(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૩
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આવતીકાલે યોજાવાનું હોઈ ચૂંટણીપંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બીજા તબક્કામાં વિધાનસભાની ૯૩ બેઠકો માટે ૮પ૧ ઉમેદવારોએ છેક સુધી ભારે લડત આપવા જબરદસ્ત પ્રચાર જારી રાખ્યો હતો. જેમાં ગત સાંજથી આજની મતદાન પૂર્વેની આખરી કતલની રાતમાં બધા પાસા પોતાની ફેવરમાં કરવા ઘણા ઉમેદવારો દ્વારા મરણિયા પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. સમગ્ર દેશની જેના પર નજર છે તેવી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે હાઈવોલ્ટેજ જંગનો આવતીકાલે આખરી તબક્કો હોઈ લોકોમાં ભારે ઉત્સાહ છે. પોલીસ સહિતના કડક બંદોબસ્ત હેઠળ આવતીકાલે સવારે ૮ઃ૦૦થી પઃ૦૦ વાગે શાંતિપૂર્ણ મતદાન યોજાય તે માટે ચૂંટણીપંચ સજ્જ બન્યું છે.
૯૩ બેઠકો માટે રપપ૭પ મતદાન મથકો તૈયાર કરાયા છે અને તેમાં ર.રર કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. સૌથી વધુ ઉમેદવારો મહેસાણા બેઠક ઉપર ૩૪ છે અને ઝાલોદમાં સૌથી ઓછા માત્ર બે ઉમેદવારો ચૂંટણી જંગમાં રહેવા પામેલ છે.
મતદાનને લઇને તમામ જગ્યાએ અભૂતપૂર્વ ઉત્સાહ મતદારોમાં દેખાઇ રહ્યો છે. તમામની નજર હવે ૨૧ શહેરી ભાજપના ગઢ પર કેન્દ્રિત થઇ ગઇ છે. આ ૨૧ શહેરી ગઢમાં અમદાવાદ શહેરમાં ૧૬ અને વડોદરા શહેરની પાંચ બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતની સીટોનો સમાવેશ થાય છે. કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવ્યા બાદ તમામ પાર્ટી ભારે ઉત્તેજનામાં છે. ૧.૧૫ કરોડ પુરૂષો અને ૧.૦૭ કરોડ મહિલા મતદારો છે. જેમાં મતદારોની વાત કરવામાં આવે તો ૩૭.૩૭ લાખ મતદારોની વય ૧૮થી ૨૬ વર્ષની વચ્ચેની છે. બાવન પાર્ટીના ઉમેદવારો બીજા તબક્કામાં ભાગ્ય અજમાવી રહ્યા છે. ભાજપે ૯૩ અને કોંગ્રેસે ૯૧ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ લિમખેડા સૌથી નાની બેઠક છે. જેમાં ૧.૮૭ લાખ મતદારો છે. આવી જ રીતે ઘાટલોડિયા સૌથી મોટી બેઠક છે. જેમાં ૩.૫૨ લાખ મતદારો છે. બીજા તબક્કામાં અનેક મહારથીના ભાવિનો ફેંસલો થનાર છે. ગઇકાલે મંગળવારના દિવસે સાજે પાંચ વાગે બીજા તબક્કા માટે હાઇવોલ્ટેજ અને હાઇપ્રોફાઇલ ચૂંટણી પ્રચારનો અંત આવ્યો હતો. છેલ્લી ઘડી સુધી મતદારોને પોતાની તરફેણમાં કરવા માટે ભાજપ અને કોંગ્રેસના તમામ ઉમેદવારોએ પુરતી તાકાત લગાવી હતી. છેલ્લા દિવસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. પ્રચારના છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં અપેક્ષા કરતા ઓછુ એટલે કે ૬૬.