(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૨૮
સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ શોલેના ગબ્બર, ઠાકુર, કાલિયા અને શાંભાના પાત્રોમાં ગબ્બરસિંહ ટેક્સના વિરોધમાં માર્કેટોમાં ફરી વેપારીઓને ભાજપને મત ન આપવા માટે અપીલ કરી હતી. જેની જાણ પોલીસને થતાં પોલીસે કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જેના કારણે માર્કેટ વિસ્તારમાં વાતાવરણ ડહોળાયું હતું. શહેર પોલીસે અટકાયતમાં લીધેલા કોંગ્રેસના કાર્યકર્તાઓને મુક્ત કરાવવા માટે કોંગ્રેસી કાર્યકર્તાઓ સલાબતપુરા પોલીસ મથકે ધસી ગયા હતા જ્યાં તેમણે અટકાયતમાં લીધેલા કાર્યકર્તાઓને મુક્ત કરાવવા માટની પ્રક્રિયા હાથ ધરી હતી. ગુજરાત વિધાનસભાની આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. પાર્ટીના ઉમેદવારો પોતપોતાની રીતથી પોતાની પાર્ટીના પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે આજે સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં કોંગ્રેસ દ્વારા એક અનોખો પ્રચાર કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ જીએસટીને ગબ્બરસિંહ ટેક્ષ કહેતા સુરત કોંગ્રેસ દ્વારા શોલેના ગબ્બર, ઠાકુર, કાલિયા અને સાંભાના પાત્રોમાં વેપારીઓ પાસે ભાજપને મત ન આપવા અપીલ કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટી દ્વારા ફિલ્મની જેમ પ્રચાર કરવામાં આવી રહેલા પ્રચાર વખતે બંદુક સહિત બુલેટ વગેરે હોવાથી પોલીસે તમામ શોલેના પાત્રમાં આવેલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. જો કે કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શનની સાથે પ્રચાર પણ કરવામાં આવ્યો હતો. ઘોડા પર સવાર શોલે ફિલ્મમાં જે રીતે ડાકુ આવે તેમ કોંગ્રેસના કાર્યકરો જીએસટીના વિરોધમાં માર્કેટમાં ગયા હતા. માર્કેટ વિસ્તારમાં જીએસટી વિરૂદ્ધ પોતાનું વિરોધ પ્રદર્શન ફિલ્મ ઢબે કર્યો હતો. બંદુક- ઘોડા-બુલેટ સાથે આવેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેમણે બાદમાં મુક્ત કરવાની કવાયત હાથ ધરાઈ હતી.