(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૧
ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને સળગાવવાના બનાવ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા તોફાનો મામલે તપાસ કરવા જસ્ટીસ નાંણાવટી અને મહેતા તપાસપંચનો અહેવાલ ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગોધરાકાંડ બાદ રાજ્યભરમાં ફાટી નીકળેલા તોફાનો એ કોઈ પૂર્વ આયોજીત કાવતરૂ ન હોવાનું જણાવીને તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મંત્રીઓ અને પોલીસ અધિકારીઓની કોઈ સંડોવણી નહીં હોવાનું કહી તેમને ક્લિનચીટ આપવામાં આવી છે. રપ૦૦ પાનાના તપાસપંચના અહેવાલમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી કેસમાં પણ ગુજરાત પોલીસે પુરતી સુરક્ષા પુરી પાડી હોવાનું કહેવામાં આવ્યું છેે. જ્યારે ત્રણ ઉચ્ચ પોલીસ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક હોવાનું પણ જણાવાયું છે.
ગોધરા કાંડ બાદ રાજ્યમાં ફાટી નિકળેલા તોફાનોની તપાસપંચનો અહેવાલ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ અંગે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તા.૨૭/૦૨/૨૦૦૨ના રોજ સાબરમતી એક્ષપ્રેસ ટ્રેઇનના કોચ નં.એસ-૬માં આગ લગાડવાની ઘટનામાં ૫૮ લોકોના મૃત્યુ થયેલા અને ૪૦થી વધારે લોકોને ગંભીર ઇજા થઇ હતી અને ત્યારબાદ રાજય ભરમાં જે તોફાનો ફાટી નીકળ્યા હતા તે કોઇ પૂર્વ આયોજિત કાવતરૂ નહોતું. આ કમિશનને ૪૪,૪૪૫ સોગંદનામા મળ્યા હતા. જે પૈકીના ૧૮,૦૦૦ સોગંદનામા રાહત અને પુનર્વસનના દાવા માટેના હતા. ૪૮૮ સોગંદનામા સરકારી અધિકારીઓ, કર્મચારી અને પોલીસ ખાતા તરફથી રજૂ કરવામાં આવ્યા હતા અને કમિશને સંબંધિતોના નિવેદનો લઇ જરૂર જણાય ત્યાં ઊલટ તપાસ કરવામાં આવી હતી અને ૯ ભાગમાં ૨૫૦૦થી વધુ પાનાનો વિસ્તૃત અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે.
મંત્રી જાડેજાએ ઉમેર્યું હતું કે, નાણાવટી કમિશન (પાર્ટ-૧)માં ગોધરા ખાતે ટ્રેનના ડબ્બા સળગાવવા બાબતની ઘટના પૂર્વઆયોજિત હતી કે કેમ તે અંગે તલસ્પર્શી તપાસ કરીને કમિશને તેનો રીપોર્ટ વર્ષ ૨૦૦૮માં રજૂ કર્યો હતો. જેમાં કમિશનના રીપોર્ટમાં આ ઘટના પૂર્વઆયોજિત હોવાનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિપક્ષ તેમજ કેટલીક એન.જી.ઓ. દ્વારા રાજય સરકારની છબી ખરડાય તે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ગોધરા કાંડ બાદના તોફાનોના બનાવો રાજ્ય સરકાર પ્રેરિત કે પૂર્વઅયોજિત હતા તે પ્રકારના મલીન આક્ષેપો સંદર્ભે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટનાની તલસ્પર્શી તપાસ માટે કમિશનની રચના કરવાનો સામેથી નિર્ણય કર્યો હતો.
આ ઘટના ઉપર રાજકીય રોટલાં શેકવા અનેક પ્રકારના ગંભીર આક્ષેપો કર્યા હતા. રાજય સરકારે ઘટનાની સંવેદનશીલતા જાણીને ત્વરિત તલસ્પર્શી તપાસ થાય તે અર્થે રચેલા જસ્ટીસ જી.ટી. નાણાવટી અને જસ્ટીસ અક્ષય એચ. મહેતાના આ તપાસપંચે આ સમગ્ર બનાવને ષડયંત્ર ન ગણાવીને કલીનચીટ આપી છે.
