(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૧
ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની છેલ્લા ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી ત્યારે હાલમાં ભાજપમાં આંતરિક જૂથવાદ અને નારાજગી સહિતના પરિબળો કામ કરી રહ્યા હોઈ લોકસભાની ચૂંટણીમાં વિધાનસભા ચૂંટણી જેવું ના થાય તે માટે ભાજપ મોવડી મંડળે હવે મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનો નિર્ણય માંડી વાળ્યો છે. ભાજપમાંની વર્તમાન પરિસ્થિતિ જોતાં જો હાલમાં વિસ્તરણ કરાય તો અસંતુષ્ટોને શાંત કરવાનો નવો પડકાર ઊભો થાય તેમ હોઈ લોકસભા ચૂંટણીમાં કોઈ જાતનું જોખમ ના લેવા માગતી ભાજપ અને મંત્રીમંડળના વિસ્તરણનો મામલો લોકસભા ચૂંટણી પછી ઠેલ્યો હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે.
ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ અંગે અગાઉ કર્ણાટકની ચૂંટણી પછી થવાની વાતો વહેતી થઈ હતી તે અગાઉ પણ વિધાનસભાના બજેટ સત્ર પછી વિસ્તરણ થવાની વાતો બહાર આવી હતી. આમ છેલ્લા ઘણા સમયથી મંત્રી મંડળના વિસ્તરણ અંગે અટકળો થઈ રહી હતી અને તેમાં લોકસભાની ચૂંટણી અગાઉ હવે વિસ્તરણ થશે તેની રાહ જોવાતી હતી ત્યારે જ મોવડી મંડળ તરફથી તેના પર ઠંડું પાણી રેડી દેવાતા સમગ્ર પ્રકરણનો હાલ પૂરતો અંત આવેલ છે. ભાજપ હાઈકમાન્ડે આગામી લોકસભાની ચૂંટણીને લઈ આ નિર્ણય લીધો હોવાની વિગતો સૂત્રો જણાવી રહ્યા છે તે સાથે લોકસભાની ચૂંટણીમાં સારી કામગીરી કરનારની કેન્દ્રીય નેતાગીરી નોંધ લેશે અને તેને જ લોકસભા ચૂંટણીમાં તક આપવામાં આવશે તેવી વાત પણ વહેતી થઈ છે. લોકસભાની ચૂંટણીમાં વિધાનસભાવાળી ન થાય તે માટે મોવડી મંડળે વિસ્તરણનો મધપૂડો ન છંછેડવાનું મુનાસીબ માન્યું છે. જો વિસ્તરણ થાય તો તેમાં પણ અસંતોષ વધુ વકરે અને તેની સાથે જૂથવાદ પણ વકરે તેમ હોઈ વડાપ્રધાન મોદીના હોમ સ્ટેટમાં અસંતોષ ઠારવા અને ભાજપની હાલની સ્થિતિ સુધારવાના પ્રયાસરૂપે જ મંત્રીમંડળના વિસ્તરણ માટે હાલનો સમય યોગ્ય ન હોવાનું મન બનાવી લેવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ સાથે ભાજપ મોવડી મંડળ તરફથી ટિકિટ વાંચ્છુ સહિતના ભાજપના તમામ અગ્રણીઓને લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવા જણાવી દેવામાં આવ્યું છે. હવે લોકસભાની ચૂંટણી ટાણે કે તે પછી જ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે તેમ જણાવાયું છે. આમ હાલ તો ટિકિટવાંચ્છુઓને ભાજપે વિસ્તરણનું ગાજર દેખાડી કામે લગાડી દીધા છે.