(એજન્સી) નવી દિલ્હી, તા.૧
કેન્દ્રની મોદી સરકારે એક મોટો નિર્ણય કરી જાહેરાત કરી હતી કે ધાર્મિક લંગરોને જીએસટીના દાયરામાંથી બહાર રખાશે. અત્યારસુધી લંગરો અને પ્રસાદ પર જીએસટી લાગતો હતો. જીએસટી લાગુ થતાં પહેલાં લંગર અને પ્રસાદ માટેના સામાન પર કોઈ ટેક્ષ લાગતો ન હતો. પરંતુ ગયા વર્ષે જીએસટી લાગુ થતાં જ લંગર અને પ્રસાદને પણ ટેક્ષના દાયરામાં સામેલ કરાયા. હવે સરકારે લંગર-પ્રસાદ પરથી જીએસટી હટાવવાનો નિર્ણય કર્યો છે. સરકારના તાજા નિર્ણયથી સ્વર્ણ મંદિર સહિત દેશના તમામ ગુરૂદ્ધારો, મંદિરો અને તમામ ધાર્મિક સંસ્થાનોને રાહત મળશે. જીએસટી લાગુ કરતા સમયે ધાર્મિક સંસ્થાનોમાં પૂરા પડાતા ખાદ્ય પદાર્થોને જીએસટીથી મુક્ત રાખવાની જાહેરાત કરી હતી. છતાં જીએસટી લગાવાતો હતો. સરકારી આંકડા અનુસાર આ વર્ષે સરકારે જીએસટીના માધ્યમથી ૯૪,૦૧૬ કરોડ રૂપિયાનો ટેક્ષ મેળવ્યો છે. જે ગયા વર્ષે મળેલ ૯૦ હજાર કરોડ કરતા વધુ છે. નાણાં મંત્રાલયના આંકડા અનુસાર ૧પ૮૬૬, સીજીએસટી, ર૧૬૯૧ એસજીએસટી, ૪૯૧ર૦ આઈજીએસટી જેમાં આયાતના ર૪૪૪૭ કરોડ અને ૭૩૩૯ કરોડ રૂપિયાનો સેસ સામેલ છે. ઉલ્લેખનીય છે કે સરકારી જીએસટી હેઠળ ધાર્મિક સંસ્થાનો પાસેથી લીધેલ ટેક્ષમાં કેન્દ્રનો જે હિસ્સો હતો તે પરત કરશે. ગુરૂદ્ધારો પર જીએસટીનો સૌથી વધુ ભાર પડ્યો હતો. પંજાબમાં અમરિન્દર સરકારે લંગર પર જીએસટી માફ કર્યો હતો અને કેન્દ્રને પણ જીએસટી દાયરામાંથી ધાર્મિક સંસ્થાઓને બહાર રાખવાની જાહેરાત કરી હતી. ધાર્મિક સંસ્થાનોમાં જીએસટી ટેક્ષ મુક્તિથી મોટી રાહત થઈ છે.