નવી દિલ્હી, તા. ૮
ગુજરાતમાંથી રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણીમાં ભારે ઉહાપોહ વચ્ચે જેડીયુમાં પણ ધ્રૂજારી અનુભવાઇ છે જેમાં ચૂંટણી માટે પોલિંગ એજન્ટની એકપક્ષીય નિમણૂંક કર્યા બાદ નીતિશ કુમારે અરૂણ શ્રીવાસ્તવને તેમના મહાસચિવ પદેથી હાંકી કાઢ્યા છે. શ્રીવાસ્તવ શરદ યાદવ જૂથના માનવામાં આવે છે અને શરદ યાદવ જ્યારથી નીતિશકુમાર એનડીએમાં જોડાયા છે ત્યારથી તેમનાથી નારાજ ચાલી રહ્યા છે. પાર્ટીના મહાસચિવ અને પ્રવક્તા કેસી ત્યાગી દ્વારા બહાર પડાયેલા પત્ર બાદ શ્રીવાસ્તવ દ્વારા પોલિંગ એજન્ટની નિમણૂંક કરવામાં આવી હતી જેને પાર્ટીના શિસ્તનો ગંભીર ભંગ માનવામાં આવે છે અને તેનાથી જ તેમની હકાલપટ્ટી કરવામાં આવી હોય તેમ માનવામાં આવે છે.શ્રીવાસ્તવને સંબોેધીને કેસી ત્યાગી દ્વારા લખવામાં આવેલા પત્રની અંગત વાતચીત અનુસાર પાર્ટી અધ્યક્ષ અનુસાર તમને આવી કોઇ નિમણૂંક કરવાનો કોઇ અધિકાર નથી. આ કામ ફક્ત પાર્ટી વિરોધી જ નહીં પરંતુ શિસ્ત ભંગનું પણ છે તેમ ત્યાગીએ પોતાના પત્રમાં જણાવ્યું હતું. ભાજપ સાથે જોડાણ મામલે પક્ષમાં ઊભી થયેલી તંગદિલીમાં આ હકાલપટ્ટીને ધ્યાને રાખી શરદ યાદવે ત્રણ દિવસ માટે બિહાર જવાની જાહેરાત કરી હતી.