(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૭
કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા લાગુ કરાયેલ જીએસટી કાયદાના વિરોધમાં સતત પાંચમા દિવસે પણ વેપારીઓએ સજ્જડ બંધ પાળીને નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે સંઘર્ષ સમિતિ દ્વારા આવતીકાલે મહારેલી કાઢીને જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવશે. જ્યારે સુરતમાં જીએસટીના વિરોધમાં ઉપવાસ આંદોલનમાં નાના વેપારીઓ પણ જોડાયા છે. બીજી તરફ આ મામલે સરકાર દ્વારા કોઈપણ પ્રકારનું નમતું જોખવામાં ન આવતા જીએસટી વિરુદ્ધનું વેપારીઓનું આંદોલન ઉગ્ર બને તેવા એંધાણ છે. બીજી તરફ સુરતના વેપારીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલ દમનને પરિણામે અમદાવાદના કાપડ સહિતના વેપારીઓએ સજ્જડ બંધ પાળીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જ્યારે અમદાવાદ સ્થિત સુમેળ બિઝનેસ પાર્ક ઓનર્સ એસોસિયેશન દ્વારા જીએસટીના વિરોધમાં અચોક્કસ મુદત સુધી બંધ પાળી વિરોધ પ્રદર્શિત કરવાનો નિર્ણય લેવાયો છે. સુરત ટેક્ષ્ટાઈલ જીએસટી સંઘર્ષ સમિતિના અધ્યક્ષ તારાચંદ કાસટના જણાવ્યા અનુસાર આજે સતત પાંચમાં દિવસે પણ શહેરની તમામ માર્કેટો બંધ રહી હતી. વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખીને રિંગરોડ જે.જે. માર્કેટ સામે ફ્‌લાય ઓવર બ્રીજ નીચે ભજન કિર્તનના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આવતીકાલે સંઘર્ષ સમિતિ દ્વારા રિંગરોડથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવશે. શહેરના કાપડ વેપારીઓની સાથે લેસવર્ક, ટીકી વર્ક કરતી મહિલાઓ પણ રેલીમાં જાડાશે. આશરે ૧ લાખથી વધુ લોકો આવતીકાલે બપોરે ૧૨ વાગે રિંગરોડથી શાંતિપૂર્વક રેલી કાઢશે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કેન્દ્ર સરકાર સુધી વેપારીઓનો કાપડ ઉદ્યોગ પર લાદવામાં આવેલ પાંચ ટકા જીએસટી નાબુદ કરવાની વાત પહોચાડવા માટે રજૂઆત કરવામાં આવશે. આવતીકાલની રેલી માટે શહેર પોલીસ દ્વારા પરમીશન મળી ગઈ છે. બીજી તરફ સુરતમાં ૭૦,૦૦૦ જેટલા નાના મોટા વેપારીઓ વેપાર કરે છે. ઘણાં વેપારીઓ પોતાની દુકાનમાં વેપાર કરે છે. જ્યારે દસથી પંદર હજાર નાના વેપારીઓ ભાડાની દુકાનોમાં વેપાર કરે છે. કોમ્પ્યુટરનું જ્ઞાન ન ધરાવનાર નાના વેપારીઓ પર ૫ ટકા જીએસટીથી તેમને ધંધો બંધ કરવાની ફરજ પડશે. કોમ્પ્યુટરનો ખર્ચ, સીએ કન્સલ્ટન્ટનો ખર્ચ, નાના વેપારીઓને પોસાય તેમ નથી. મોટા વેપારીઓ ભલે પાંચ ટકા જીએસટી સહન કરી શકે પરંતુ નાના વેપારીઓને તો પોતાનો ધંધો જ બંધ કરવાની ફરજ પડશે. નાના વેપારીઓને જીએસટીમાંથી મુક્તિ અપાવવા માટે હિતેશ સાંખલેચા છેલ્લા એક સપ્તાહથી ઉપવાસ પર બેઠા છે. હિતેશ સાંખલેચાના સમર્થનમાં આજે બપોરે ૧૨ વાગ્યા બાદ એક હજાર જેટલા નાના વેપારીઓ પણ આજે સાલાસર ગેટ સામે ફ્‌લાય ઓવર બ્રીજ નીચે ઉપવાસ પર બેઠા છે. જ્યારે રાજ્યના અનેક વેપારી મંડળો જીએસટી સામે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અમદાવાદની રાયપુર સ્થિત સુમેળ બિઝનેસ પાર્ક ઓનર્સ એસોસિયેશન દ્વારા પોતાનો વેપાર અચોક્કસ મુદત સુધી બંધ રાખી જીએસટી સામે વિરોધ પ્રદર્શિત કરવાનો નિર્ણય લેવાયો છે. આમ ગુજરાતભરના વેપારી મંડળો જીએસટી સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી માંડવિયા અને જીએસટી સંઘર્ષ
સમિતિની બેઠકમાં કોઈ નિવેડો નહીં

કાપડના વેપારીઓ પર જીએસટી લાગુ પડ્યા બાદ શહેરમાં થઈ રહેલ આંદોલનને શાંત કરવા માટે કેન્દ્ર સરકારના દુત બનીને આવેલા મંત્રી મનસુખ માંડવીયા સાથે બપોરે માહેશ્વરી ભવન ખાતે જીએસટી સંઘર્ષ સમિતિના આગેવાનોએ બેઠક કરી પોતાની રજૂઆતો જણાવી હતી.પરંતુ વેપારીઓની રજૂઆતોનો હાલના તબક્કે કોઇ નિવેડો આવે તેમ જણાઈ નથી રહ્યું એવું જાણવા મળે છે. સુરત શહેરમાં ૧લી જૂલાઈથી ટેક્ષ્ટાઈલ માર્કેટોના વેપારીઓ દ્વારા જીએસટીના વિરોધ માટે આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલનની નોધ દિલ્હી સુધી લેવાઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા શહેરના વેપારીઓની સાથે મધ્યસ્થી કરવા માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને સુરત તેડાવ્યા છે. ગતરોજ સાયન્સ સેન્ટર ખાતે મનસુખ માંડવીયા દ્વારા શહેરના સી.એ. સાથે મીટિંગ કરી હતી. આજે બપોરે ૨ વાગે સિટીલાઈટ રોડ ખાતે આવેલ માહેશ્વરી ભવનમાં મનસુખ માંડવીયાની સાથે સંઘર્ષ સમિતિના આગેવાનો સાથે બેઠક કરી હતી. વેપારીઓના આંદોલન અંગેની સમસ્યા જાણી હતી. વેપારીઓની રજૂઆતોને કેન્દ્ર સરકાર સુધી પહોચાડવાની ખાતરી આપી હતી.