અમદાવાદ,તા. ૫
કોંગ્રેસ સાથે છેડો ફાડી જનવિકલ્પ મોરચાનું નેતૃત્વ સંભાળનાર પીઢ નેતા શંકરસિંહ વાઘેલાએ આજે ભાજપ સરકાર અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપ અને કેન્દ્રની મોદી સરકારને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, જન વિકલ્પના નેજા હેઠળ મેં છેલ્લા ૧૩ દિવસમાં રાજયભરમાં છ હજાર કિલોમીટરનો રાજયમાં પ્રવાસ કર્યો અને છેવાડાના માનવીને રૂબરૂ મળ્યો ત્યારે મેં અનુભવ્યું કે, લોકો બહુ દુઃખી છે, ત્રસ્ત છે. મહિલાઓ, ખેડૂતો, બેરોજગાર યુવાઓ બધાની હાલત કફોડી છે. જીએસટીથી વેપારીઓ આત્મહત્યા કરવા પ્રેરાયા છે તો લાખો કારીગરો બેકાર થઇ ગયા છે. નોટબંધીએ પણ ઇન્ફ્રાસ્ટ્રકચર અને કન્સ્ટ્રકશન સહિતના સેકટરને તોડી નાંખ્યા છે. લોકો ભિખારી બની જાય અને આપઘાત કરવા પ્રેરાઇ જાય એટલી હદ સુધીનો ત્રાસ ના ગુજારો. માનવતા ખાતર પણ જીએસટીનો અમલ દોઢ વર્ષ સુધી મોકૂફ રાખો. અનામતના મુદ્દે કોઇ રાજકારણ ના થવું જોઇએ. ગુજરાતમાં બિનઅનામત સમાજ માટે ૨૫ ટકા અનામતની જોગવાઇ કરતો કાયદો પસાર કરો અને દિલ્હી સરકાર તેને બહાલી આપે. જીએસટી અને નોટબંધીના મુદ્દે ભાજપ અને મોદી સરકારને આડે હાથે લેતાં બાપુએ જણાવ્યું કે, જીએસટીના કારણે ગુજરાતની આર્થિક રાજધાની સુરત બેહાલ બન્યું છે. આશરે પંદર લાખ પરપ્રાંતીય કારીગરો સુરતમાંથી જતા રહ્યા છે, તો અન્ય પંદર લાખ કારીગરો બેકાર બન્યા છે. જીએસટીના લીધે ઉદ્યોગો મંદીના ખપ્પરમાં અને ત્રાહિમામ્‌ પોકારી શટરો પાડી રહ્યા છે. અર્થ વગરની નોટબંધીએ બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રકચર ઉદ્યોગને મરણતોલ ફટકો માર્યો છે. પેટ્રોલ-ડિઝલ પરનો વેટ-એક્સાઇઝ ઘટાડી તેના ભાવો સરકારે સસ્તા કરવા જોઇએ. સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવાની જરૂર છે અને તે પણ તાલુકા કક્ષાએ ખરીદ કેન્દ્રો ઉભા કરીને. ખેડૂતોની જેમ બેરોજગાર યુવાનો પણ અંધકારમાં ગરકાવ છે પરંતુ જો જનવિકલ્પ મોરચાની સરકાર બનશે તો, ૧૦૦ દિવસમાં જ તેઓને રોજગારી અપાશે. વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨ બેઠકો પર અમારા ઉમેદવારો ઉભા રહેશે અને ગુજરાતની જનતા અમારી હાઇકમાન્ડ રહેશે.