(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૨
રાજ્યના ર૪ જેટલા જિલ્લાઓના કેટલાક વિસ્તારમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ ઊભો થવા જઈ રહ્યો છે. જિલ્લા-તાલુકા પંચાયતોની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીનો કાર્યક્રમ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે જારી કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ મુજબ અમદાવાદ-પોરબંદર જિલ્લા પંચાયતની ખાલી પડેલી ત્રણ બેઠકો અને વિવિધ તાલુકા પંચાયતોની ખાલી પડેલી ૪૧ બેઠકોની પેટાચૂંટણી તા. ર૯મી ડિસેમ્બરે યોજવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ ફરી જોવા મળશે. જેમાં અમદાવાદ જિલ્લા પંચાયતની હેબતપુર તથા શિયાળ એમ બે બેઠકો અને પોરબંદર જિલ્લા પંચાયતની રાણાકંડોરણા-૧ બેઠક મળી ખાલી પડેલી કુલ ત્રણ બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે. આ સાથે રાજ્યના રર જિલ્લાની વિવિધ ૩૧ તાલુકા પંચાયતોની ખાલી પડેલી કુલ ૪૧ બેઠકોની પેટાચૂંટણી પણ ર૯મી ડિસેમ્બરે યોજવાનું નિર્ધારિત કરાયું છે. જેમાં સૌથી વધુ પાટણ જિલ્લાની ત્રણ તાલુકા પંચાયતોમાં ચાણસ્માની છ બેઠકો તથા હારીજ અને સિદ્ધપુર તાલુકા પંચાયતોની એક-એક મળી કુલ આઠ બેઠકો સામેલ છે. આમ, જિલ્લા-તાલુકા પંચાયતોની કુલ મળીને ૪૪ બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરેલ કાર્યક્રમ મુજબ ચૂંટણી અંગેનું સત્તાવાર જાહેરનામું તા.૯મી ડિસેમ્બરે પ્રસિદ્ધ થશે એટલે તે દિવસથી જ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો પ્રારંભ થશે. ઉમેદવારી પત્રકો ભરવાની અંતિમતિથિ ૧૪ ડિસેમ્બર રાખવામાં આવી છે. ઉમેદવારી પત્રકોની ચકાસણી ૧૬ ડિસેમ્બરે અને ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ ૧૭ ડિસેમ્બર નિર્ધારિત કરવામાં આવી છે. પેટાચૂંટણી માટે તા.ર૯ ડિસેમ્બર રવિવારે સવારે ૮ઃ૦૦થી સાંજે પઃ૦૦ વાગ્યા સુધી મતદાન યોજાશે, તે પાછી ૩૧મી ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી આયોગે કાર્યક્રમ જાહેરાત કરતા આ પેટાચૂંટણીવાળા વિસ્તારોમાં આદર્શ ચૂંટણી આચારસંહિતા આજથી અમલમાં આવી જવા પામી છે. આ ચૂંટણીમાં પણ ઈવીએમ મશીનનો ઉપયોગ કરાશે, તેમજ ઉમેદવારોને લઈ નોટાનો ઉપયોગ મતદારો કરી શકશે તેમ વધુમાં આયોગની યાદીમાં જણાવાયું છે.