ઉઠીને ડો. મનમોહનસિંઘની મહેરબાનીથી રાજયસભામાં જીએસટી બિલ પસાર થયું છે અને આજે આપણી વચ્ચે આવ્યું છે. આજે જો ધાર્યું હોત તો આપણું બજેટ હતું એ વખતે સરકાર આ જીએસટી બિલ વાળી શકી હોત  કેમ મોડું કર્યું એ હું સમજી શકયો નથી. જીએસટીનો વિરોધ હતો એટલું જ નહીં કેટલા વિરોધ કરેલા તમે ? કાળુંનાણું લાવવાની વાત, વર્ષ ર૦૦૯મા નોટબંધી લાવવાની વાત મનમોહનસિંઘે કરેલી એ પણ દેશના હિતમાં જ નિર્ણય હતો. એમ જીએસટી બિલની ચર્ચામાં સરકારને આડેહાથ લેતા શંકરસિંહ વાઘેલાએ વિધાનસભામાં જણાવ્યું હતું.વધુમાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે  ૩૦ર, ૩૦૭ની  કલમના આરોપીઓ છુટી જતા હોય, માલ્યા અને સહારાવાળા સુબ્રતો કરોડો રૂપિયાના ફ્રોડ કરનારાને જો જામીન મળતા હોય તો નાનો વેપારી જીએસટીમાં ચોરી શું કરવાનો છે ? એ ચોરી કરે એના કાયદા થોડા  નરમ રાખો. ઓછામાં ઓછા બિનજામીન પાત્રવાળો શબ્દ કાઢીને જામીન પાત્ર ગુનો રાખો. વેપારીઓની ‘હાય’ નહીં ‘હાશ’ લો. વડાપ્રધાન મોદીનું નામ  લીધા તેમને આડેહાથ લીધા  શંકરસિહે કહ્યું હતું કે હવે શરમ કરી પાકિસ્તાન એક નહીં બે માથા વાઢીને લઈ ગયું લવલેટર લખવાનું બંધ કરો, બિરિયાની  ખાવાનું અને નવાઝ શરીફ જોડે હાથ મિલાવવાનું બંધ કરો. આ બંધુ જે કસમયનું પોલીટીકલ ટૂંકા સ્વાર્થ માટે કરેલા ઉચ્ચારણો આજે આડા આવે છે.