અમદાવાદ, તા.૨૦
ગુજરાતમાં પણ ત્રાસવાદી હુમલા થઇ શકે છે તેવા આઈબીના રિપોર્ટ બાદ સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. તમામ શકમંદો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. ગુપ્તરીતે તપાસ પણ ચાલી રહી છે. તમામ મહત્વના સ્થળો ઉપર સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. વાહનોની ચકાસણી અને પેટ્રોલિંગની પ્રક્રિયા વધારે તીવ્ર કરવામાં આવી ચુકી છે. મોટા આતંકવાદી હુમલાને અંજામ આપવા માટે ચાર આતંકી ભારતમાં ઘૂસ્યા હોવાના સેન્ટ્રલ આઈબીના રિપોર્ટના આધારે દેશભરની સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. જેને પગલે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર સીલ કરી દેવાઈ છે અને સુરક્ષાનું લોખંડી અભેદ્ય કવચ ખડકી દેવાયું છે. એક અફઘાની આતંકવાદી પાસપોર્ટ-વિઝા સાથે ભારતમાં ઘૂસ્યો હોવાના સંદેશાના પગલે દેશભરના એરપોર્ટને એલર્ટ કરી દેવાયા છે. દેશભરમાં હાઈ અલર્ટ કરાયું છે તો ગુજરાત એટીએસે તમામ પોલીસને એલર્ટ કરી દીધી હતી અને આતંકવાદીનો સ્કેચ પણ દેશભરની તમામ સુરક્ષા એજન્સીઓને મોકલી દેવાયો છે. અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર રતનપુર ચેકપોસ્ટ પર રાજ્ય પોલીસવડાની સૂચનાના આધારે બે ચેક પોસ્ટ ઊભી કરી ઠેરઠેર ચેકીંગ પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે. બુલેટપ્રુફ જેકેટ સાથે એસઆરપી જવાન તૈનાત કરાયા છે. જ્યારે બનાસકાંઠાની રાજસ્થાન સરહદે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પણ સુરક્ષા વધારી દેવાઇ છે. અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર એસઆરપીના ૩૦ જવાનો, ૧ એસઆરપી પીએસઆઇ જયારે ૧૦ પોલીસ જવાનોને બુલેટપ્રુફ જેકેટ સાથે તૈનાત કરી દેવામાં આવ્યા છે. જ્યારે કચ્છના લખપત તાલુકાના ઘડુલી ગામે આવેલી બોર્ડર પર પોલીસ સહિત એસઆરપીના જવાનો દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત ચેકપોસ્ટ ઊભી કરી વાહનોનું પણ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ વિશે વાત કરતા અમદાવાદ એસઓજીના એસીપી બી. સી. સોલંકીએ જણાવ્યું હતું કે, ચાર અફઘાની આતંકવાદી ભારતમાં ઘૂસ્યા હોવાનો મેસેજ હતો, પરંતુ ખરેખર એક જ આતંકવાદી હોવાની સ્પષ્ટતા થઈ છે. આતંકવાદી ભારતમાં ઘૂસ્યો હોવાનો મેસેજ દેશભરની તમામ એજન્સીઓને આપવામાં આવ્યો હતો, જેના આધારે દેશભરના તમામ એરપોર્ટ પર આ અફઘાની નાગરિકનો સ્કેચ મોકલી દેવાયો હતો. આ સાથે તમામ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા હોટેલ, ગેસ્ટહાઉસોનું પણ સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જો કે, આ અફઘાની આતંકવાદી મોટો હુમલો કરવા માટે જાહેર તેમ જ ભીડભાડવાળા સ્થળની પસંદગી કરે તેમ હોવાથી તમામ જાહેર અને ભીડભાડવાળા સ્થળોની સુરક્ષા વધારી દેવાઈ છે. આ ઉપરાંત ગુજરાત સહિત દેશભરનાં તમામ ધાર્મિક સ્થળોની સુરક્ષા પણ વધારી દેવાઈ છે. અલબત્ત, હજુ સુધી આવી કોઈ શંકાસ્પદ વ્યક્તિ ગુજરાતમાં જણાઇ નથી પરંતુ તમામ સુરક્ષા એજન્સીઓ હાઇએલર્ટ પર છે.