(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૮
કોંગ્રેસ હાઈકમાન્ડ અને પક્ષના કેટલાક નેતાઓથી નારાજ વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા આજરોજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને દિલ્હી ખાતે મળ્યા બાદ પોતાના મનની વાત કહી હૈયાવરાળ ઠાલવી સંતુષ્ઠ થયા છે. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત સાથે પણ રાહુલ ગાંધીએ મુલાકાત કરી તેઓને સાંભળતાં હવે રાહુલ ગાંધી શું નિર્ણય કરશે તેના પર શંકરસિંહ વાઘેલા સહિત પક્ષના નેતાઓ અને કાર્યકરોની નજર મંડાયેલી છે.
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને રાહુલ ગાંધી વચ્ચે લગભગ ૪પ મિનિટ સુધી ચર્ચા થઈ હતી. ત્યાર બાદ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી રાહુલ ગાંધીને મળ્યા હતા અને બંને વચ્ચે લગભગ રપ મિનિટ ચર્ચા થઈ હતી અને છેલ્લે રાહુલ ગાંધીએ પ્રભારી અશોક ગેહલોત સાથે ૪૦ મિનિટ સુધી ચર્ચા વિચારણા કરી હતી. આમ દરેક નેતાઓએ તેમની રજૂઆતો,હૈયાવરાળ કે મન કી બાત રાહુલ ગાંધી સમક્ષ ઠાલવી દીધી છે. હવે રાહુલ ગાંધી શું નિર્ણય કરે છે તેનો નિર્ણય ટૂંક સમયમાં જાહેર કરાશે તેમ મનાય છે. જો કે ફેસરીડીંગના માહિર જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીને મળીને બહાર આવ્યા બાદ શંકરસિંહ વાઘેલા તેમના અસલ મિજાજમાં ખુશખુશાલ ન હતા કે ચહેરા પર નારાજગી પણ વર્તાતી ન હતી. તેમણે તેમના અંગત સમર્થકોને હસતાં હસતાં એટલું જણાવ્યું હતું કે આપણે નિરાંતે વાતચીત કરીશું તેના પરથી બાપુની વાત માનવા રાહુલ ગાંધીએ સો ટકા ખાતરી આપવાનું ટાળ્યું હશે તેમ મનાય છે. જયારે ભરતસિંહ સોલંકી રાહુલ ગાંધીને મળ્યા બાદ ખુશખુશાલ જણાતા હતા. એટલે કે આ મુલાકાત તેમના માટે ફળદાયી અને જીવતદાન સમાન નિવડી હોવાનું અનુમાન છે. રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા મુજબ કોંગ્રેસ હાઈકમાન્ડ પ્રદેશ પ્રમુખ ઉપરાંત ચાર ઝોનના ચાર એકિંટગ પ્રમુખો નિમવાની પણ શકયતા વ્યકત થઈ રહી છે.
જયારે રાહુલ ગાંધીને છેલ્લે મળવા પહોંચેલા અશોક ગેહલોતે રાહુલ ગાંધીને ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ, બાપુની નારાજગી, કોંગ્રેસની પ્રતિષ્ઠા, સંગઠનમાં નિમણૂક રાજકીય માહોલ, સહિત પક્ષમાં અંદરખાતે ચાલતી ગતિવિધિ અંગે વાકેફ કર્યા હતા. આમ બાપુએ, ભરતસિંહે અને અશોક ગેહલોતે રાહુલ ગાંધીને પોતપોતાની વાત રજૂ કરી દીધી છે હવે રાહુલ ગાંધી શું નિર્ણય લેશે તેના પર કોંગ્રેસ તો ઠીક ભાજપના આગેવાનોની પણ નજર મંડરાયેલી છે.
રાહુલ ગાંધી સાથે સારા વાતાવરણમાં ચર્ચા થઈ

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળીને અમદાવાદ પહોંચેલા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અમદાવાદ આવી પહોંચ્યા હતા. ત્યારે પત્રકારો સાથે અનૌપચારિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી સાથે ખૂબ જ સારા વાતાવરણમાં ચર્ચા થઈ હતી. ખાસ કરીને પક્ષ અને સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા થઈ હતી. તેમણે હાલ વધુ વિગતે વાત કરવાનું ટાળ્યું હતું પરંતુ એટલો ઈશારો કર્યો હતો કે બે દિવસ બાદ મીડિયાને બોલાવી વિગતે ચર્ચા કરીશ એમ જણાવ્યુ હતું.