(એજન્સી) ચિત્રકૂટ, ર૭
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ અત્રે કહ્યું હતું કે તેમનો પક્ષ સત્તા પર આવશે તેમ કેટલીક ચીજોના જીએસટી ટેક્ષમાં ઘટાડો કરશે. મધ્યપ્રદેશના ચૂંટણીવાળા રાજ્યના પ્રવાસે આવેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાફેલ સોદા મુદ્દે પ્રહારો કર્યા હતા અને કહ્યું કે ચોકીદાર હવે ચોર બન્યા છે.
રાહુલ ગાંધી મધ્યપ્રદેશની બે દિવસની મુલાકાતે આવ્યા છે. તેમણે ચિત્રકૂટમાં ભગવાન રામના મંદિરના દર્શન કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે સત્તા પર આવીશું કે તરત જ ગબ્બરસિંહ ટેક્ષમાં બદલાવ કરી વાસ્તવિક બનાવીશું. ઓછા દરે એક જ ટેક્ષ રાખીશું. તેમણે કહ્યું કે મોદી સરકારે નાના ઉદ્યોગોને અને રોજગારીને નોટબંધી અને ગબ્બર સિંહ ટેક્ષ (જીએસટી) વડે વિનાશ કર્યો. તમામ સત્તાનો ઉપયોગ રોજગારી પેદા કરવા કરીશું. દેશમાં ગયા વર્ષે જીએસટી લાગુ કરાયો હતો. રાફેલ ડીલમાં ભારતના ચોકીદાર ચોર સાબિત થયા છે. ચોકીદાર રાફેલ ડીલમાં ૩૦ હજાર કરોડ અનિલ અંબાણીના ખિસ્સામાં મૂક્યા છે. મોદીના મિત્ર અનિલ અંબાણીનું ૪પ હજાર કરોડનું દેવું છે. જે ગરીબોના ખિસ્સામાંથી સેરવી લેવાયા છે. સંસદમાં મોદી દોઢ કલાક બોલ્યા. પરંતુ રાફેલ ડીલ પર ચૂપ રહ્યા. રાહુલ ગાંધીએ ખેડૂતોની લોનો ૧૦ દિવસમાં માંડવાળ કરવાની જાહેરાત કરી હતી. રાફેલ ડીલમાં રક્ષામંત્રી ખોટું બોલી રહ્યા છે. રાફેલ મુદ્દે ફ્રાન્સના રાષ્ટ્રપતિને મળ્યો. ત્યારે તેમણે સોદામાં કોઈ ગુપ્તતાની વાતનો ઈન્કાર કર્યો હતો.
રાહુલ ગાંધી સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કમલનાથ, જ્યોતિરાદિત્ય સિન્ધીયા અને અજય સિંહ પણ જોડાયા હતા. પરંતુ વરિષ્ઠ કોંગ્રેસી નેતા દિગ્વિજયસિંહની ગેરહાજરી દેખાતી હતી. ર૦૦૩થી મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સત્તાથી બહાર છે. ૧૭ સપ્ટેમ્બરે રાહુલ ગાંધીએ ભોપાલમાં રોડ શો કરી પૂજામાં ભાગ લઈ ૧૧ પૂજારીઓના આશીર્વાદ મેળવ્યા હતા.