અમદાવાદ,તા.૧૯
યુપીએ વખતે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને અન્યાય કરાતો હોવાની વાતો કરી ગુજરાતની ભાજપ સરકાર વર્ષ ર૦૧૪માં કેન્દ્રની ગુજરાતને થપ્પડની કરોડો રૂપિયાની જાહેરાતો ટીવીમાં આપવામાં આવતી હતી. પરંતુ હવે કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યાને પાંચ વર્ષ પૂરા થયા તેમ છતાં ગુજરાતનેે કેન્દ્રની થપ્પડ પડી રહી છે. એટલે મોસાળમા જમણવાર અને માં પીરસનાર છતાંય ગુજરાતને અન્યાય થઈ રહ્યો હોવાનો સણસણતો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસમાં આક્ષેપ મુજબ ગુજરાતના ર૦૧૩ના કેન્દ્ર સરકાર સામેના પડતર પ્રશ્નો હલ થાય તે માટે રાજય સરકાર કોઈ પ્રયાસ કરતી નથી અને જે કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓ છે તેમાં બિલકુલ સહાય મળતી નથી અથવા તેની રકમમાં ઘટાડો થયો છે. આમ ગુજરાતને કેન્દ્રની રપથી વધુ થપ્પડો પડી છે. જેની વિગતો વિધાનસભામાં કોંગ્રેસના વિવિધ ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોમાં બહાર આવી છે. જેમાં અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા બાબતે કેન્દ્ર સરકાર પાસે કોઈ દરખાસ્ત નથી કે કેન્દ્ર સરકાર આવી કોઈ દરખાસ્ત મોકલવા ગુજરાતની ભાજપ સરકારને કહ્યું નથી. ગુજરાત સરકારે કર્ણાવતીની કોઈ દરખાસ્ત બે વર્ષથી મોકલી નથી. અમદાવાદને મેટ્રો સિટી જાહેર કરવા માટે કેન્દ્ર સરકારે કોઈ પ્રયાસ કર્યા નથી. ગુજરાત સરકારે પણ છેલ્લાં બે વર્ષમાં કોઈ દરખાસ્ત મોકલી નથી. ૨૦૧૯ના ગુજરાતના ૫૧ તાલુકા અન ૩૨૯૧ ગામોમાં દુષ્કાળ જેવી હાલત છે. ગુજરાત સરકારે કેન્દ્રની ભાજપ સરકાર પાસેથી રૂ.૧૭૨૫ કરોડની સહાય માંગી હતી, તેમાં કેન્દ્ર સરકારે એક પણ રૂપિયો આપ્યો નથી. ખેડૂતો અને પશુઓ પરેશાન છે. ૨૦૧૭મા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિથી ખેડૂતો, માલધારીઓ, મકાન માલિકોને પારાવાર નુકસાન થયું હતું. તે માટે ગુજરાત સરકારે રૂ.૨૦૯૪.૯૨ કરોડની માંગણી કેન્દ્ર સરકાર સમક્ષ કરી હતી, જેમાં કોઈ રકમ આજ સુધી આપવામાં આવી નથી. હજીરા કોસ્ટ ગાર્ડ સ્ટેશન સ્થાપવા માટે મનમોહન સિંહની કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. પણ તેઓ વડાપ્રધાન બનતા જ તે ભૂલાઈ ગયું. ગુજરાત સરકારે પણ બે વર્ષમાં કોઈ માંગણી પણ કરી નથી. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ૧ જાન્યુઆરી ૨૦૦૯માં આજથી ૧૦ વર્ષ પહેલાં અમદાવાદના સાણંદ નજીક ટાટા મોટર્સને દર વર્ષે ૨,૫૦,૦૦૦ કારનું ઉત્પાદન કરવાનું હતું. પણ ૨૦૧૬માં ૧૧,૩૨૩, ૨૦૧૭માં ૩,૧૨૦ અને ૨૦૧૮માં માત્ર ૫૧૨ નેનો કારનું ઉત્પાદન થયું હતું. રાષ્ટ્રીય હીત માટે પોતાની જાતનું બલિદાન આપી દેનારા વ્યક્તિને રાજ્ય સરકારે છેલ્લાં ૨ વર્ષથી કોઈ પુરસ્કાર આપેલો નથી. ગુજરાતના ૧૧ મધ્યમ કક્ષાના અને ૨૦ નાના બંદરો પર સુરક્ષા અપૂરતી હોવા અંગે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને બે વર્ષમાં એક પણ રજૂઆત કે દરખાસ્ત કરીને સલામતી આપવાની માંગણી કરી નથી. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ માટેનું અનુદાન આપવા ૧૭ મે ૨૦૧૬માં માંગણી ગુજરાત સરકારે કરી હતી પણ કેન્દ્ર સરકારે સ્પષ્ટ રીતે કહી દીધું છે કે આવી કોઈ રકમ ૨૦૧૬માં ફાળવી શકાય તેમ નથી. ૨૦૧૩માં પણ આવો જ જવાબ કેન્દ્ર સરકારે આપી દીધો હતો. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે છાત્રાલય બનાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી છેલ્લા બે વર્ષથી કોઈ રકમ આપી નથી. લઘુમતીઓના વિકાસ માટે છેલ્લાં બે વર્ષમાં કેન્દ્ર સરકારે કોઈ રકમ આપી નથી. અહીં સૌનો વિકાસ જોવા મળતો નથી. જેલની સુધારણા માટે અગાઉની સરકારોએ કરોડો રૂપિયા આપ્યા હતા પણ છેલ્લા બે વર્ષથી ભાજપ સરકારે એક રૂપિયો પણ આપ્યો નથી, એ મોટો અન્યાય છે. પોલીસ બેડાનું આધુનિકીકરણ કરવા માટે રાષ્ટ્રીય કક્ષાએ મનમોહન સિંહની સરકારે રૂ.૭૮.૪૩ કરોડ ૨૦૧૩-૧૪માં ગુજરાતને આપ્યા હતા. પણ ભાજપ સરકાર આવ્યા પછી ૨૦૧૭-૧૮માં રૂ.૩૩ કરોડ, ૨૦૧૮-૧૯માં રૂ.૨૭ કરોડ આપ્યા હતા.