(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૯
લોકસભાની ચૂંટણી આ વર્ષે યોજાઈ રહી હોઈ કેન્દ્ર સરકારને અનુસરતા ગુજરાતની ભાજપ સરકારે પણ આજે વર્ષ ર૦૧૯-ર૦ માટે રૂા.૧,૯૧,૮૧૭ કરોડનું કદ ધરાવતું વચગાળાનું બજેટ વિધાનસભામાં રજૂ કરી ચાર માસ માટે રૂા.૬૪,રપપ કરોડનું વોટ ઓન એકાઉન્ટ માગ્યું હતું. એટલે કે એપ્રિલથી જુલાઈ સુધીના ચાર માસ માટે ગુજરાત સરકારના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે વિધાનસભા ગૃહમાં લેખાનુદાન (વોટ ઓન એકાઉન્ટ) રજૂ કર્યું હતું. ચૂંટણીને લઈ કેટલીક નામમાત્ર જાહેરાતો સાથે કોઈપણ જાતના નવા કરવેરા વિનાનું એક રીતે કહીએ તો ચૂંટણીલક્ષી બજેટ લાવવામાં આવ્યું છે. નવા બજેટમાં સરકાર દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં કુલ મળીને ૭પ ફલાયઓવર બનાવવા ઉપરાંત શહેરી બસ સર્વિસ માટે ૩૦૦ ઈલેકટ્રીક બસો સહિત ૭૦૦ બસો રાજયના ચાર મુખ્ય શહેરો માટે મંજૂર કરવામાં આવેલ છે. રાજય સરકાર દ્વારા રજૂ કરાયેલ બજેટમાં અર્થતંત્રના વૃધ્ધિદરમાં વધારા સાથે ઘરગથ્થુ ઉત્પાદન અને માથાદીઠ ચોખ્ખી આવકમાં વધારો દર્શાવવા સાથે આગામી વર્ષ ર૦૧૯-ર૦ના અંદાજમાં અગાઉના વર્ષોની જેમ પુરાંત અંદાજવામાં આવી છે, જે રૂા.૧ર,ર૪૧ કરોડ જેટલી જણાવાઈ છે. એટલે કે સરકાર દ્વારા પુરાંતવાળુ બજેટ રજૂ કરવાનો સિલસિલો જારી રાખવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વર્ષ ર૦૧૯-ર૦ માટેનું વચગાળાનું ૧,૯૧,૮૧૭ કરોડનું કદ ધરાવતું બજેટ રજૂ કરી તેમાં મહેસૂલી આવક (૧,૦૦,૧રપ કરોડ) જોતા ચૂંટણીને લઈ નવા કોઈ કરવેરા લાદયા નથી. ચૂંટણીને લઈ કેન્દ્ર સરકારે જે રીતે લેખાનુદાન લીધું તેમ ગુજરાત સરકારે પણ ચાર માસ માટે લેખાનુદાન લેવાનો નિર્ણય લીધો હતો. જેને પગલે આજે ગૃહમાં રૂા.૬૪,રપપ કરોડના ખર્ચનું લેખાનુદાન માંગવામાં આવ્યું હતું. સરકાર દ્વારા રજૂ કરાયેલ આ બજેટમાં કોઈ મોટી ખાસ જાહેરાત તો કરાઈ નથી. જો કે સરકારે માં વાત્સલ્ય યોજનામાં આવક મર્યાદા જે ૩ લાખની હતી, તે વધારીને રૂા.૪ લાખ સુધીની કરવાની જાહેરાત કરાઈ છે. સરકારના આ નિર્ણયથી અંદાજે વધુ ૧પ લાખ પરિવારોને લાભ થશે. આ ઉપરાંત સરકારે ‘માં’ અને ‘માં વાત્સલ્ય’ યોજનાના ૬૮ લાખ લાભાર્થીઓને ૩ લાખ રૂપિયાના બદલે આયુષ્યમાન ભારતની જેમ પ લાખ રૂપિયા સુધીનું સુરક્ષા કવચ પુરૂ પાડવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જયારે રાજયમાં હાલમાં ૩૭પ૧ આશા ફેસીલીટેટર બહેનો કાર્ય કરે છે. તેમને મળતા મહેનતાણામાં માસિક રૂા.ર૦૦૦નો વધારો કરવાના તથા નડિયાદ, વિસનગર અને અમરેલી ખાતે વધુ ત્રણ મેડિકલ કોલેજો શરૂ કરવાનું બજેટમાં ઠરાવાયું છે. તે સાથે વિધવા મહિલાઓના પેન્શનમાં રૂા.રપ૦નો વધારો કરી તેમાં પુખ્તવયના પુત્રની જે શરત હતી તે દૂર કરવાનું પણ ઠરાવ્યું છે. આ ઉપરાંત ખેડૂતોને એક સાથે સહાય મળી રહે તે માટે રૂા.પ૦૦ કરોડનું રિવોલ્વીંગ ફંડ ઉભુ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. તો ઓર્ગેનિક પોલિસી અંતર્ગત પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે ઓર્ગેનિક યુનિવર્સિટી સ્થાપવાનું પણ બજેટમાં દર્શાવાયું છે. માછીમારોને મદદરૂપ થવા સબસિડીમાં વધારો કરતા માછીમારોને બોટ માટે પ્રતિલીટર ડીઝલ રૂા.૧રના બદલે રૂા.૧પ પ્રતિલીટરની સબસિડી આપવાની જાહેરાત કરાઈ છે. એ જ રીતે માછીમારોને હાલ અપાતા રૂા.૧પ૦ના દૈનિક નિર્વાહ ભથ્થાને બમણુ કરી રૂા.૩૦૦ કરવાનું ઠરાવાયું છે.
