ભાવનગર, તા.૧૧
ભાવનગરમાં આજે સ્ટીલની ૭ પેઢીઓ પર રાજ્યકક્ષાના જીએસટીની ટીમ દ્વારા દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી બે-ત્રણ દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે. સ્ટીલના વ્યવસાય, ઉત્પાદન સાથે સંકળાયેલા વેપારીઓ, ઉદ્યોગપતિઓની ઘર, ઓફિસ, મીલ, સહિતના સ્થળો ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે. કરોડો રૂપિયાનો બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતાઓ રહેલી છે.
આજરોજ ગાંધીનગર અને ભાવનગરની જીએસટીની ટીમ દ્વારા શહેરની સાત જેટલી સ્ટીલની પેઢીઓમાં દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં ખાસ કરીને જે.આર.ઈસ્પાત ઓફિસ લીલા એફસી, વાઘાવાડી રોડ, સલાસર સ્ટીલ સિહોર જીઆઈડીસી, નવભારત સ્ટીલ સુરભી કોમ્પ્લેક્ષ, વાઘાવાડી રોડ, એમએમજી સ્ટીલ ચોખાવાલા ચેમ્બર્સ ખારગેટ, હંસ સ્ટીલ ચોખાવાલા ચેમ્બર્સ, ખારગેટ, હીરા સ્ટીલ ચોખાવાલા ચેમ્બર્સ, ખારગેટ, પાત્રન સ્ટીલ, ભાવનગર સહિતની ભાવનગર શહેરની સાત જેટલી સ્ટીલની પેઢીઓમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.ભાવનગરમાં બોગસ બિલીંગ અને કાળા કારોબાર અને જીએસટીની ચોરી સહિતની વ્યાપક ફરિયાદો ઉઠવા પામતા ગાંધીનગરથી સ્ટેટ જીએસટીના અધિકારીઓ અને સ્થાનિક અધિકારીઓ દ્વારા આજે સ્ટીલની સાત પેઢીઓમાં દરોડા પાડી તપાસ હાથ ધરાઈ છે. જીએસટીના અધિકારીઓએ ર૧ જેટલી ટીમો રચી સાતેય પેઢીના સંચાલકોના ઘર, પેઢી, ઓફિસ, મીલ, ફેક્ટરી સહિત જુદા જુદા ર૧ સ્થળોએ તપાસ હાથ ધરી છે. આ તપાસ બે ત્રણ દિવસ સુધી ચાલે તેવી શક્યતાઓ રહેલી છે અને કરોડો રૂા.નો કાળો કારોબારનો પર્દાફાશ થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે.