નવી દિલ્હી, તા. ૧૧
ચૂંટણીવાળા ગુજરાત રાજ્યમાં સંપૂર્ણ માહોલ સત્તાધારી ભાજપ વિરોધી હોવાનો દાવો કરતા એનસીપીના પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે, લોકો હવે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને અપનાવતા થયા છે જે તેમની રેલીઓમાં મોટી સંખ્યામાં લોકોને ખેંચી શકે છે. પવારે મુંબઇમાં પત્રકારોને જણાવ્યું હતું કે, સત્તામાં રહેલા લોકોએ રાહુલ ગાંધીની ઘણી મજાક કરી છે પરંતુ હવે તેનાથી ઉલ્ટું થઇ રહ્યું છે. લોકો તેમને અપનાવતા થયા છે અને તેમની રેલીઓમાં મોટી સંખ્યામાં લોકોને જોઇ શકાય છે. આગામી મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરનગર ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે રાહુલ ગાંધીએ આક્રમક પ્રચાર અભિયાન છેડ્યું છે. છેલ્લા બે દાયકાથી રાજ્યમાં કોંગ્રેસ સત્તાથી દૂર છે. વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી માહોલ ભાજપ વિરોધી છે જોકે, સાથે એવું પણ કહ્યું કે, અત્યારથી કોઇ અટકળો બાંધી ન શકાય. હાલ માહોલ તો ભાજપ વિરોધી છે પરંતુ કેન્દ્રમાં રહેલી સરકાર તેના માટે બધુ કરી છૂટશે. જોકે, ચૂંટણી પહેલા રાજકીય અટકળો બાંધી ન શકાય. પવારે એમ પણ જણાવ્યું કે, તેમનો પક્ષ મર્યાદિત બેઠકો પર ચૂંટણી લડશે અને આ માટે કોંગ્રેસ સાથે વાત ચાલુ છે. તેમણે કહ્યું કે, જે લોકો ભાજપવિરોધી હશે તે બધા સાથે ગઠબંધન કરવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે, શિવસેના માટે એ બરોબર નથી કે, તે કેન્દ્રની સરકારની ટીકા કરે. આ પક્ષ સત્તાધારી પક્ષ સાથે કેન્દ્ર અને મહારાષ્ટ્ર બંને જગ્યાએ ગઠબંધનમાં છે. પવારે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે, શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને સાંસદ સંજય રાઉત તેમને મળ્યા હતા અને ભાજપની સરકારથી સંતુષ્ટ નથી તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ફડનવીસની સમૃદ્ધિ એક્સપ્રેસ વેનો વિરોધ કરનારા ખેડૂતો વિરૂદ્ધ ખોટા કેસો નોંધાયા છે. તેમણે એમ પણ કહ્યું કે, આ કેસો મારી સમક્ષ આવ્યા છે અને જો આવું ચાલુ રહેશે તો તેઓ ખેડૂતો સાથે માર્ગો પર ઉતરી પડશે. નોટબંધીની વરસી પ્રસંગે વિપક્ષ સાથે વિરોધમાં જોડાયેલા પવારે કહ્યું હતું કે, નોટબંધીને કારણે લોકો વેરવિખેર થઇ ગયા છે.