(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બહુ ઓછા મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી અને આ થોડા ઉમેદવારોને પણ તેમના સમુદાયના બધા મતો મળ્યા નહોતા. ગુજરાતમાં મુસ્લિમોની વસ્તી ૯.૬૭ ટકા છે પરંતુ મુસ્લિમ ઉમેદવારોને ૨૦૧૨માં મળેલા કુલ વોટના ફક્ત ૨.૩૭ ટકા જ વોટ મળ્યા. સરેરાશ વોટની વાત કરીએ તો કોઈ મુસ્લિમ ઉમેદવારને સરેરાશ ૩,૩૯૪ વોટ મળ્યા હતા ત્યારે બિનમુસ્લિમ ઉમેદવારોને તેમનાથી છ ગણા ૧૮,૧૫૮ વોટ મળ્યા હતા. મુસ્લિમ ઉમેદવારોને કોંગ્રેસનો ટેકો મળ્યો ત્યારે તો આ વોટ વચ્ચેની ગેપ ખૂબ પાતળી બની. ૨૦૧૨ની ચૂંટણીમાં કોંગ્રેસના સાત મુસ્લિમ ઉમેદવારોને સરેરાશ ૫૭,૯૩૦ વોટ મળ્યા હતા જ્યારે બાકીના ૧૬૯ ઉમેદવારોને ૬૦,૭૬૪ વોટ મળ્યા હતા. આનું એક કારણ એવું છે કે આ વોટનો દાવો કરવા માટે થોડા મુસ્લિમ ઉમેદવારો હાજર હતા તેમાં બિન-મુસ્લિમોએ ધાર્મિક આધારે વોટ આપ્યા હતા તે હકીકત છે. સામાજિક કાર્યકરો એવું કહી રહ્યા છે કે ગુજરાતમાં કોમવાદની ઉપરાંત સામુદાયિક નેતાઓની વિરૂદ્ધમાં એક પ્રકારનો ગુસ્સો પ્રવર્તી રહ્યો છે તેઓ તેમની જાતને પ્રસ્તૂત બનાવવા માટે નિષ્ફળ નિવડ્યા છે. ગુજરાત સ્થિત સામાજિક કાર્યકર ઝકીરા સોમને કહ્યું કે મુસ્લિમોને પણ આશા અપેક્ષા હોય છે અને સમાજની હાલની રાજકીય નેતાગીરીએ આ આશાએ ખરી ઉતરી નથી. આ નેતાગીરી જેવી જોઈએ તેવી રીતે સમાજના મુદ્દાઓને ઉઠાવવામાં રાજકીય પ્રણાલીમાં સામેલ થઈ શકી નથી. આ એક કારણ છે કે, શા માટે સમાજના નેતાઓ તેના નેતાઓની પાછળ ખડે ઊભા નથી. ૨૦૧૨ની ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારોનો દેખાવ ૨૦૦૨ અને ૨૦૦૭ કરતાં થોડો સારો હતો. જ્યારે તેમને કુલ વોટના ૧.૪૦ ટકા અને ૧.૮૯ ટકા વોટ મળ્યા હતા.