અમદાવાદ,તા.૧૦
રાજ્યના વિવિધ પેન્શનર્સ દ્વારા તેમને પેન્શનમાં સ્કેલ ટુ સ્કેલના લાભ માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીમાં હાઇકોર્ટે આજે પેન્શનર્સ તરફથી કરાયેલી રિટ અરજી ગ્રાહ્ય રાખી હતી અને વિવિધ પેન્શનર્સને સ્કેલ ટુ સ્કેલનો લાભ આપવા મહત્વનો હુકમ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાના કારણે રાજયના લાખો પેન્શનર્સને લાભ મળશે. સને ૨૦૦૬થી આ અંગેનો લાભ આપવાનો રહેશે. હાઇકોર્ટના તેના ચુકાદામાં એ પણ સ્પષ્ટતા કરી હતી કે, જેઓ આ કેસમાં અરજદાર તરીકે જોડાયા નથી પરંતુ આ વ્યાખ્યામાં સમાવિષ્ટ હોય તેઓને પણ આ ચુકાદાનો લાભ મળશે. જેથી રાજયના લાખો પેન્શનર્સને તેનો વ્યાપક લાભ મળશે. હાઇકોર્ટના આ ચુકાદાથી રાજય સરકાર પરનો આર્થિક બોજો વધશે. પેન્શનર્સ તરફથી અરજીમાં જણાવાયુ હતું કે, અત્યારસુધી તેઓને સ્કેલ ટુ સ્કેલનો લાભ અપાતો ન હતો અને તેના કારણે તેમને પેન્શનમાં ભારે અન્યાય થાય છે. વળી, જે પેન્શનધારકોએ હાઇકોર્ટમાં અરજી કરી ના હોય તેવા પેન્શનધારકોને નોશનલ બેનીફીટ નહી આપવા સરકારે ૨૦૧૮માં ઠરાવ કર્યો હતો, તેને પણ પડકારવામાં આવ્યો હતો અને તેને ગેરકાયદે અને રદબાતલ ઠરાવવા દાદ માંગવામાં આવી હતી. હાઇકોર્ટે અરજદાર પેન્શનધારકોની અરજી ગ્રાહ્ય રાખી સરકારનો ૨૦૧૮નો ઠરાવ રદ કર્યો હતો અને તેઓને ૨૦૦૬થી આ લાભ આપવાનો હુકમ કર્યો હતો.