અમદાવાદ, તા.૩૧
રાજ્યમાં છેલ્લા એકાદ સપ્તાહેથી ઉનાળો આકરા પાણએ છે. સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. સુરેન્દ્રનગરમાં શુક્રવારે પારો ૪૫ની આસપાસ પહોંચી જતા હાહાકાર મચી ગયો હતો. યલો એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી ચૂકી છે. બીન જરૂરી રીતે બહાર ન નીકળવાની સલાહ લોકોને તંત્ર દ્વારા આપવામાં આવી છે. બીજી બાજુ ગુરૂવારની સરખામણીમાં આજે શુક્રવારે અમદાવાદ શહેરમાં પારો આંશિક રીતે ઘટ્યો હતો. પરંતુ પારો હજુ પણ ૪૩થી ઉપર રહ્યો છે. હીટ વેવ માટેની કોઈ ચેતાવણી તંત્ર તરફથી જારી કરવામાં ન આવતા લોકોનો આંશિક રીતે રાહત થઈ છે પરંતુ લોકો સાવચેત બનેલા છે. આગામી ૨૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર જોવા મળનાર નથી. પરંતુ ત્યાર બાદ મહત્તમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન યથાવત્‌ રહેશે. આજે રાજ્યના જે ભાગોમાં પારો ૪૩થી ઉપર રહ્યો હતો તેમાં અમદાવાદમાં ૪૩.૨, ગાંધીનગરમાં ૪૩.૫, રાજકોટમાં ૪૩.૭નો સમાવેશ થાય છે. રાજ્યમાં સૌથી વધારે ગરમીનો અનુભવ આજે સુરેન્દ્રનગરમાં થયો હતો. જ્યાં પારો ૪૪.૮ સુધી પહોંચ્યો હતો. આજે અમદાવાદ શહેરમાં બપોરના ગાળામાં ગરમીના કારણે જનજીવન પણ ખોરવાઈ ગયું હતું. બપોરના ગાળામાં રસ્તાઓ સૂમસામ બની ગયા હતા. વધતી જતી ગરમી વચ્ચે કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે-સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ. બિનજરૂરી રીતે કામ વગર બહાર ન નિકળવા માટે પણ કહેવામાં આવ્યું છે. બાળકો અને મોટી વયના લોકોને વિશેષ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી એકવાર જોરદાર ગરમીનું મોજુ ફરી વળ્યું છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન પારો અકબંધ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. એલર્ટની જાહેરાત પણ ગરમીના કારણે સાવચેતીના પગલારૂપે કરવામાં આવી છે. બપોરના ગાળામાં તીવ્ર ગરમીથી લોકો ભારે પરેશાન દેખાયા હતા. હાલમાં ગરમીનો પ્રકોપ અકબંધ રહે તેવી શક્યતા છે. દક્ષિણ રાજસ્થાન ઉપર સક્રિય અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિના પરિણામ સ્વરૂપે વિશેષ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. આવતીકાલે મહત્તમ તાપમાન અમદાવાદમાં ૪૨ રહી શકે છે.

ગરમીને લીધે અંબાજીના જંગલોમાં આગ લાગી

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના અંબાજીના જંગલોમાં આજે ભારે ગરમીના કારણે અચાનક જોરદાર આગ ફાટી નીકળી હતી. આગની જવાળાઓ ધીરેધીરે જંગલ વિસ્તારમાં પ્રસરતી જતી હતી. સ્થાનિક વનવિભાગ અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડના જવાનોએ સમયસર આગને કાબૂમાં લઇ લીધી હતી. જો કે, અંબાજીના જંગલોમાં લાગેલી આગમાં વન્ય જીવસૃષ્ટિના નાના જીવો પણ ભોગ બન્યા હતો અને ઘાસ, વૃક્ષો અને અન્ય વનસ્પતિ પણ બળીને ખાખ થઇ ગઇ હતી. અંબાજીના જંગલોમાં લાગેલી વિકરાળ આગને લઇ સમગ્ર પંથકમાં પણ ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે, આ આગ ગરમીના કારણે લાગી હોવાનું મનાઇ રહ્યું છે.

સુરેન્દ્રનગર તેમજ બોટાદ પંથકમાં વરસાદ પડ્યો

ગુજરાતમાં સુરેન્દ્રનગર ખાતે આજે પારો ૪૪.૮ સુધી રહ્યો હતો ત્યારે સાંજે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો અને પવન સાથે વરસાદ શરૂ થયો હતો. સુરેન્દ્રનગરમાં લીંમડી અને આસપાસના વિસ્તારમાં વરસાદ થયો હતો. જ્યારે બીજી બાજુ બોટાદમાં પણ હવામાનમાં એકા-એક પલટો આવ્યા બાદ ધીમા ગતિએ વરસાદ થયો હતો. કમોસમી વરસાદથી લોકો આશ્વર્યચકિત થયા હતા.

ક્યાં કેટલું તાપમાન

સ્થળ મહત્તમ તાપમાન
સુરેન્દ્રનગર ૪૪.૮
રાજકોટ ૪૩.૭
ગાંધીનગર ૪૩.૫
અમદાવાદ ૪૩.૨
વી.વી.નગર ૪૨.૧
વડોદરા ૪૨
ડીસા ૪૧.૨
કંડલા એરપોર્ટ ૪૦.૮
ભાવનગર ૩૯.૯
ભૂજ ૩૯.૪