(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૭
ગુજરાત ભાજપમાં પણ ‘મી ટૂ’ જાહેર થતા હડકંપ મચી જવા પામ્યો છે. કચ્છના અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય સામે એક વિધવા મહિલા ‘#Me Too’ જાહેર કરી દિલ્હીમાં ફરિયાદ નોંધાવી છે. વિધવા મહિલાએ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સામે લાલચ આપી દુષ્કર્મ કર્યાની અને બિભત્સ ફોટા પાડી વારંવાર બ્લેકમેલ કરવા તથા અન્ય રાજકીય નેતાઓ વગેરેને હની ટ્રેપમાં ફસાવવાનું કામ કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે. અબસાડાના જ પૂર્વ ભાજપી ધારાસભ્ય જયંતિ ભાનુશાળી બાદ વધુ એક ધારાસભ્ય સામે આ પ્રકારની ફરિયાદ થતા ચર્ચા વ્યાપી જવા પામી છે. મહિલાએ એક પત્ર લખ્યો હતો. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, તેને એક એનજીઓ ખોલી આપવાની લાલચ આપી એક વ્યકિત છબિલ પટેલના ફ્લેટ પર લઈ ગયો હતો. મહિલા સાથે દુષ્કર્મ કર્યા બાદ તેના બિભત્સ ફોટા પાડવામાં આવ્યાં હતા. જેના કારણે મહિલાને વારંવાર બ્લેકમેઈલ કરવામાં આવતી હતી. નેતાઓના હનીટ્રેપ માટે મહિલાને વારંવાર છબિલ પટેલ દબાણ કરતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે છબિલ પટેલને એક સમાજિક સમારોહમાં મળી હતી. જ્યાં તેમણે કહ્યું હતું કે, હું મારી કમાણીના ૨૦ ટકા વિધવા મહિલા અને ગરીબ પરિવારમાં ખર્ચ કરૂં છું. છબિલ પટેલે મને પોતાની એનજીઓ બનાવી આપવાની વાત કરી અને તેના કામ અંગે મને તે અવાર-નવાર દિલ્હી લઈ આવતો હતો. ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૭ના દિવસે દિલ્હીના દ્વારકા સેક્ટરના એક અપાર્ટમેન્ટમાં તે મને લઈ ગયો હતો અને કહ્યું તું ફ્રેશ થઈ જા પછી આપણે જઈએ. ત્યારબાદ તેણે મને એક ચા પીવડાવી હતી જે પીધા બાદ હું બેભાન થઈ ગઈ હતી. રાતે તેણે મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને મારી ઘણી તસવીરો પાડી હતી. ત્યારબાદ મને ધમકાવીને કહ્યું હતું કે, હવે તું એજ કરીશ જે હું કહીશ. ત્યાર પછી તેણે મને બ્લેકમેઈલ કરીને ઘણીવાર મારી સાથે શારીરિક શોષણ કર્યું હતું. તેણે કહ્યું કે, હવે તારે બિઝનેસમેન અને રાજનેતાઓને હનીટ્રેપમાં ફસાવવાના છે. હું ઘણી જ ડરી ગઇ હતી. વિધવા મહિલા પાસેથી સાત લાખ રૂપિયા પડાવ્યા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. છબિલ પટેલ દ્વારા તેને અને તેના બાળકોને જાનથી મારી નાંખવાની ધમકી મળતી હોવાની પણ મહિલાએ વાત કરી છે. દિલ્હીની દ્વારકા પોલીસે મહિલાની રજૂઆતને પગલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ એક રાજકીય ષડયંત્ર, જો મારી તસવીર હોય તો મને ફાંસી આપી દો

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૭
ભાજપના પૂર્વ ધારાસભ્ય સામે વિધવા મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા રાજ્યમાં રાજકીય માહોલ ગરમાઈ જવા પામ્યો છે ત્યારે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે મહિલાની વાતો પાયાવિહોણી ગણાવી તેણીના આક્ષેપો ફગાવી દેતાં જણાવ્યું હતું કે, આ બધું મને બદનામ કરવાનું ષડયંત્ર છે. મહિલા સાથે મારી કોઈપણ તસવીર હોય તો મને ફાંસી આપી દો.
છબિલ પટેલે વધુમાં કહ્યું કે, ’આ એક પોલિટિકલ ષડયંત્ર છે રાજકીય એકબીજાના હરિફને પાડી દેવાની વાત છે બીજુ કંઇ જ નથી. મહિલાની મજબૂરીનો કોઇએ ફાયદો ઉઠાવીને આ ષડયંત્ર રચવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે કે હું ૧૭મી ફેબ્રુઆરીના દિવસે દિલ્હીમાં હતો તો આ આખી વાત જ વાહિયાત છે કારણ કે હું તે દિવસે મારી દીકરીનો જન્મદિવસ હતો તેથી અમે માંડવીમાં તેની ઉજવણી કરી રહ્યાં હતા. તે દિવસના મારી પાસે ફોટોગ્રાફ્સ પણ છે. તેમણે તપાસ કરાવવાનું કહેતા કહ્યું કે, ‘હું તે બહેનને ઓળખતો જ નથી. હું જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં દિલ્હી જ નથી ગયો. સત્ય બહાર લાવવા આમાં તપાસ થવી જોઈએ. ભાનુશાળી અંગે તેમણે જણાવ્યું કે, તે કેસમાં પણ પીડિતાના પતિએ કહ્યું હતું કે છબિલ પટેલે મને ધમકી આપી છે પરંતુ કયા છબિલ પટેલ તેની કોઇ સ્પષ્ટતા જ નથી કરી. મેં ત્યારે એવી માંગણી કરી કે તેનો નાર્કો ટેસ્ટ કરાવો ત્યારે તે ભાગી ગયા. ત્યારે પણ મેં કહ્યું હતું કે આમા પોલીસ તપાસ થવી જોઇએ. આ મહિલાની પાછળ પણ કોઇ હશે કારણ કે આ મહિલા ખોટી ફરિયાદ લઇને મીડિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ‘હજુ સુધી આ અંગે કોઇ એફઆઈઆર થઇ નથી, માત્ર ફરિયાદ થઇ છે. મહિલા ૧૫થી ૨૦ વકીલોની સાથે આ ફરિયાદ કરી છે એટલે તેમનું મોટું કારણ લાગે છે.’