(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૧
તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલી રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ પ્રત્યે વફાદારી દાખવી ૪૩ ધારાસભ્યોએ અહમદ પટેલને જીતાડવામાં સિંહફાળો આપ્યો હતો. કોંગ્રેસના આ ૪૩ ધારાસભ્યોની વફાદારીની કદરરૂપે અહમદ પટેલે તેઓને આપેલા વચન મુજબ આજરોજ તમામ ધારાસભ્યોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને અહમદ પટેલ, અશોક ગેહલોત વગેરે સાથે ભાવતા ભોજન આરોગ્યા હતા. રાજયસભાની ચૂંટણીમાં પોતાને વિજયી બનાવવા બદલ જીતબાદ બીજા જ દિવસે ગાંધીનગર ખાતે મળેલી મીટિંગમાં અહમદ પટેલે તમામ ધારાસભ્યોનો આભાર માન્યો હતો, અને સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી સાથે મુલાકાત અને સાથે ભોજન કરીશું નું વચન આપ્યું હતું જે તેમણે નીભાવ્યું હતું. જેના ભાગરૂપે ર૦મીએ રાત્રે તમામ ધારાસભ્યો દિલ્હી જવા રવાના થયા હતા અને રાત્રીરોકાણ ગુજરાત ભવન ખાતે કર્યા બાદ આજે બપોરે તમામ ધારાસભ્યો શકિતસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયાની આગેવાનીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળ્યા હતા. તેમની સાથે અહમદ પટેલ અને પ્રભારી અશોક ગેહલોત પણ હાજર રહ્યા હતા. મુલાકાત અને ભોજન બાદ તમામ ધારાસભ્યો સાથે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમ્યાન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ અહમદ પટેલને જીત અપાવવા બદલ તમામ ધારાસભ્યોનો આભાર માન્યો હતો અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય કઈ રીતે અપાવવો. ટિકિટ વહેંચણી કઈ રીતે કરવી ? સંગઠનની સ્થિતિ, શંકરસિંહ વાઘેલા ફેકટર સહિત વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી. બેઠક દરમ્યાન કોંગ્રેસ પક્ષ પ્રત્યે વફાદારી રાખનાર તમામ ધારાસભ્યોને રિપીટ કરવામાં આવશે. તેવી પણ ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે. દરમ્યાન આજે અહમદ પટેલનો જન્મ દિવસ હોવાથી કોંગ્રેસના તમામ ૪૩ ધારાસભ્યો અને આગેવાનોએ અહમદ પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને કેક કાપી એક બીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું. હવે આવતીકાલે દિવસભર દિલ્હીમાં મળ્યા બાદ બે સિવાયના તમામ ધારાસભ્યો તિરૂપતિ જવા રવાના થશે. ર૩મીએ તિરૂપતિના દર્શન કરી એ જ રાત્રે અમદાવાદ આવવા રવાના થશે.