તપાસપંચ દ્વારા અપાયેલા નિષ્કર્ષ/તારણોમાં ગોધરાકાંડ બાદના તોફાનોમાં કોઇ રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓની કોઇ સંડોવણી જોવા મળી નથી. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોઇ સંડોવણી જણાતી નથી. તપાસ પંચે નિષ્કર્ષ પર આવતા પહેલા વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીનું પણ નિવેદન લીધુ છે. તપાસપંચના તારણોમાં ત્રણ પોલીસ ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક છે. જેમાં તત્કાલિન આઇ.પી.એસ. અધિકારી આર.બી. શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટનો સમાવેશ થાય છે.
અમદાવાદ શહેરમાં થયેલા તોફાનો સંદર્ભે પણ તપાસપંચ દ્વારા પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડયા અને પૂર્વ મંત્રી ભરત બારોટને તપાસ પંચ દ્વારા કલીનચીટ આપવામાં આવી છે. તે જ રીતે ગુલબર્ગ કાંડમાં પણ કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી કેસમાં થયેલા આક્ષેપો સંદર્ભે તપાસપંચ દ્વારા અપાયેલા અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, ગુજરાત પોલીસે અને સરકારે અહેસાન જાફરી તેમજ સોસાયટીના રહીશોને સુરક્ષા પુરી પાડી હતી અને સરકારનું કોઇપણ પગલુ પૂર્વગ્રહ ભર્યુ ન હતું. એનજીઓ અને કોંગ્રેસ દ્વારા ગોધરા બનાવ અંગે તત્કાલિન મુખ્યમંત્રી મોદી અને તેમના કેટલાક મંત્રીઓ જવાબદાર હોવા અંગેનો આક્ષેપ કર્યો હતો. જેમાં તપાસપંચના અહેવાલમાં મુખ્યમંત્રીની ગોધરા જવાની બાબત ખાનગી ન હોવાનું નોંધ્યું હતું. તેમજ ગોધરામાં માર્યા ગયેલા પ૮ લોકોનું રેલવે યાર્ડમાં બિનઅનુભવી ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય આરોગ્ય મંત્રી અશોક ભટ્ટે લીધો હોવાનો આક્ષેપ હતો. તેમાં તપાસપંચે નોંધ્યું છે કે, આ નિર્ણય અશોક ભટ્ટ નહીં પરંતુ સ્થાનિક અધિકારીનો હતો. તદ્‌ઉપરાંત ગોધરાના બળી ગયેલા ટ્રેનના કોચમાં મુખ્યમંત્રી મોદીએ અનઅધિકૃત રીતે પ્રવેશ લીધો હોવાના આક્ષેપમાં પંચે તારણ કાઢ્યું કે, મુખ્યમંત્રીનો કોચમાં પ્રવેશનો હેતું જુદો હતો. પુરાવાનો નાશ કરવાનો ન હતો. તદ્‌ઉપરાંત મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી વહીવટી અને પોલીસ તંત્રની બેઠકમાં બહુમતી કોમનો ગુસ્સો કે લાગણી લઘુમતી કોમ ઉપર ઠાલવવા માટે પ્રયત્ન કરવામાં આવે ત્યારે કોઈપણ પ્રકારના સખત પગલા નહીં ભરવાનો જણાવાયું હોવાનો આક્ષેપ આઈપીએસ અધિકારી આર.બી.શ્રી કુમાર અને સંજીવ ભટ્ટે કર્યો હતો. તેની તપાસમાં કમિશન સમક્ષ સંજીવ ભટ્ટ મુખ્યમંત્રી નિવાસસ્થાનની બેઠકમાં પોતાની હાજરી પુરવાર કરી શક્યા નથી. સરકાર અને ઉચ્ચ અધિકારીઓ સાથે વ્યક્તિગત વાંધાઓને લીધે સંજીવ ભટ્ટે ખોટા આક્ષેપો કર્યા છે. તેમજ ભટ્ટે પુરાવા તરીકે રજૂ કરેલો ફેક્સ પણ બનાવટી હોવાનું તપાસપંચના તારણમાં બહાર આવ્યું છે. તદ્‌ઉપરાંત આઈપીએસ અધિકારી આર.બી.શ્રી કુમારે તત્કાલિન મુખ્યમંત્રી દ્વારા મૌખીક રીતે ગેરકાયદે સુચનાઓ આપવા અંગે તથા કમિશન સમક્ષ કઈ રીતે જુબાની આપવી તેના માટે તેમના ઉપર કરવામાં આવેલા દબાણની વાતચીતની ટેપ રજૂ કરીને આક્ષેપો કર્યા હતા. તે અંગે તપાસપંચની તપાસમાં આક્ષેપો તજ્યવિહીન હોવાનું કહી તારણ કર્યું હતું કે, આર.બી.શ્રી કુમારે ગુજરાત સરકાર સામે મલિન ઈરાદાથી ખોટા આક્ષેપો કર્યા છે. તેમણે કમિશન સમક્ષ રજૂ કરેલી ટેપની વાતચીતમાં તેમના પર કોઈપણ પ્રકારનું દબાણ કરાયું હોવાનું ફલિત થતું નથી. આમ તપાસને અંતે કમિશનએ તારણ કર્યું છે કે, સત્તાધિશો સામે બેદરકારી અથવા નિષ્ક્રિયતાના જે આક્ષેપો કરવામાં આવ્યા તેમાં સત્ય જણાતું નથી.

રાજકારણીઓ કાયદાનું રાજ્ય માંગતા
જ નથી : આર.બી. શ્રીકુમાર

અમદાવાદ, તા.૧૧
ગુજરાતમાં ર૦૦રના રમખાણો અંગે નાણાવટી-મહેતા તપાસ પંચનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરાયો છે, જેમાં ત્રણ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ, આર.બી. શ્રીકુમાર અને રાહુલ શર્માની ભૂમિકા નકારાત્મક રહી હોવાનો ઉલ્લેખ કરાયો છે, ત્યારે આ અંગે પૂર્વ આઈપીએસ આર.બી. શ્રીકુમારે પ્રતિક્રિયા આપતા ભારતીય રાજકારણ કાયદાનું રાજ્ય નથી માંગતું એમ જણાવી તેમના વિશે રિપોર્ટમાં જણાવેલ વિગતો અંગે અભ્યાસ કરી આગળ પ્રતિક્રિયા કરવાનું જણાવ્યું હતું. શ્રીકુમારના જણાવ્યા મુજબ હાલ દેશમાં તત્કાલિન સરકાર સામે જે અધિકારી બોલે છે, તેની વિરૂદ્ધ કામગીરી થાય છે, જ્યારે મેં તો જે તે વખતે રમખાણોમાં જે જોયું, તે જ બતાવ્યું હતું, પણ ભારતીય રાજકારણીઓ કાયદાનું રાજ્ય માંગતા નથી. તેઓ તો પાર્ટી એજન્ડા, પ્રાઈવેટ એજન્ડા અને ક્રિમિનલ એજન્ડાનો અમલ કરાવવા માંગે છે. જો કે, નાણાવટી-મહેતા તપાસ પંચના રિપોર્ટમાં મારા વિશે જે વાત રજૂ કરાઈ છે, તે અંગે હું અભ્યાસ કરીશ. ત્યાર પછી જ કોઈ કાર્યવાહી કરવા અંગે વિચાર કરીશ, જ્યારે તેમણે આઈપીએસ રાહુલ શર્માની કામગીરીની વાત કરતા તેમણે રમખાણો વખતે મુસ્લિમ યતિમખાના અને મદ્રસાને બચાવવાની કામગીરીની વાત કરી હતી. જો કે, તેમની આ કામગીરીથી ઉતરી અધિકારીઓ ખુશ ન હતા.

ગોધરાકાંડનો રિપોર્ટ ક્લિનચીટ
આપવા જ તૈયાર કરાયો છે

અમદાવાદ, તા.૧૧
ગોધરા ટ્રેનકાંડ અને ત્યારબાદ ગુજરાત રાજ્યમાં ફાટી નીકળેલા તોફાનો સંદર્ભે ગુજરાત સરકારે રચેલા તપાસ પંચનો અહેવાલ આજરોજ વિધાનસભા ગૃહમાં જાહેર કરવામાં આવતા કોંગ્રેસના સિનીયર નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે, તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મંત્રીઓને ક્લિનચીટ આપવા જ આ રિપોર્ટ તૈયાર કરાયો છે. દુર્ભાગ્ય છે કે, ગુજરાત સરકારની કોઈ જ જવાબદારી નક્કી કરવામાં આવી નથી. ગુજરાતમાં ગોધરા ટ્રેનકાંડ અને ત્યારબાદ જે રમખાણ થયા તેમાં ૧૨૦૦ લોકો મરી ગયા હતા અને ગુજરાતને સમગ્ર દુનિયામાં બદનામી મળી હતી. ૧૭ વર્ષ બાદ રિપોર્ટ ટેબલ કરાયો છે. દુર્ભાગ્ય છે કે ગુજરાત સરકાર ની કોઈ જવાબદારી નક્કી નથી કરાઈ. જેમાં અનેક નિર્દોષોના લોહી રેડાયા હતા આશ્ચર્યની વાત છે કે જે અધિકારીઓએ હેરાનગતિ કરી હતી એમની કોઈ જવાબદારી ના નક્કી ના કરાઈ. જે કેસમાં અત્યારે નરોડા પાટિયા અને બીજામાં સજા થઈ છે એ બાબતે પણ જવાબદારી ફિક્સ નથી થઈ. તત્કાલિન મુખ્યમંત્રી આ રિપોર્ટ પ્રજા સાથે છેતરપિંડી સમાન છે. ગોધરાકાંડ સમયે ખુદ અટલ બિહારી વાજપેયીએ ચમ રાજધર્મ ભૂલ્યા હોવાની વાત કરી હતી. આ પાપનો સ્વિકાર આજે નહીં તો આવતી કાલે પણ ભાજપે કરવો પડશે. તેમના સાશનમાં આ રમખાણ થાય છે.