આ સાથે નાણામંત્રીએ વર્ષ ર૦૧૭-૧૮ના હિસાબ રજૂ કરતા તેમાં અગાઉ અંદાજેલ રૂા.૧૦૧૧ કરોડની પુરાંત સામે વર્ષના અંતે માત્ર રૂા.૧૧ર કરોડની જ પુરાંત રહેવા પામી હતી. તો ર૦૧૮-૧૯ના અંદાજ પ્રમાણે અગાઉ સરકારે રૂા.૭૮૩ કરોડની પુરાંત દર્શાવી હતી તેમાં હવે સુધારો કરી વધારા સાથે ૧૩૭૪ કરોડની પુરાંત થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.

બજેટમાં સરકારે કરેલી મહત્ત્વપૂર્ણ જાહેરાતો

(સંવાદદતા દ્વારા) ગાંધીનગર,તા.૧૯
સરકારે આજે બજેટ દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. જેમાં એવી મહત્વપૂર્ણ જાહેરાતો પણ છે. જેનો સીધો લાભ સામાન્ય માણસને મળી શકે છે. કે આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ૧૫ દિવસમાં દરેક બાળકને બે યુનિફોર્મ મળશે. આ ઉપરાંત ૧ લાખથી વધુ આંગણવાડી અને તેડાઘરની બહેનોને ૬ સાડીઓ અપાશે.
૧. ધોલેરામાં વિશ્વનું સૌથી મોટું સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી બનશે
ર. ધોલેરા ખાતે ૫૦૦૦ મેગાવોટનો વિશ્વનો સૌથી મોટો પાવર પ્લાન્ટ બનાવીને રોજગારીની નવી તકોનું સર્જન કરવામાં આવશે
૩. “મા” અને “મા વાત્સલ્ય” યોજનાના ગુજરાતના ૬૮ લાખ લાભાર્થી પરિવારોને ૩ લાખના બદલે આયુષ્યમાન ભારતની જેમ ૫ લાખ રુપિયા સુધીનું સુરક્ષા કવચ
૪ આશા ફેસિલેટર બહેનોના મહેનતાણમાં ૨૦૦૦ રૂપિયાનો વધારો
૫. વિધવા પેંશન યોજનાની રકમ ૧૦૦૦ હતી, તે વધારીને ૧૨૫૦ કરાઈ.
૬. રાજયની ૫૩,૦૦૦થી વધુ આંગણવાડીઓમાં સેવા આપતી આંગણવાડી કાર્યકર બહેનોને માસિક વેતન રૂ. ૭૨૦૦ આપવામાં આવશે. તેમજ તેડાગર બહેનોને અત્યારે માસિક વેતન રૂ. ૩૨૦૦ આપવામાં આવે છે, તેમાં રૂ. ૪૫૦નો વધારો કરી માસિક રૂ. ૩૬૫૦ આપવામાં આવશે
૭. વલસાડ જિલ્લામાં નવું મત્સ્ય વિતરણ કેન્દ્ર બનાવશે.
૮. પાકિસ્તાન જેલમાં બંધ માછીમારોના પરિવારની સહાય વધારીને રૂા.૩૦૦ કરાઈ
૯. માછીમારોની ડીઝલ સબસીડી વધારીને રૂા.૧પ કરાઈ
૧૦. પંચમહાલના હાલોલ ઓર્ગેનિક યુનિવર્સિટીની સ્થાપના થશે.
૧૧. નર્મદા યોજના માટે રૂા.૬૯૪પ કરોડની વિશેષ જોગવાઈ
૧૨. ઉત્તર ગુજરાતના દુષ્કાળગ્રસ્ત અને ડાર્ક ઝોનમાં પાણી માટે રૂા.૮૩પ કરોડ
૧૩. રૂા.૬ર૩ કરોડના ખર્ચે સીપુ ડેમમાં પાઈપલાઈનની યોજના