(એજન્સી) તા.૧૧
છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતમાં જેનું શાસન છે એવા ભાજપ માટે આ ચૂંટણીમાં મુશ્કેલ સ્થિતિ છે એવી વાત ભાજપના કોઇ કાર્યકર દરરોજ કરશે એવું કદાચ સાંભળવા નહીં મળે પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં પણ જે વાત જોવા મળી રહી છે તેના પરથી એવો નિર્દેશ મળે છે કે રાજ્યમાં ભાજપ પ્રત્યે અસંતોષ પ્રવર્તે છે. ભાજપના ઘણા લાંબા સમયથી કાર્યકર રહેલા દીક્ષિત પટેલને એ વાતની ચિંતા છે કે પાટીદાર સમુદાયમાં ભારે આક્રોશનો ચરુ ઉકળી રહ્યો છે અને પક્ષ માટે તે મુશ્કેલી સર્જી શકે છે. મહેસાણા જિલ્લામાં પણ સાત મતક્ષેત્રોમાં આવો જ માહોલ જોવા મળે છે. મહેસાણા અને વડનગર આમ તો મહેસાણા જિલ્લામાં આવે છે પરંતુ વડનગર ઉંઝા મતક્ષેત્ર હેઠળ છે. મહેસાણા શહેર અલગ મત વિસ્તાર છે. ભાજપના કાર્યકરોને એવી દહેશત છે કે પાટીદારોનો આક્રોશ ભાજપની શક્યતાઓમાં ગાબડાં પાડી શકે છે.
તેઓ યાદ કરતા જણાવે છે કે તેની શરૂઆત મહેસાણાથી થઇ હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના વડા હાર્દિક પટેલના વડપણ હેઠળ પાટીદાર આંદોલનનું એપીસેન્ટર મહેસાણા રહ્યંુ છે. આ આંદોલને હિંસક વળાંક લેતાં તેમાં કેટલાક લોકોનાં મોત થયા હતા. પાટીદાર નેતાઓને જેલ થઇ હતી અને રાજ્ય સરકારે પાટીદાર સમુદાય માટે અનામત ક્વોટાની માગણી પર આંખ આડા કાન કર્યા હતા. આજે કદાચ આ આગ બુઝાઇ ગઇ હશે પરંતુ સ્થિતિ હજુ ભારેલા અગ્નિ જેવી છે.
પાટીદાર આંદોલનના એપીસેન્ટર મહેસાણા ભાજપ માટે ચિંતાજનક છે. આ વિસ્તારના મોટા ભાગના ભાજપના પદાધિકારીઓ પાટીદારો છે તે પછી વડનગરના દીક્ષિત હોય કે મહેસાણા સીટીના ફાલ્ગુન પટેલ હોય પરંતુ તેમનામાં ભાજપના ચૂંટણી ભાવિ અંગે ચિંતા સ્પષ્ટપણે વર્તાઇ રહી છે. ભાજપે મહેસાણામાં કોંગ્રેસના જીવાભાઇ પટેલ સામે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને ચૂંટણીમાં ઉતાર્યા છે. મહેસાણા બેઠક પર ૨.૫૭ લાખ મતદારો છે જેમાંથી ૫૨૦૦૦ મતદારો પાટીદાર છે.
આથી ભાજપ હવે ઠાકોરો (આશરે ૪૦૦૦૦), પ્રજાપતિ (આશરે ૨૬૦૦૦) અને ચૌધરી (આશરે ૧૭૦૦૦) જેવા ઓબીસી સમુદાય પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આમ તો ઠાકોરો કોંગ્રેસના પરંપરાગત મતદારો છે પરંતુ આ વખતે ઓબીસી ભાજપ તરફ ઝૂકશે એવી અમને આશા છે.