(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૪
લોકસભાની ચૂંટણીને કારણે ગુજરાત વિધાનસભામાં દર વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ માસમાં રજૂ કરાતું બજેટ ચાલુ વર્ષે રજૂ કરાયું ન હતું પરંતુ જરૂરી ખર્ચા માટેનું લેખાનુદાન લઈ બજેટ પાસ કરવામાં આવ્યું હતું. હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા અને ર૩મીએ પરિણામો બાદ દિલ્હીમાં નવી સરકાર પણ રચાઈ જશે ત્યારબાદ જુલાઈ માસના રાજ્યના નાણાંમત્રી નીતિન પટેલ દ્વારા વર્ષ ર૦૧૯-ર૯નું પૂર્ણકક્ષાનું બજેટ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ બજેટ સત્રમાં વિરોધ પક્ષ રૂપાણી સરકારને પાણી, દુષ્કાળ, ખાતર કૌભાંડ દલિતો પણ હુમલા સહિતના વિવિધ મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરશે.
ગુજરાત વિધાનસભામાં દર વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ માસમાં બજેટ સત્ર મળતું હોય છે. જેમાં નવાવર્ષ માટે આવક અને ખર્ચના અંદાજો, અંદાજપત્રની માંગણીઓ, સરકારી કે બિનસરકારી વિધેયકો માટે સમય ફાળવવામાં આવે છે અને ચર્ચા કરવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની હોવાથી રાજ્ય સરકારે પૂર્ણ કદનું બજેટ રજૂ કરવાને બદલે ફેબ્રુઆરી માસમાં લેખાનુદાન લઈ જરૂરી ખર્ચા માટેનું બજેટ પાસ કર્યું હતું. જો કે હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે . ર૩મી મેએ પરિણામો પણ આવી જશે અને મેના અંત સુધીમાં નવી સરકાર પણ રચાઈ જશે. ત્યારબાદ જુલાઈ માસમાં ગુજરાત વિધાનસભામાં રાજ્યનું પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ બજેટ સત્ર જુલાઈના પ્રથમ સપ્તાહમાં મળશે જે ર૦થી ર૩ દિવસનું હશે. આ બજેટસત્ર દરમિયાન ૧ર દિવસ અંદાજપત્ર પરની માંગણીઓ પર ચર્ચા કરવા માટે ફાળવવામાં આવે તેવી શક્યતા છે જ્યારે ત્રણ દિવસ સરકારી વિધેયકો માટે ફાળવવામાં આવશે.