૭૫ ટકા મતદાન થયા બાદ બીજા તબક્કામાં મતદાનની ટકાવારી વધે તે માટે રાજકીય પક્ષો તથા તંત્ર દ્વારા પ્રયાસો કરાયા છે. ગુરૂવારના રોજ રાજયની જે ૯૩ બેઠકો ઉપર મતદાનની પ્રક્રીયા હાથ ધરવામા આવનાર હોઈ આ બેઠકો ઉપર કુલ મળીને ૮૫૧ ઉમેદવારોનુ ભાવિ આવતીકાલે સાંજે ઈવીએમમા સીલ થઈ જશે.રાજયની કુલ ૧૮૨ વિધાનસભા બેઠક માટે પહેલા તબકકાનુ મતદાન ૯ ડિસેમ્બરના રોજ પૂરું થયા બાદ હવે બીજા તબકકાની મતદાન પ્રક્રીયા માટે ચૂંટણીપંચ તરફથી તમામ તૈયારી પૂરી કરી લેવામા આવી છે. છેલ્લા કેટલાક સમયથી રાજયના વિવિધ જિલ્લાઓ અને તાલુકા મથકો ખાતે રાજકીયપક્ષો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર અને પ્રસાર ઉપર મંગળવાર સાંજે પાંચ કલાકે રોક લાગી ગઇ હતી. રાજયમાં સૌ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી હાજરી વગર યોજાઈ રહી હોઈ વડાપ્રધાન દ્વારા રાજયમાં સતત ચોથી વખત તેમના પક્ષની સરકાર રચાય એ માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો.આ સાથે જ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી દ્વારા તેમના પક્ષને ૨૨ વર્ષ બાદ સત્તા મળવાના સંજોગો દેખાતા તેમના દ્વારા પણ કોંગ્રેસ માટે પ્રચાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસના અનેક અગ્રણી નેતાઓ દ્વારા આ ચૂંટણીમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. ૧૬થી વધુ ઉમેદવારો મેદાનમાં છે ત્યાં બે ઈવીએમ આપવામા આવશે. મહેસાણામાં ૩૪ ઉમેદવારો, વટવામાં ૧૬, વિરમગામમા ૨૨, રાધનપુરમાં ૧૭, બાપુનગરમાં ૧૬,ધંધુકામાં ૧૬, ઉમેદવારો મેદાનમાં હોઈ ત્યાં બે ઈવીએમ અથવા મોટી સાઈઝનું ઈવીએમ ઉપયોગમાં લેવાશે. કુલ ૧૪પર૩ મતદાન સ્થળો પરના ૨૫,૫૭૫ પોલિંગ સ્ટેશન ઉપર મતદાનની પ્રક્રીયા હાથ ધરવામા આવશે. કુલ મતદારો ૨,૨૨,૯૬,૮૬૭ છે. કુલ ૧.૭૪ લાખ પોલીસ જવાનો, સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સાથે કુલ ૨.૪૧ લાખ કર્મચારીઓ ફરજ બજાવશે.

બીજા તબક્કાનું ચૂંટણી ચિત્ર

બેઠકો ૯૩
મતદારો ૨.૨૨ કરોડ
પુરૂષ મતદારો ૧.૧૫ કરોડ
મહિલા મતદારો ૧.૦૭ કરોડ
૧૮-૨૬ વય મતદારો ૩૭.૩૭ લાખ
કુલ ઉમેદવાર ૮૫૧
રાજકીય પાર્ટી ૫૨
પોલીસ (સુરક્ષા સ્ટાફ) ૧.૭૪ લાખ
પોલિંગ સ્ટેશન ૨૫૫૭૫
કુલ કર્મચારીઓ ૨.૪૧ લાખ
સૌથી વધુ ઉમેદવારો મહેસાણા (૩૪)
સૌથી ઓછા ઉમેદવારો ઝાલોદ (૨)
સૌથી ઓછા મતદારો લિમખેડા (૧.૮૭ લાખ)
સૌથી વધુ મતદારો ઘાટલોડિયા (૩.૫૨લાખ)