અમદાવાદ, તા.૧પ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમત મળવાના પરપ્રાંતિય એક્ઝિટ પોલના આંકડાઓ સામે ગુજરાતના લઘુ અને મધ્યમ અખબારો (S&MNP) અને ગુજરાતી ન્યુઝ સર્વિસ (GNS) દ્વારા એક સર્વે કરી તૈયાર કરેલો એક્ઝિટ પોલ બહાર આવ્યો છે જેમાં રર વર્ષથી ગુજરાતમાં શાસનની ધૂરા સંભાળી રહેલ ભાજપાને ઝટકો લાગી શકે તેવો સર્વે છે. આ સર્વે રાજ્યના જિલ્લા સ્તરના અખબારોના તંત્રીઓ અને મતદાન સમયે ફિલ્ડમાં રિપોર્ટીંગ કરતા પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે જે મુજબ રર વર્ષ પછી ભાજપ સત્તા ગુમાવી શકે છે. આ સર્વે અનુસાર ૧૮૨ સભ્યો ધરાવતી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને કુલ ૯૪ થી ૯૮ બેઠકો મળવાની શક્યતા છે, જ્યારે ભાજપાના ખાતે ૭૮ થી ૮૪ બેઠકો જતી જણાઇ રહી છે. અન્યોના ખાતે ૪ થી ૬ બેઠકો જવાની શક્યતા છે. સરેરાશ જોતાં કોંગ્રેસને લગભગ ૯૫, ભાજપાને ૮૨ અને અન્યોને ૫ બેઠકો મળતી જણાય છે. આમ કોંગ્રેસ નજીવી સરસાઇથી ગુજરાતમાં સરકાર બનાવતી જણાઇ રહી છે. આ સર્વે અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક સુધારથી ગુજરાતના વેપારી ખુશ નથી. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે જીએસટી અને નોટબંધીને કારણે ગુજરાતના વેપારીઓ નારાજ છે અને મોટા ભાગના વેપારીઓ કોંગ્રેસની તરફેણમાં ચાલ્યા ગયા છે. જીએસટીના દરોમાં કરવામાં આવેલા બદલાવથી પણ વેપારીઓ ખુશ નથી. આ ચૂંટણીમાં ભાજપા તરફી મતદાન કરનારા વેપારીઓની સંખ્યામાં ત્રણ થી પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે આ મામલે કોંગ્રેસને ચાર ટકાનો લાભ મળતો દેખાઇ રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૧૮૨ સીટો પર યોજાઇ હતી અને આ ચૂંટણીમાં જેડીયુથી છૂટા પડી અલગ પાર્ટીના નામે ચૂંટણી લડનાર છોટુભાઇ વસાવાને બે સીટ મળવાની આશા હોવાનું આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે. જ્યારે બે એનસીપી અને બે અપક્ષને મળવાનું પણ દર્શાવવામાં આવ્યું છે. S&MNP અને GNSના એક્ઝીટ પોલમાં મળેલા તારણ અનુસાર પ્રથમ ચરણના પાટીદાર સમાજના પ્રભુત્વ વાળા સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ સુરત સહિતના દ.ગુજરાતમાં પાટીદાર આંદોલના કન્વીનર હાર્દિક પટેલે પોતાની સભાઓ દ્વારા કરેલા ભાજપ વિરોધી પ્રચારની અસર જોવા મળી હતી જેને કારણે ભાજપને ૮૯માંથી ૪૨ સીટ જ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જ્યારે બીજા ચરણની ૯૩ સીટમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર જેવા શહેરી વિસ્તારોમાં પણ ભાજપને નોંધપાત્ર નુકસાન પહોંચવાની શક્યતાઓ સેવાઇ રહી છે. જેને કારણે અહીં પણ ૯૩ માંથી ૪૩ સીટોથી જ ભાજપે સંતોષ માનવો પડે તેવી સ્થિતી છે. આ સર્વેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ૫૭ ટકાથી વધુ મતદારોમાં સરકાર વિરોધી અસર જોવા મળી હતી. એક્ઝીટ પોલમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે, આ વખતની ચૂંટણમાં ભાજપના વિકાસ નારાની અસર પણ ખાસ જોવા મળી નહીં. માત્ર ૧૫ ટકા મતદારોમાં તેમની પોઝેટીવ અસર જોવા મળી હતી છે.