(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૬
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની તાજપોશી બાદ ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઇ જરૂરી ચર્ચા વિચારણા કરવા માટે દિલ્હી પહોંચ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીની ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથેની આ પહેલી બેઠક છે. બેઠકમાં ગુજરાતની વિધાનસભા ચૂંટણીને લઇ તાજેતરમાં આવેલા એકઝીટ પોલ, ગુજરાત કોંગ્રેસ દ્વારા ગઇકાલે પરિણામોને લઇ કરાયેલી સમિક્ષા-મૂલ્યાંકન બેઠકના સાર, જો એકઝીટ પોલ સાચા પડે તો કોંગ્રેસને મળનારા જોરદાર ઝટકામાંથી પક્ષને કેવી રીતે બહાર કાઢવો અને પક્ષની નવી રણનીતિ સહિતના મહત્વના મુદ્દાઓ પરત્વે વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસે ખરેખર છેલ્લા ૨૨ વર્ષોથી એકહથ્થુ શાસન ભોગવનાર ભાજપને જોરદાર લડત આપી હતી. આ વખતે કોંગ્રેસ પાસે ચૂંટણીમાં ભાજપને ઘેરવાના પણ અનેક મુદ્દાઓ હતા. ખુદ કોંગ્રેસના રાષ્ટ્રીય યુવા નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં પક્ષના પ્રચાર-પ્રસારની બાગડોર સંભાળી હતી. રાહુલ ગાંધીએ છેલ્લા ત્રણ મહિનામાં રાજયભરમાં ૩૦થી વધુ જાહેરસભાઓ અને હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી કોંગ્રેસ તરફી લોકજુવાળ ઉભો કરવાનો જોરદાર પ્રયાસો કર્યો હતો. એટલું જ નહી, નોટબંધી, જીએસટી, બેરોજગારી, મોંઘા શિક્ષણ, ખેડૂતોની કફોડી હાલત, મહિલાઓની અસુરક્ષા, નર્મદા યોજના સહિતના અનેકવિધ મુદ્દાઓ પર ભાજપ અને મોદી સરકાર પર આકરા પ્રહારો કરી ભાજપની પોલ ખોલી હતી. રાહુલ ગાંધીએ ગુજરાતના મહત્વના મંદિરોમાં દર્શન અને પૂજા-અર્ચના કરી સોફ્ટ હિન્દુત્વનું કાર્ડ ખેલીને પણ મતદારોનો ઝોક મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે આ વખતની ચૂંટણી વખતે રાહુલ ગાંધીને ગુજરાતભરમાં અભૂતપૂર્વ અને પ્રચંડ લોક પ્રતિસાદ મળ્યો હતો. જે જોઇને ખુદ ભાજપ પણ એક તબક્કે ચોંકી ઉઠી હતી. જો કે, બંને તબક્કાના મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સૌકોઇની નજર ચૂંટણીના પરિણામો પર મંડાઇ છે. ખાસ કરીને તાજેતરમાં એકઝીટ પોલના તારણોમાં જે પ્રકારે ભાજપને વિજયી ઘોષિત કરાઇ રહી છે તેને લઇને કોંગ્રેસમાં પણ આંતરિક ચિંતા વધી છે, કારણ કે, આ વખતે કોંગ્રેસને ભારે આશા હતી કે, જે પ્રકારે લોકોનો પ્રચંડ જનપ્રતિસાદ તેને સાંપડયો હતો તે જોતાં મોટાભાગના પરિણામો તેની તરફેણમાં હશે. જેને પગલે કોંગ્રેસે ગઇકાલે સ્થાનિક નેતાઓ અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો-પદાધિકારીઓ અને હોદ્દેદારોની તાબડતોબ બેઠક બોલાવી હતી અને પરિણામોને લઇ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી કયાસ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. બીજીબાજુ, આજે રાહુલ ગાંધીની દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તાજપોશી થઇ ગયા બાદ તેમને શુભેચ્છા પાઠવવા અને ગુજરાતના પરિણામોને લઇ કરેલા સમિક્ષા મૂલ્યાંકનની સ્થિતિની ચર્ચા કરવા અને વાતાવરણ સમજાવવા માટે ગુજરાતના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, શકિતસિંહ ગોહિલ સહિતના નેતાઓ આજે સાંજે દિલ્હી રાહુલને મળવા પહોંચ્યા હતા. રાહુલ સાથેની બેઠકમાં એકઝીટ પોલના તારણો, સમીક્ષા બેઠકના સાર, પક્ષની આગળની રણનીતિ અને પરિણામોની અસર અથવા તો પ્રત્યાઘાત સહિતના અનેકવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા હાથ ધરી હતી.