નરેન્દ્ર મોદી વિરૂદ્ધ આક્ષેપ કરનારા અમરસિંહ ચૌધરીએ કમિશનમાં નિવેદન આપ્યું નહીં

ગાંધીનગર, તા.૧૧
ગોધરા ટ્રેન કાંડ અને કોમી રમખાણોની તપાસ માટે નિમાયેલા જસ્ટિસ નાણાવટી અને મહેતા પંચનો તપાસ અહેવાલ ગુજરાત વિધાનસભામાં મૂકવામાં આવ્યો હતો જેમાં પૂર્વ સાંસદ એહસાન જાફરીએ તેમના પરિવારની સુરક્ષા અંગે ગુલબર્ગ સોસાયટીમાં જરૂરી મદદ અને રક્ષણ આપવા પોલીસને ટેલિફોન કર્યો હતો તેમ છતાં તત્કાલિન મુખ્યમંત્રીએ આ બાબતે ગંભીરતા દાખવીને કોઈ કાર્યવાહી કરી ન હોવાનો આક્ષેપ કોંગ્રેસના તત્કાલિન પ્રમુખ અમરસિંહ ચૌધરીએ કર્યો હતો. પરંતુ કમિશને કરેલી તપાસમાં મોદી વિરૂદ્ધ કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા હોવાનું બહાર આવ્યું હતું કારણ કે, અમરસિંહ ચૌધરી દ્વારા કમિશન સમક્ષ કોઈ પુરાવો કે નિવેદન આપવામાં આવ્યું નથી તેમજ પોલીસ કમિશનરે બપોરે બે પોલીસ અધિક્ષક, એક પોલીસ ઈન્સ્પેકટર અને સીઆઈએસએફની ૧ સેકસન ગુલબર્ગ સોસાયટીમાં મોકલી હતી તેમજ પોલીસ ફોર્સ બપોરે બે વાગ્યે ગુલબર્ગ સોસાયટીમાં પહોંચી તેનો પુરાવો પણ છે. એટલે અમરસિંહ ચૌધરીના આક્ષેપો ખોટા છે. જો કે, સ્ટેટ આઈબીમાં નાયબ કમિશનર તરીકે ફરજ બજાવતા સંજીવ ભટ્ટે આક્ષેપ કર્યો હતો કે તા.ર૮ ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રીએ બોલાવેલી બેઠકમાં એહસાન જાફરી અને તેના કુટુંબીજનો પર જીવનું જોખમ છે તેની જાણ મુખ્યમંત્રીને કરવામાં આવી હતી ત્યારે કમિશનની તપાસમાં સંજીવ ભટ્ટ દ્વારા પોતાની સહી સાથેનો જે ફેકસને આધાર પુરાવો રજૂ કર્યો હતો તે અંગે સ્ટેટ આઈબીના રેકર્ડના તપાસણીમાં તે ફેકસના દસ્તાવેજ નકલી હોવાનું બહાર આવ્યું છે.

નરોડામાં ટોળાને ઉશ્કેરવાના મુદ્દે તપાસપંચે ફોડ પાડ્યો જ નહીં

નરોડા પાટીયા વિસ્તારના બનાવોમાં વિશ્વ હિંદુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ૫,૦૦૦થી ૭,૦૦૦ માણસોના ટોળાને ઉશ્કેરીને મુસ્લિમો ઉપર હુમલો કરાવ્યો છે, તેવી ફરિયાદ હતી. જે બાબત ટ્રાયલ કોર્ટનો ચુકાદો આવી ગયો છે અને ટ્રાયલ કોર્ટ તેમજ હાઇકોર્ટ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા સુપ્રિમકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. આથી આ બનાવ સંદર્ભે આરોપીઓ સામે કોઇપણ પ્રકારનું તારણ કરવું કમિશને ઉચિત ન હોવાનુ જણાવ્યું છે. નરોડા ગામનો બનાવ ન્યાયિક/અદાલતની ચકાસણી હેઠળ હોઇ, આ અગેવાનોની સંડોવણી માટે કમિશને અભિપ્રાય આપવો યોગ્ય જણાયો નથી.