ભૂજ, તા.૧૩
ગુજરાતમાં વિધાનસભાની આ ચૂંટણીમાં કચ્છમાં ભાજપને કારમી પછડાટ આપવા પાટીદાર અનામત આંદોલનના અગ્રણી હાર્દિક પટેલે પાટીદારો અને અન્ય સમાજને અપીલ કરી હતી.
કચ્છમાં માંડવી વિધાનસભા ક્ષેત્રમાં આવતા માંડવી તાલુકાના રાજપર ગામે હાર્દિક પટેલે ગત રાત્રે એક ભરચક જાહેરસભાને સંબોધન કર્યું હતું. તેણે આ વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપની શાન ઠેકાણે લાવી દેવા માટે ર૦ લોકોને અને પાટીદારોને અપીલ કરી હતી. વધુમાં તેણે જણાવ્યું હતું કે ભાજપ શાસનમાં પાટીદારો, ખેડૂતો અને દલિતો ઉપર અત્યાચાર વધ્યા છે. આમ પ્રજાને કનડગત થઈ રહી છે ત્યારે ભાજપના આ ત્રસ્ત શાસન સામે વિપક્ષ તરીકે કોંગ્રેસ મુદ્દો ઉઠાવતી હોય તો કોંગ્રેસને અમે એ બાબતે ટેકો આપીએ છીએ. કારણ કે ગુજરાત એ કંઈ ભાજપની જાગીર નથી કે તેમનો વિરોધ અમારે કરવો જ નહિ… ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા ખેડૂતોને ખોટી રીતે દંડવામાં આવે છે. ખોટા કેસ કરી ફોજદારી પગલા ભરાય છે. નલિયાકાંડમાં મુખ્ય ફરિયાદી ભોગ બનેલ યુવતીની ફરિયાદ નોંધવામાં બે અઢી મહિના લાગ્યા હતા પરંતુ નિર્દોષ ખેડૂતો ઉપર તરત જ ફરિયાદ નોંધાઈ જાય છે !
ગુજરાતમાં ભાજપનું શાસન હવે ફાટીને ધુમાડે ગયું છે. ત્યારે ભાજપની શાન ઠેકાણે લાવવા આ વિધાનસભા ચૂંટણીમાં કચ્છમાં ભાજપને ઠેકાણે પાડી દેવાનો મોકો આવ્યો છે તેવી અપીલ કરવાની સાથે હાર્દિક પટેલે જણાવ્યું કે તે હજુ પણ આગામી દિવસોમાં કચ્છ આવશે.
દરમ્યાન હાર્દિક પટેલે ભૂજ ખાતે સ્વામિનારાયણ મંદિર અને વાંઢાય ખાતે ઉમિયા માતા મંદિરે પહોંચી દર્શન કર્યા હતા.