(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા૧૮
વરસાદમાં બિસ્માર થયેલા શહેરના રસ્તા, રખડતા ઢોર, આડેધડ પાર્કિંગ, ભયંકર ટ્રાફિક અને રોડ પર ગેરકાયદેસરના બાંધકામોના દબાણ મુદ્દો ફરી એકવાર હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. અગાઉ જસ્ટિસ એમ.આર. શાહની ખંડપીઠે આપેલા ચુકાદા અને દિશાનિર્દેશોની અમલવારી ખરા અર્થમાં ન થઇ રહી હોવાથી સમગ્ર મુદ્દે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પિટિશન કરવામાં આવી છે. જેમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે રાજ્ય સરકારના મુખ્ય સચિવ જે.એન. સિંહ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર વિજય નેહરાને નોટિસ ફટકારી છે. આ કેસની વધુ સુનાવણી ૨૮મી નવેમ્બરના રોજ મુકરર કરવામાં આવી છે. આ કેસમાં અરજદાર મુસ્તાક કાદરી વતી એડવોકેટ અમિત પંચાલે કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી છે. જેમાં એવા આક્ષેપ કર્યા છે કે, ‘નામદાર હાઇકોર્ટની ખંડપીઠે વર્ષ ૨૦૧૮માં શહેરના નાગરિકોને રાહતરૂપ ચુકાદો આપ્યો હતો. જેમાં બિસ્માર રસ્તાઓની હાલત સુધારવા, ખાડા-ભૂવા દૂર કરવા, રખડતાં ઢોરના ત્રાસને અટકાવવા, વાહનોના પાર્કિંગ માટેની પુરતી સુવિધાઓ આપવા, ગીચ ટ્રાફિકની સમસ્યાને નિવારવા અને જાહેર સ્થળો અને માર્ગો પરના ગેરકાયદેસરના દબાણોને દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. આ આદેશોનો અમલ ન થવાના કિસ્સામાં સંબંધિત વિભાગના અધિકારીઓને જવાબદાર ગણી તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ નામદાર હાઇકોર્ટના આદેશોની કોઇ અમલવારી તંત્ર દ્વારા કરવામાં આવી નથી. તેથી હાઇકોર્ટના આદેશનો અનાદર થતાં કોર્ટના તિરસ્કારની અરજી કરવામાં આવી છે.’

રિટમાં માગવામાં આવેલી દાદ
– હાઇકોર્ટના આદેશનો અમલ નહીં કરનારા પ્રતિવાદીઓ (જે.એન. સિંઘ, વિજય નેહરા) વિરૂદ્ધ કાર્યવાહી કરવા અને તેમને દંડ અથવા સજા કરવાનો આદેશ કરવામાં આવે.
– હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા હુકમની અમલવારી કરવાનો આદેશ કરવામાં આવે વિશ્વસનીય વ્યક્તિઓની એક કમિટી બનાવવામાં આવે કે જે શહેરની ખરી પરિસ્થિતિ અંગેનો રિપોર્ટ કોર્ટસ સમક્ષ રજૂ કરે.
– રસ્તાના બાંધકામ અને તેના મોનિટરિંગ માટે અમદાવાદ મ્યુ.કોર્પો.માં એક સ્વતંત્ર ટેકનિકલ એડવાઇઝરી કમિટી બનાવવાનો આદેશ કરવામાં આવે. જેઓ રસ્તાની ડિઝાઇન, બાંધકામ, ગુણવત્તા, સ્પેસિફિકેશન્સ અને જાળવણીની કોર્પોરેશનની કામગીરીનું સતત નિરીક્ષણ કરે.