(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
પાકિસ્તાન ગુજરાતની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અને મણીશંકર ઐયરના ઘેર પાકિસ્તાની ઉચ્ચાયુક્તની બેઠક મળી હતી તેવા વડાપ્રધાન મોદીના ચોંકાવનાર દાવા ઉગ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી છે. ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુખ્ય જંગ ખેલાઈ રહ્યો છે ત્યારે મોદીના આક્ષેપ પર કોણે શું કહ્યું છે.
મનમોહનસિંહ, પૂર્વ વડાપ્રધાન : ગુજરાત ચૂંટણીમાં વડાપ્રધાન મોદી દ્વારા જે રીતના જુઠાણાઓ અને અફવા ફેલાવવામાં આવી રહી છે તે જોઈને મને અત્યંત દુખ અને ચિંતાની લાગણી થઈ. ફક્ત રાજકીય લાભ લેવા માટે આવા પ્રકારાની વાતો કહેવામાં આવી રહી છે. ગુજરાતમાં હારની બીકે વડાપ્રધાન મોદી અપશબ્દોનો સહારો લઈ રહ્યાં છે અને ડૂબતો તણખલું પકડે તે રીતનો વ્યવહાર કરી રહ્યાં છે.
રાહુલ ગાંધી, કોંગ્રેસ ઉપાધ્યક્ષ :
મોદીને જવાબ આપતાં રાહુલ ગાંધીએ આજની ચૂંટણી સભામાં કહ્યું કે મોદી જાપાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, વિશે વાતો કરી રહ્યાં છે પરંતુ આ ગુજરાતની ચૂંટણી છે અને થોડું ગુજરાત વિશે પણ બોલો તો ખરા. રાહુલે કહ્યું કે તમે કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરી રહ્યાં છો તો પછી શા માટે ભાષણમાં કોંગ્રેસને વધારે મહત્વ આપી રહ્યાં છો.
પી.ચિદંબરમ, કોંગ્રેસ : પૂર્વ નાણા મંત્રી પી.ચિદંબરમે ટ્‌વીટ કરતાં કહ્યું શું ચૂંટણી જીતવી એટલી બધી જરૂરી છે કે પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિની સામે આક્ષેપો કરવા જરૂરી લાગે છે ? તેમણે કહ્યું કે છેલ્લા થોડા દિવસનો ભાજપનો પ્રચાર વિચિત્ર બની રહ્યો છે શું ફક્ત ચૂંટણી જીતવા માટે કોઈ રાજકીય પાર્ટીએ આ હદે જવું જોઈએ.
આનંદ શર્મા, કોંગ્રેસ : ગુજરાતમાં હાર ભાળી ગયેલા વડાપ્રધાન મોદી લોકોનું ધ્યાન ભટકાવવા માંગે છે. મોદીએ તેમના શબ્દો પાછા ખેંચવા જોઈએ અને વડાપ્રધાનના હોદ્દાને છાજે તેવું વર્તન કરવું જોઈએ. તેમણે કહ્યું કે વડાપ્રધાને તેમના ભાષણમાં સંમય રાખીને હોદ્દાને છાજે તેવું રીતનું વર્તન કરવું જોઈએ તેવી આશા છે.
શિવસેના : શિવસેનાએ પણ તેના મુખપત્ર સામનામાં મોદીની ટીકા કરતાં લખ્યું કે મોદીએ વિકાસ અને પ્રગતિના મુદ્દાઓની વાત કરવાને બદલે જુનો-પુરાણો ગુજરાત રાગ આલાપ્યો. તેમણે મહત્વના મુદ્દાઓની ઉપેક્ષા કરીને તુતુ.. મેં મે ની હદે ઉતરી ગયાં. શિવસેનાએ નીચ ટીપ્પણી પર મોદીના જવાબની પણ ટીકા કરી. સેનાએ કહ્યું કે આવું બયાન કરીને મોદીએ પોતાની જાતને નાની કરી છે. અમને હમેંશથી માનતા આવ્યાં છીએ કે મોદીએ દેશના લોકોના ગોરવ માટે ખડાં છે પરંતુ તેઓ ગુજરાત પર અટકી પડ્યાં છે.
શત્રુઘ્ન સિંહા, ભાજપ સાંસદ : ભાજપના અસંતુષ્ટ સાંસદ શત્રુઘ્ન સિંહાએ મોદીના આક્ષેપને અકલ્પનીય ગણાવ્યો. તેમણે કહ્યું કે ફક્ત ચૂંટણી જીતવા માટે દરરોજ નવી નવી કહાનીઓ લઈને વિપક્ષ પર હુમલો કરવો યોગ્ય નથી. કોઈ પણ રીતે ચૂંટણી જીતવા માટે તમે રાજકીય વિરોધીઓની સામે દરરોજ નીતનવી કહાનીઓ લઈને આવી રહ્યાં છે જે અવિશ્વસનીય છે.