(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
તાજેતરમાં જ રિલીઝ થયેલી રણબીર કપૂર અને કેટરિના કૈફની “જગ્ગા જાસૂસ”માં જોવા મળેલી બિદિશા બેઝબરૂઆએ ગુડગાંવમાં આત્મહત્યા કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. આસામની રહેવાસી બિદિશા અભિનેત્રી અને ગાયક પણ હતી અને તાજેતરમાં જ તે પોતાના પતિની સાથે મુંબઈથી ગુડગાંવમાં રહેવા માટે આવી હતી. બિદિશા ટેલિવુડની પ્રખ્યાત હસ્તીઓમાંની એક હતી. તે ઘણા સ્ટેજ શો પણ હોસ્ટ કરી ચૂકી છે. પોલીસે આ કેસમાં તપાસ કરી રહી છે, પરંતુ તેમને ઘટના સ્થળેથી કોઈ પણ સ્યુસાઈડ નોટ મળી નથી. આ કેસમાં પોલીસે તેમના પતિની ધરપકડ કરી છે. ગુડગાંવના સુશાંત લોગમાં રહેતી બિદિશાએ પંખે લટકીને આત્મહત્યા કરી છે. ગુડગાંવ પોલીસના પી.આર.ઓ.એ જણાવ્યું કે, “બિદિશાના પિતાએ તેના પતિ પર આરોપ લગાવતા કહ્યું કે તે રોજ બિદિશાને માનસિક રૂપે હેરાન કરતો હતો અને તેનાથી હારી-કંટાળીને તેણે આત્મહત્યા કરી લીધી. સુશાંત લોક પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ કેસ દાખલ થઈ ચૂક્યો છે.
પોલીસ બિદિશાના ફેસબુક અને વ્હોટ્‌સ એપની તપાસ કરી રહી છે. તો બીજી તરફ આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પાસે આ કેસ અંગે તપાસની માંગ કરી છે.